• મધદરિયે આવેલા તેલકુંવાના થાળા પર તાઉ’તે નો સામનો કર્યો
  • વડોદરાના ઇજનેર દિલીપ સુંદરલાલ શાહ આ અનુભવને અતિ અસાધારણ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં એક ઉપયોગી પાઠ તરીકે મૂલવે છે
  • એ ઉચાટ પણ આનંદદાયક હતો

WatchGujarat. ચક્રવાત તૌકતેને પગલે વડોદરામાં કદાચ વધુમાં વધુ 70 થી 80 કિમીના વેગથી પવનો ફૂંકાયા અને મધ્યમ વરસાદ થયો. એમાં તો સહુના જીવ પડીકે બંધાયા અને શું થશેની ફાળ પડી.

તેવા સમયે વડોદરાના એક ઇજનેરે મધદરિયે આવેલા નોકરીના સ્થળના તેલ કુંવાના થાળા (પ્લેટફોર્મ) પર સાથીઓ સાથે તૌકતે સાથે મુલાકાતનો અતિ અસાધારણ અનુભવ કર્યો. અને આ અનુભવ તેમના પત્ની સાથે જ્યારે શેર કર્યો ત્યારે તેમના પત્ની અનીતાબહેન ખૂબ ગભરાયેલા હતા અને દિલીપભાઈ રસપ્રદ વાર્તાની માફક ઘટનાઓનું વર્ણન કરી રહ્યાં હતાં આ એક અનોખો વિરોધાભાસ હતો.

ઇજનેર દિલીપ સુંદરલાલ શાહને છેલ્લા 17 વર્ષથી દરિયાની વચ્ચે નોકરી કરવાનો એક ધારો અનુભવ કર્યો છે. નાના મોટા દરિયાઈ તોફાનો તો વારંવાર તેમણે જોયાં છે. પણ આટલા મોટા સ્કેલનું વાવાઝોડું પ્રથમવાર જોયું. આ મારી આખી 37 વર્ષની સર્વિસ કેરિયરનો મોટામાં મોટો અનુભવ હતો. જમીની તેલક્ષેત્ર ના વિવિધ અનુભવો મારી પાસે છે. તે પછી દરિયામાં કામ કરવાનું આવ્યું. છેલ્લા દોઢ દાયકા કરતાં વધુ સમયથી જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે હું દરિયામાં જ હોઉં એવું બન્યું છે.

તમામ ચેતવણીઓ આગોતરી મળી ગઈ હોવાથી તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા હતા અને અમે ખૂબ સલામત હતાં. છતાંય કહીશ કે આ અતિ અસાધારણ અનુભવ હતો. તેનાથી ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ઘણું નવું શીખવા મળ્યું છે જે આ વર્ષે નિવૃત્તિ પછી નવી પેઢીને શીખવાડવામાં ઘણું ઉપયોગી બનશે. અને નાગરિક જીવનમાં પણ આવી કોઈ આફતમાં કેવી બચાવ કામગીરી કરવી એની નવી દિશા જડી છે.

તૌકતેની સમયની પરિસ્થિત વર્ણવતા એમણે જણાવ્યું કે, મધ દરિયે મઘ રાત્રે તેની શરૂઆત થઈ. લગભગ 90 થી 120 નોટિકલ માઈલ એટલે કે અંદાજે 185 થી મહત્તમ 215 કિમી નો વેગ ધરાવતા પવનો ફૂંકાયા. તે સમયે વિઝીબિલિટી લગભગ શૂન્ય થઇ ગઇ હતી. અમારું પ્લેટફોર્મ ખૂબ મજબૂત અને સુરક્ષિત હોવાથી એમ કહો કે ખૂબ રોમાંચ સાથે આ લાઇફ લોંગ એક્ષપિરિયન્સ ને માણ્યો.

તેઓ જ્યાં ફરજ બજાવે છે એ જગ્યા દરિયા કાંઠાથી લગભગ 90 કિમી અરબી સમુદ્રની ગોદમાં આવેલી છે. ખાસ કરીને ચોમાસામાં નાના મોટાં દરિયાઈ વાવાઝોડાનો સામનો કરવો જ પડે છે. સામાન્ય દિવસોમાં આ સ્થળે 15 – 20 નોટિકલ માઇલની ઝડપે પવન ફૂંકાતો રહે અને મોજા ઉછળતા રહે એની કોઈ જ નવાઈ નથી. 40 નોટિકલ માઈલથી પવનની ઝડપ વધે ઍટલે બહાર ન નીકળવાની અહી સ્થાઈ સૂચના છે. આ ચક્રવાતની ચેતવણી મળતાં જ બધાં જ સાધનો ઉપકરણો ને ખૂબ ચુસ્ત રીતે બાંધી દેવા સહિતની તકેદારી અમે લીધી હતી.

જો કે તૌકતે માં પ્રથમવાર 8 મીટર એટલે કે બે થી ત્રણ માળના મકાન જેટલા ઊંચા મોજા ઊછળતાં જોયાં. મધ્ય રાત્રિથી બીજા દિવસની સાંજ સુધી તોફાન ચાલતું રહ્યું. હવે જાણે કશું બન્યું જ નથી એવો દરિયો શાંત છે.

મહિના લગભગ 15 દિવસ સમુદ્રની વચ્ચે નોકરી કરવાની હોવાથી તેમના પત્ની અનિતા અને સંતાનોએ  આ વ્યવસાયિક જોખમને સહજ રીતે સ્વીકારી લીધું છે. નાના મોટા તોફાનોથી તેમને ઉચાટ થતો નથી. જો કે આ તોફાન ખૂબ વ્યાપક હોવાથી તેઓ થોડો ઘબરાટ અનુભવે એ સ્વાભાવિક છે. પરંતુ તેમને બધી વિગતો ની આગોતરી જાણકારી આપી આશ્વસ્ત કર્યા હતા. લગભગ ચોવીસ કલાક કોમ્યુનિકેશન કપાઈ જશે તેનો પણ સંકેત આપી દિધો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

તેમ છતાં,જ્યાં સુધી તેમનો સંપર્ક ફરીથી ના થયો ત્યાં સુધી હું અને આખો પરિવાર ઉચાટમાં રહ્યાં તેમ અનિતા બહેને જણાવ્યું. જો કે દેશ વિદેશમાં વસતા મિત્રો અને સ્વજનો ચોક્કસ ખૂબ ચિંતિત થઈ ગયા હતા.

એમ કહી શકાય કે દિલીપભાઈની નોકરી ખૂબ રોમાંચક નોકરી છે.બધાને આવી નોકરી કરવાની તક મળતી નથી.દરિયાલાલના ખોળે રહીને કામ કરવાની આ તકને લીધે તેઓ તાઉ’તે ની ડરામણી આફત ને પણ આગવા અંદાજથી માણી શક્યા છે.આ તોફાનના જીવનમાં એકાદ વાર જ થતાં અનુભવને તેઓ જીવનના એક અતિ અસાધારણ પૃષ્ઠ તરીકે મૂલવે એ તેમની દિલેરી અને જિંદાદિલી જ ગણાય.

(દિલીપભાઈ સુંદરલાલ શાહના પત્નીના માધ્યમથી થયેલા સંવાદ પ્રમાણે)

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud