WatchGujarat. દેશના પુર્વ ગૃહ પ્રધાન સરદાર પટેલ દ્વારા સિવીલ સર્વીસ (UPSC)ને સ્ટીલ ફ્રેમ કહેવામાં આવી હતી. સિવીલ સર્વન્ટની દેશ ચલાવવામાં મહત્વની ભુમિકા હોય છે. UPSC દ્વારા લેવામાં આવતી ઓલ ઇન્ડિયા સર્વીસ દેશ અને દુનિયામાં સૌથી અધરી પરીક્ષાઓમાં સ્થાન પામે છે. જો કે કેટલાક કિસ્સાઓમાં ખુબ નાની ઉંમરે સીવીલ સર્વીસી પરીક્ષા પાસ કરવામાં સફળતા મળે છે, તો કેટલાક કિસ્સામાં તમામ એટેમ્ટ પતી ગયા બાદ પણ પરીક્ષા પાસ કરી શકાતી નથી. વડોદારા જિલ્લાના વાઘોડિયામાં પ્રોબેશન પર IPS જગદીશ બાંગરવાને મુકવામાં આવ્યા છે. તેઓએ માત્ર 23 વર્ષની ઉંમરે સિવીલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી. તેમની સફળતામાં તેમના પરિવાર અને ખાસ મિત્ર સહિતના મહત્વના પ્રસંગો અંગે તેઓએ watchgujarat.com સાથે વાત કરી હતી.
IPS બાંગરવા જણાવે છે કે, મારો જન્મ રાજસ્થાનના બાડમેર જિલ્લાના બાયતુ ગામમાં 14 સપ્ટેમ્બર,95 ના રોજ થયો હતો. મારા પરિવારમાં માતા-પિતા અને એક મોટા બહેન છે. મારા પિતા સરકારી શાળામાં શિક્ષક છે. અને મારી માતા ગૃહિણી છે. મારૂ શાળાનું ભણતર મારા ગામની જ સ્થાનિક શાળામાં હિંદી મીડીયમ સાથે થયું હતું. ધો. 10 માં મારી સાથે એક કિસ્સો બન્યો હતો. પરીક્ષા સમયે મારી તબિયત નાદુરસ્ત હોવાના કારણે હું પરીક્ષા આપી શક્યો ન હતો. એટલે મેં ફરી પરીક્ષા આપી હતી. ત્યાર બાદ વધુ ભણતર માટે હું નજીક આવેલા શહેરમાં ગયો હતો.
મારા માતા-પિતાએ મને હંમેશા ભણવા માટે અને કંઇક નવું કરવા માટે પ્રોત્સાહીત કર્યો
સ્કુલનું ભણતર પુરૂ થયા બાદ આમ તો મારે IITમાં જવાની ઇચ્છા હતી. પરંતુ ત્યાર બાદ જોધપુર ખાતે આવેલી જય નારાયણ વ્યાસ યુનિવર્સિટીમાં BA (Political Science, Geography, અને English Literature) સાથે પુર્ણ કર્યું હતું. BA દરમિયાન વધારે સારૂ શું કરી શકાય તે વિકલ્પ પર સતત મનોમંથન ચાલતું હતું. મનોમંથનના પરિણામ સ્વરૂપ મેં રાજસ્થાન એડમિનીસ્ટ્રેટીવ સર્વિસ(RAS)ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેની સાથે UPSCની તૈયારીઓ પણ શરૂ કરી હતી. શરૂઆતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ પ્રથમ જયપુર અને ત્યાર બાદ વધુ તૈયારીઓ માટે દિલ્લીના મુખર્જી નગરમાં ગયો હતો. મારા માતા-પિતાને ઓલ ઇન્ડિયા સર્વીસ (IAS – IPS) અંગે કોઇ ઝાઝો ખ્યાલ ન હતો. પરંતુ તેમણે મને હંમેશા ભણવા માટે અને કંઇક નવું કરવા માટે પ્રોત્સાહીત કર્યો છે.
બે અલગ અલગ સર્વિસ માટે જોઇનીંગ અટકાવ્યા બાદ IPS થવામાં મળી સફળતા
તૈયારીઓ દરમિયાન વર્ષ 2016માં RAS માં મામલતદાર તરીકે મારૂ સિલેક્શન થયું હતું. પરંતુ જોઇનીંગ કર્યું ન હતુ. કારણકે આના કરતા વધારે સારૂ પામવાની ઇચ્છા મનમાં હતી. ત્યાર બાદ UPSC દ્વારા લેવામાં આવેલી BSF આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે મારૂ સિલેક્શન થયું હતું. તેમાં પણ મેં જોઇનીંગ કર્યું ન હતું. આ સમયે વિવિધ સરકારી નોકરીઓ માટે વિવિધ એન્ટ્રન્સ એક્ઝામમાં પ્રયત્નો ચાલુ જ હતા. UPSC માં પ્રથમ પ્રયત્ને હું મેઇન્સ સુધી પહોંચ્યો ન હતો. પરંતુ બીજા પ્રયત્ને સફળતા મળી હતી. જેમાં મને IPS (Indian Police Service) સર્વિસ ફાળવવામાં આવી હતી. અગાઉ મારૂ RAS અને UPSC કમાન્ડન્ટની પરીક્ષામાં સીલેક્શન થયું હતું. પરંતુ હું જોડાયો ન હતો. UPSC ઓલ ઇન્ડિયા સર્વિસ અંતર્ગત IPS (Indian Police Service) માં સિલેક્શન થયું તે અંગે મારા માતા-પિતાને જાણ કરી ત્યારે તેમણે પુછ્યું કે, આ વખતે તું સર્વિસમાં જોડાઇશ કે નહિ. મેં તેમને હા કહી સીવીલ સર્વિસ અંગે વધુ સમજાવતા તેઓ ખુશ થયા હતા. હિન્દી મીડીયમમાંથી સીવીલ સર્વીસ પાસ થનારાઓની સંખ્યા ખુબ જ ઓછી હોય છે.
