• 6 ફાયર ફાઈટરોએ દોઢ કલાકની જહેમતે આગ પર કાબુ મેળવ્યો
  • મામલતદાર, GPCB સહિત પોલીસ દોડી આવી
  • આગની આકસ્મિક ઘટના કે છમકલું અંગે છુટા કરાયેલા કામદારોમાં તર્ક વિતર્ક
  • વર્ષ 2013 માં કંપની ફડચામાં જતા બંધ કરી 1000 જેટલા કામદારોને પાણીચું અપાયું હતું

WatchGujarat. ભરૂચના ચાવજ રોડ પર આવેલી 8 વર્ષથી બંધ વિડીયોકોન કંપનીમાં ગુરુવારે સ્ટોરરૂમમાં ભભૂકી ઉઠેલી આગથી ફાયર ફાઈટરો દોડતા થઈ ગયા હતા. ભરૂચ પાલિકા, આસપાસના ઉદ્યોગો સહિત 6 ફાયર ફાઈટરોએ 1 કલાક ઉપરાંતની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગમાં તમામ રેકોર્ડ બળીને ખાખ થઈ ગયા હતા.

ટીવીની પિક્ચર ટ્યુબ (પેનલ) બનાવતી ભરૂચના ચાવજ રોડ ઉપર આવેલી વિડીયોકોન કંપનીનો એક સમયે દબદબો હતો. જોકે ટેકનોલોજીની ક્રાંતિ વચ્ચે પિક્ચર ટ્યુબ અને ભારે ભરખમ TV નું સ્થાન LCD, LED અને સ્માર્ટ ટીવીએ લેતા તમામ ટીવી ઉત્પાદન કરતી કંપનીઓને પિક્ચર ટ્યુબની પેનલો આપી કરોડોનું ટર્નઓવર કરતી વિડીયોકોન કંપનીનું અસ્તિત્વ પૂરું થઈ ગયું હતું.

વર્ષ 2013 માં કંપનીની પિક્ચર ટ્યુબનું માર્કેટ  પૂરું થઈ જતા બંધ કરવાનો વારો આવ્યો હતો. જેને લઈ 1000 જેટલા કર્મચારીઓને છુટા કરવા તેમજ રાજીનામાં લખાવી લેતા ભારે વિવાદ અને વિરોધ વંટોળ પણ ઉભો થયો હતો. જે બાદ કંપનીએ વિડીયોકોન પાવર, મોબાઈલ અને ડીસ ટીવીમાં પણ ઝપલાવ્યું હતું. જોકે ચાવજના ટીવીની પિક્ચર ટ્યુબ બનાવતા પ્લાન્ટને કાયમ માટે ખંભાતી તાળા વાગી ગયા હતા. જ્યાં સિક્યોરિટીનો કેટલોક સ્ટાફ જ બંધ કંપની માટે કાર્યરત છે. 8 વર્ષથી બંધ કંપનીના ગેટ નંબર 3 પાસે આવેલી બિલ્ડિંગમાં ગુરૂવારે બપોરે 2 કલાકે આકસ્મિક આગ લાગી હતી.

સ્ટોરરૂમમાં રેકોર્ડ અને અન્ય સમાનને લઈ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘટનાની જાણ ફાયર ફાઈટરોને કરાતા ભરૂચ પાલિકા ઉપરાંત આસપાસની અન્ય કંપનીના 6 જેટલા ફાયર ફાઈટરોએ દોડી આવી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર ફાઈટરોની 1 કલાક ઉપરાંતની જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો. જોકે તે પેહલા જ સ્ટોરરૂમમાં રહેલા તમામ રેકોર્ડ અને સમાન બળીને ખાખ થઈ ગયો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ઘટના સ્થળે પોલીસ, મામલતદાર અને GPCB પણ દોડી આવ્યું હતું. ફેકટરી ઇન્સ્પેકટર સહિતે બનાવ અંગે કારણ જાણવા તપાસ હાથ ધરી છે. બીજી તરફ છુટા કરાયેલા પૂર્વ કામદારોમાં સ્ટોરરૂમમાં લાગેલી આગ પાછળ અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud