(નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ રેવાના લેખક – દિગ્દર્શક રાહુલ ભોળે લિખિત ચાર પુસ્તકો પ્રકાશિત થયાં છે. પુસ્તક ખરીદવા માટે http://bit.ly/rahul-bhole-books પર ક્લિક કરશો. પ્રસ્તુત છે વિજ્ઞાન વિશ્વ પુસ્તકનો એક લેખ)

વન્સ અપોન અ ટાઇમ… ન્યુયોર્કની એક રેસ્ટોરંટમાં એક ગ્રાહક પીરસાયેલી ડીશમાં ખામીઓ કાઢી વારંવાર પાછી મોકલાવી રહ્યો હતો. શેફ જ્યોર્જ ક્રમની ધીરજ હવે ખૂટી રહી હતી. પીરસાયેલી ફ્રેંચ ફ્રાઇઝમાં તેલ થોડું વધારે છે..મીઠું ઓછુ છે…હજી કાંચી છે..સ્લાઈસ વધારે પડતી જાડી છે  – આવા અસંખ્ય બહાના કાઢી  ગ્રાહકે શેફના નાકે દમ લાવી દીધો. ગ્રાહકને પાઠ ભણાવવા શેફ જ્યોર્જ ક્રમે ગુસ્સામાં આવી બટાકાની એકદમ ઝીણી સ્લાઈસ કાપી, તળીને કડક કરી નાખી અને તેના પર મીઠું ભભરાવી ગ્રાહક સામે જઈ મૂકી આવ્યો. જ્યોર્જ ક્રમનો દાવ ઉલ્ટો પડ્યો અને ગ્રાહકને બટાકાની આ નવી પદ્ધતિથી બનાવાયેલ વાનગી ખુબ જ ભાવી. પછી તો એક પછી એક બધા કસ્ટમર્સ ઓર્ડર આપવા માંડ્યા. પોટેટો ચિપ્સ એટલે કે બટાકાની વેફર્સની આવી રીતે આકસ્મિક શોધ થઇ. જ્યોર્જ ક્રમે શેફની નોકરી છોડી પોતાની રેસ્ટોરંટ ખોલી અને આખી દુનિયાને બટાકાની વેફર્સ ખાતા કરી નાખી.

આના કરતાય રસપ્રદ વાત એ છે કે હવે આજ પછી તમે બટાકાની વેફર્સ શોધાયા પાછળનો ઈતિહાસ ક્યારેય નહી ભૂલો. માનવમગજને કથારૂપે પ્રસ્તુત થયેલી માહિતીને અનુભવવી, યાદ રાખવી ગમે છે. વાર્તાઓ કહેવા-સાંભળવાથી મગજ વધુ સક્રિય રહે છે તે વાત હવે વિજ્ઞાને પણ પુરવાર કરી દીધી છે. હા, આ જ વેફર્સનો ઈતિહાસ જો તમને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનરૂપે અથવા બોરિંગ બુલેટ પોઈન્ટ્સ વડે કે પછી પાઠ્યપુસ્તકમાં માહિતી તરીકે પ્રસ્તુત કરાયો હોત તો શક્ય છે કે તમે આવનારા 2 વર્ષોમાં, અથવા તો 2 મહિના, 2 જ અઠવાડિયા કે 2 જ મિનીટમાં આ વાત ભૂલી જાત. આપણી સાથે આજે જે ઘડાય છે તેમાંથી આશરે 40% વાતો આપણે બીજા જ દિવસે ભૂલી જઈએ છીએ. (નકામી વાતોને ભુલાવી દેવાની તમારા મગજની ક્ષમતા કેવી છે અને તમે કઈ વાતોને નકામી ગણો છો તેના પર બધું નિર્ભર છે.)

૨૭૦૦૦ વર્ષો પહેલાના મળી આવેલા ગુફા ચિત્રોથી લઇ આજના ગેમ ઓફ થ્રોન્સના ‘ધી રેડ વેડીંગ’ ચેપ્ટર સુધી, હજારો વર્ષો પહેલાના પથ્થરોમાં કંડારેલી બોધકથાઓથી લઇ રાજમૌલીની બાહુબલી સુધી મનુષ્યને વાર્તા સાંભળવી-જોવી-વાંચવી ગમે જ છે. માનવ પ્રાચીનકાળથી કથા-વાર્તાને સંચારના માધ્યમ તરીકે વાપરતો આવ્યો છે. આજે મનોરંજનથી લઇ મેથેમેટિક્સ સુધી, કાવ્યોથી લઇ સેમિનાર્સના પ્રેઝેન્ટેશ્ન્સ સુધી કથાએ પોતાનું સ્થાન લીધું છે.

સ્ટોરી એટલે કે કથાનો સરળ અર્થ એટલે કે જેમાં ઘટનાઓ એક પછી એક ઉકેલાતી જાય. આવી રીતે ઘટનાક્રમ એક લયબદ્ધ શ્રેણીમાં જયારે પ્રસ્તુત કરવામાં આવે છે તે માનવમગજને પ્રોસેસ કરવો ગમે છે.