સિવીલ સર્વિસ એક્ઝામ પાસ કરવામાં મારા અંગત મિત્ર હરીહરસિંગ રાજપુરોહિતનો ખુબ જ મહત્વનો ફાળો
દિલ્લીમાં સિવીલ સર્વિસની તૈયારીઓ સમયે મારા રૂમમેટ હરીહરસિંગ રાજપુરોહિતે મને ખુબ જ સપોર્ટ કર્યો હતો. સિવીલ સર્વિસની તૈયારીઓ સમયે હું અને હરીહરસિંગ એક્ઝામને લગતા અનેક મુદ્દાઓને લઇને ચર્ચા કરતા હતા. અમારી ચર્ચાઓને કારણે વિષય સમજવામાં મને સ્પષ્ટતા થતી હતી. મારા સિવીલ સર્વિસ એક્ઝામ પાસ કરવામાં મારા સાથી અને અંગત મિત્ર હરીહરસિંગ રાજપુરોહિતનો ખુબ જ મહત્વનો ફાળો છે. હરીહરસિંગ રાજપુરોહિત હાલ રાજસ્થાનમાં સરકારી નોકરીમાં ફરજ બજાવી રહ્યો છે. જીવનમાં આગળ વધવુ હોય અને લક્ષ્ય હાસીલ કરવા માટે મહેનત અને લગન તો જરૂરી છે જ, પણ સાથો સાથ એક સારા અને સાચા મિત્રનો સાથ મળે તો કઠીનમાં કઠીન કાર્ય પણ સહેલાઇથી સરળ બની જાય છે. આમ વર્ષ-2109માં મારૂ IPSમાં સીલેકશન થયુ અને National Police Academy માં ટ્રેનિંગ પુર્ણ કરી પ્રોબેશનર તરીકે મને ગત ઓકટોબર મહિનામાં વાઘોડીયા ખાતે મોકલવામાં આવ્યો હતો.
આજના યુવાનોને નથી ખબર કે ક્યાં જવું છે, તેથી તેઓ ઓટો પાઇલટ મોડ પર આવી જાય
કોલેજ કાળમાં સ્ટીવ જોબ્સના વિચારો મને ખુબ પ્રભાવિત કરતા હતા. આજકાલના યુવાનોની સમસ્યા છે કે, તેઓને નથી ખબર કે આગળ શું કરવું છે. જેને કારણે તેઓ ઓટો પાઇલટ મોડ પર આવી જાય છે. તેમના ભવિષ્યનો કંટ્રોલ તેમના હાથમાં નથી રહેતો, જેને કારણે તેઓ અર્થ વિહીન અને લક્ષ્ય વિહીન થઇને સમયનો વેડફાટ કરે છે. સિવીલ સર્વીસ દરમિયાન મેટ્રોમેન તરીકે ઓળખાતા ઇ શ્રીધરન મારા રોલ મોડેલ છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અને ત્યાર બાદ પણ નોંધનીય કામ કર્યું છે.
રીસ્ક નહિ લો તો નવું કઇ નહિ મળે
આજના યુવાનોએ જીવનમાં કેલ્ક્યુલેટીવ રીસ્ક લેવું પડશે. મોટા સપના જુઓ અને તેને સાકાર કરવા માટે મહેનત કરો. સમય વિતી ગયા બાદ માત્ર પછતાવા સિવાય કંઇ નહિ બચે. રીસ્ક નહિ લો તો નવું કઇ નહિ મળે. સફળતા માટે પૈસો અને સત્તા કોઇ માપદંડ નથી હોતા. બધાયના જીવનની પ્રાથમિકતા અલગ – અલગ હોય છે. તમારી આસપાસ જે લોકો તમારાથી આ કામ નહિ થાય તેવું કહેતા હોય તેમને છોડવાની જરૂર છે. જ્યાં સુધી તમે કોઇ વસ્તુ માટે કામ કરવાનું શરૂ નહિ કરો ત્યાં સુધી તમારૂ મગજ નેગેટીવ જ વિચારશે. પોતાની શક્તિ અને નબળાઇ જાણીને તે પ્રમાણે કામ કરવું જોઇએ. માનસીક સ્તરે યુદ્ધમાં ક્યારેય હારવું જોઇએ નહિ.