• કોર્પોરેશન તંત્ર દ્વારા સાચા આંકડા છુપાવવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપો વચ્ચે 24 કલાકમાં 239 કોરોના પોઝિટીવ દર્દી.
  • વધુ 1 મૃત્યુ સાથે કુલ મરણ આંક 247 પર પહોંચ્યો. 73 દર્દીઓ વેન્ટિલેટર પર, 129 ઓક્સિજન પર.
  • કોરોનાગ્રસ્ત વિસ્તારઃ-  બાપોદ, પાણીગેટ, આજવા રોડ, કિશનવાડી, રામદેવનગર, દિવાળીપુરા, સુભાનપુરા, ગોકુલનગર, ગોત્રી, ગોરવા, વડસર, મકરપુરા, દંતેશ્વર, માણેજા, યમુનામીલ, માંજલપુર, કપુરાઈ, ગાજરાવાડી, છાણી, એકતાનગર, સમા, નવાયાર્ડ, કારેલીબાગ, ફતેપુરા, સવાદ
  • ગ્રામ્યઃ દુમાડ, રણોલી, કરજણ, અનગઢ, કોયલી, ઉંડેરા, ચાણસદ, રણુ, સાધી, ડભોઈ અર્બન, પાદરા અર્બન

WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે રાજકીય અગ્રણીઓની નજરમાં ચડવા માટે કોર્પોરેશન સહિતના સરકારી તંત્ર દ્વારા કોરોના સંક્રમણ સામે આંખ મીચામણાં કરવામાં આવ્યા હતાં. મંત્રી યોગેશ પટેલની નારાજગી સહન ના કરવી પડે તે માટે શિવજી કી સવારી જેવા આયોજનને અટકાવવા માટે તંત્ર એક્શનમાં આવ્યું નહોતું. અને આખરે કોરોના સંક્રમણનો બીજો તબક્કો વધુ વેગ સાથે દર્દીઓને ઝપટમાં લઈ રહ્યો છે. જેને પગલે આંકડાઓ છુપાવવામાં માહીર તંત્રએ પણ નાછૂટકે 150 કરતાં વધુનો આંકડો જાહેર કરવો પડી રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના કહેરના પ્રારંભથી અત્યાર સુધીમાં પહેલીવાર વડોદરામાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો 200ને પાર પહોંચ્યો છે. આજે કોર્પોરેશન તંત્ર દ્વારા 239 કોરોના પોઝિટીવ દર્દી જાહેર કરાયા છે.

કોરોના મહામારીના સમયમાં મહાનગર કોર્પોરેશન તંત્રના આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયાં છે. જોકે, આજદીન સુધી સત્તાધારી રાજકીય અગ્રણીઓ કે અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈ પગલાં ભરવામાં આવ્યાં હોય તેવું જાણવા મળતું નથી. વડોદરામાં કોરોનાની સ્થિતિમાં સચોટ કામગીરી કરવા માટે સરકાર દ્વારા OSD ડો. વિનોદ રાવને નિયુક્ત કરાયા છે.

કોર્પોરેશન તંત્ર દ્વારા કોરોના બુલેટીન જાહેર થવાનું શરૂ કરાયું ત્યારથી સાચા આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા હોવાની બૂમો ઉઠવા પામી હતી. એમાંય બીજા તબક્કાના સંક્રમણમાં રોજના 1000 જેટલાં કોરોના પોઝિટીવ દર્દીઓ આવતાં હોવા છતાં તંત્ર દ્વારા 200થી ઓછાં આંકડા જાહેર કરાતાં હોવાનાં આક્ષેપો થયા હતાં.

ત્યારે આજરોજ OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્રના આજના કોરોના બુલેટીનમાં 239 પોઝિટીવ કેસ જાહેર કરવામાં આવ્યાં છે.

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4821 સેમ્પલમાંથી 239 કોરોના પોઝિટીવ અને 4582 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 27017 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 01 મૃત્યુના વધારા સાથે કુલ સત્તાવાર મૃત્યુ આંક 247 કરવામાં આવ્યો છે.

સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1039 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 837ની હાલત સ્ટેબલ છે, જ્યારે 129 ઓક્સિજન પર અને 73 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 202 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.

છેલ્લાં 24 કલાકમાં 5 સરકારી હોસ્પિટલ ખાતેથી, 8 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 95 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 108 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 25623 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 5734 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 5734 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud