- સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવીના કેબલ નાંખવાની કામગીરીમાં સર્જાયેલું ભંગાણ.
- 20 હજાર ઘરોમાં ગેસ પુરવઠો ઠપ થઈ જતાં ગૃહિણીઓ અટવાઈ.

વડોદરા. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવીના કેબલ નાંખવાની કામગીરી ટાણે આજે જયરત્ન ચાર રસ્તા ખાતે ગેસ – ડ્રેનેજ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેને પગલે આશરે 20 હજાર ઘરોમાં ગેસ પુરવઠો ઠપ થઈ ગયો હોવાની વિગતો જાણવા મળે છે.
સ્થાનિક કાઉન્સિલર બાળુ સુર્વેએ Watch Gujarat સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી સંદર્ભે સીસીટીવીના કેબલ નાંખની કામગીરી ચાલી રહી છે. ત્યારે આજે આશરે 4 વાગ્યાના અરસામાં જયરત્ન ચાર રસ્તા પાસે ગેસ લાઈન અને ડ્રેનેજ લાઈન ભંગાણ થયું હતું. ગેસની મુખ્ય લાઈનમાં ભંગાણ થવાને કારણે વિસ્તારનાં આશરે 20 હજાર ઘરોમાં ગેસ પુરવઠો ઠપ થઈ જવા પામ્યો હતો.
વધુમાં જણાવ્યું કે, આડેધડ ખોદકામ થઈ રહ્યું હોવાથી સમસ્યા સર્જાઈ હતી. વાહન વ્યવહારથી ધમધમતાં માર્ગ પર થઈ રહેલી કામગીરી દરમિયાન સર્જાયેલી સ્થિતિને પગલે હજારો રાહદારીઓ અટવાઈ ગયાં હતાં.
અત્રે ઉલ્લેખનિય છે કે, તંત્ર દ્વારા ગેસ લિકેજ બંધ કર કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, ત્યાં સુધી હજારો ગૃહિણીઓને રાતનું ભોજન બનાવવા માટે મુશ્કેલી અનુભવવી પડી હતી.