જયારે આપણે કોઈનું વ્યાખ્યાન, ભાષણ અથવા પ્રેઝેન્ટેશન સાંભળીયે છીએ ત્યારે આપણા મગજનો એક ચોક્કસ ભાગ સક્રિય થાય છે. જે વૈજ્ઞાનિકોએ આ ભાગ પર સંશોધન કર્યું હતું તે જ વૈજ્ઞાનિકોના નામે ઓળખાતો મગજનો આ ભાગ – બ્રોકાનો ભાગ અને વર્નિકનો ભાગ – બોલાતા સંવાદની ભાષા સમજી તેના અર્થઘટન માટે કાર્યરત થાય છે. આ ભાગના ભાગે બસ આટલું જ કામ હોય છે. પણ જયારે આ જ વ્યાખ્યાન કે ભાષણ કથારૂપે આપણે સાંભળીયે છીએ ત્યારે મગજમાં કઈ જુદી જ પ્રક્રિયાઓ શુરુ થઇ જાય છે. વાર્તા સાંભળતી વખતે મગજનો ભાષા પ્રોસેસ કરનારો ભાગ જ નહિ પણ એવા બધા ભાગ એક્ટીવેટ થવા માંડે છે જે ભાગો વાર્તાના પાત્રોએ અનુભવાતી લાગણી જનરેટ કરવા માટે જરૂરી હોય. એટલે કે જો વાર્તાની અંદરના પાત્રો ખાવા-પીવાની વાત કરતા હોય તો સ્વાદ અને સુગંધ સાથે જોડાયેલા ચેતાકોષો સક્રિય થવા માંડે છે. વાર્તા જો થ્રિલર હોય તો બીક અને સ્વ-બચાવ વગેરે જેવા ભાવ પ્રોસેસ કરતા મગજના ભાગ સતેજ થાય છે. જો ગતી સાથે સંબંધિત વાત હોય તો મગજનો મોટર કોર્ટેક્સ નામનો ભાગ એક્ટીવ થઈ જાય છે. આમ તો મગજ આખું એક જ અવ્યય છે પણ મગજના અલગ અલગ ભાગ પરના કોષ જુદી જુદી લાગણીઓનો અનુભવ કરાવવા માટે જવાબદાર હોય છે એટલે સરળતા માટે વૈજ્ઞાનિકોએ માનવમગજને જુદા જુદા ભાગોમાં વહેંચી દીધું છે.

માનવમગજ ખરેખર એક જટિલ મિરેક્યુલ્સ વન્ડર ઓર્ગન છે. આપણે હજારો પ્રકાશવર્ષ દૂરની ગેલેક્સી અને તારાઓ વિષે જેટલું જાણ્યે છે તેનાથી પણ ઓછુ જ્ઞાન આપણને આપણા જ મગજ વિષે છે.  મગજ પર સંશોધન કરી અનેક પુસ્તકો લખનાર એમર્સન પુઘે કહ્યું હતું કે જો આપણું મગજ એટલું સરળ હોત કે આપણે તેને સમજી શકતા તો આપણે પોતે એટલા સરળ હોત કે આપણે ક્યારેય મગજને ન સમજી શક્યા હોત. રેન્ડી પોશે પોતાના મૃત્યુ પહેલા જે વિડીયો પ્રેઝન્ટેશન આપ્યું તેમાં કહ્યું કે બીજા માણસોને કેવી રીતે જીવવું જોઈએ એવું ક્યારેય ન કહો. તેમને સારી કથાઓ કહો અને તેમને જાતે તે કથાઓને જીવનમાં કેવી રીતે ઉતારવી તે નક્કી કરવા દો. મૃત્યુ પછી અભ્યાસ માટે વૈજ્ઞાનિકોએ જેના મગજનો સંગ્રહ કરી રાખ્યો છે તેવો ભેજાબાજ અલબર્ટ આઈનસ્ટાઇને પણ કહ્યું હતું કે જો તમને તમારા બાળકોને બુદ્ધિશાળી બનાવવા હોય તો તેમને પરી કથાઓ વાંચી સંભળાવો – અને જો તેમને વધારે બુદ્ધિશાળી બનાવવા હોય તો તેમને વધુ પરીકથાઓ સંભળાવો.

વાર્તાકથનનો મગજ પર થતો પ્રભાવનો અભ્યાસ કરી વૈજ્ઞાનિકો એ તારણ પર પહોંચ્યા છે કે વાર્તાઓ મગજમાં લાગણીઓ જન્માવે છે જેને લીધે યાદશક્તિ કુશળ થાય છે, ધ્યાન કેન્દ્રિત રહે છે, ઝડપી નિર્ણય લેવાની કળા કેળવાય છે અને વધુ જ્ઞાન મેળવવા મગજ તૈયાર થાય છે. વાર્તાકથનની સૌથી અદભુત વાત એ છે કે એક વાર નવલકથા વાંચ્યા પછી કે ફિલ્મ જોયા પછી અથવા તો કોઈ મિત્રના મોઠેથી તેનો કોઈ અનુભવ સાંભળ્યા પછી વાર્તા સાંભળનારી વ્યક્તિ ફરી વાર બીજા કોઈને આ વાત કહેતી વખતે – જાણે તે પોતાની જ વાત હોય તે રૂચી સાથે કહી સંભળાવે છે. વાર્તા સાંભળતી વખતે અથવા જોતી વખતે મગજનો ઇન્શ્યુલા નામનો ભાગ એક્ટીવેટ થાય છે જે વાર્તાને શ્રોતા પોતાની જ વાર્તા કે વિચાર તરીકે સમજે તેવો અનુભવ કરાવે છે. ‘ઇન્શ્યુલા’ વાર્તામાં ઘટતી ઘટનાઓ સાથે માનવીએ પોતે કરેલા અનુભવ સાથે સરખાવતો રહે છે જેથી વાત સંભાળનાર એ સ્ટોરીને પોતાની જિંદગી સાથે સરખાવે છે અને સ્ટોરી પર મોહી પડે છે.

બ્રેઈન મેપિંગ દ્વારા મગજના સક્રિય ભાગોના રીડીંગ લઇ વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો જેમાં બોલનાર વ્યક્તિ અને સંભાળનારા વ્યક્તિની બ્રેઈન ઈમેજીસ લેવામાં આવી. વક્તાના મગજના જે જે ભાગ બોલતા બોલતા એક્ટીવેટ થતા ગયા એ જ ઓર્ડરમાં સાંભળનારના મગજના ભાગ પણ સક્રિય થતા ગયા.

આ રીતે સ્ટોરીટેલીંગ દ્વારા વક્તા બીજાના મગજમાં નવા વિચાર અને લાગણીઓ વાવી શકે છે(આ વૈજ્ઞાનિક મુદ્દા પરથી પણ પાછી કાલ્પનિક સાયન્સ ફિક્શન ઘડી નાખનાર ક્રિસ્ટોફર નોલનની ‘ઇન્સેપ્શન’ કથારસિકોનું મગજ ક્યારેય નહી ભુલાવી શકે)

વાર્તાઓ આપણા મગજ પર આટલી ઊંડી અસર કરે છે તેનું કારણ આપણા મગજની કાર્યશૈલી છે. આપણે દિવસભર વર્ણાત્મક કથાના સ્વરૂપમાં જ વિચારો કરતા હોઈએ છીએ. કરિયાણું ખરીદવાથી લઇ ગાડી સર્વિસ કરાવવા સુધી કે પીઝા ખાવાથી લઇ વિઝા માટે અપ્લાય કરવાની દરેક વાતને આપનું મગજ શોર્ટ સ્ટોરીઝના રૂપમાં વિઝ્યુલી વિભાજીત કરી સંગ્રહે છે.

મનુષ્ય લખતા શીખ્યો તેના ઘણા પહેલેથી તેને ઘણી વાતો યાદ રાખવાની જરૂર પડતી. આવી વાતોને તે કથાઓમાં કે સંગીતમાં પરિવર્તિત કરી આવનારી પેઢીઓ સુધી પ્રસરાવતો ગયો. સ્ટોરીટેલીંગનું મહત્વ આજે પણ દુનિયાની દરેક સંસ્કૃતિમાં એટલું જ યથાવત છે. ઇસુ પૂર્વે ૫૦૦ની સાલમાં લખાયેલી ઈસપની બોધકથાઓ પહેલી વખત ઇસુ પૂર્વે ૨૦૦માં પ્રકાશિત થઇ. ૩૦૦ વર્ષ સુધી લોકો યાદશક્તિથી જ આ બોધકથાઓને આગળ ધપાવતા ગયા.

વાર્તાઓ સમાજને એક બીજા સાથે જોડી રાખે છે. મનોવૈજ્ઞાનિકોનું તો માનવું છે કે રોટી, કપડા, મકાન અને જીવનસાથી પછી માણસની સૌથી મોટી જરૂરિયાત વાર્તાઓ જ છે. એટલે જ કદાચ ૨૦૦૦ વર્ષ પહેલા લખાયેલી હોમરની ઇલીયાડ પરથી બનેલી ‘ટ્રોય’ , ૪૦૦ વર્ષ પહેલા લખાયેલી શેક્સપિયરની કથા પર આધારિત ‘રામલીલા: ગોલીઓ કી રાસલીલા’, ૨૦ વર્ષ પહેલા લખાવાની શુરુ થયેલી ‘હેરી પોટર’ કરોડોનો વકરો કરી શકે છે. જે લોકોને વાર્તા કહેવી –સાંભળવી ગમતી નથી કે જેઓ પોતાની વાત રજુ કરતી વખતે તેમાં કથાઓ નથી વણતા તે લોકોની હાલત આર.કે. નારાયણની લઘુકથા ‘અ સ્ટોરી-ટેલર્સ વર્લ્ડ’ના નાયક જેવી થાય છે – જે નાયકની વાત એક હદ પછી કોઈ સાંભળવા તૈયાર નથી અને જે ગુમનામીમાં સરી પડ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud