• વર્ષ 2016- નવેમ્બરમાં ફતેગંજ ખાતેથી ચીરાગ કડીયાની મોપેડ (માસ્ટ્રો) થઇ હતી.
  • વાહન ચોરી અંગે મુળ માલિકે પોલીસ ફરીયાદ નોંધાવી અને આરટીઓને પણ જાણ કરી હતી.
  • ચાર વર્ષથી ચોરાયેલી મોપેડ શહેરમાં જ ફરી રહીં છે તેનો પુરાવો ખુદ પોલીસ આપી રહીં છે.
  • ચોરી થયેલી મોપેડ શહેરમાં જ ફરતી હોવા છતાં પોલીસ મોપેડ અને ચોર સુધી પહોંચી શકતી નથી.
  • ચાર વર્ષ પૂર્વે ચોરાયેલી મોપેડના ત્રણ ઇ-મેમો પોલીસે મુળ માલિકને પાઠવતા વિવાદ સર્જાયો


WatchGujarat. દેશની 100 સ્માર્ટ સીટીમાં વડોદરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ તંત્રની સ્માર્ટ મશીનરી માત્ર લોકો પાસેથી દંડ વસુલવામાં વધારે અને તેમની સુખાકારી માટે ઓછી ઉપયોગી થઇ રહી હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વર્ષ 2016 માં ચોરાયેલા ટુ વ્હીલર (માસ્ટ્રો) અંગે ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. ચાર વર્ષ બાદ અલગ અલગ સમયે ચોરાયેલા વાહનના મેમા મુળ માલિકને આવ્યા હતા. પરંતુ ચોરીના વાહનની ભાળ મેળવવામાં પોલીસ તંત્ર સંપુર્ણ પણે નિષ્ફળ નિવડ્યું છે.

સ્માર્ટ સીટીમાં સમાવેશ કરાતા શહેરમાં વિવિધ સ્થળોએ કેમેરા લગાડવામાં આવ્યા છે. અને તેનું મોટાભાગનું સંચાલન કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતેથી કરવામાં આવે છે. કેમેરાનો ઉપયોગ ટ્રાફીક મેનેજમેન્ટ તથા નિયમોનો ભંગ પકડવા માટે કરવામાં આવતો હોવાનો દાવો સ્થાનિક વહીવહી તંત્ર દ્વારા અવાર નવાર કરવામાં આવે છે. પરંતુ આજે એક કિસ્સો સામે આવ્યો છે. જેના પરથી અનુમાન લગાડી શકાય કે શહેરમાં હાલ કાર્યરત સ્માર્ટ સિસ્ટમ શહેરના નાગરીકે પાસેથી દંડ વસુલવામાં વધારે અને તેમની સુખાકારી માટે ઓછી ઉપયોગમાં લેવાઇ રહી છે.

શહેરના છાણી વિસ્તારમાં ચિરાગ કડીયા રહે છે. નવેમ્બર – 2016 માં ચિરાગ કડીયા કામ અર્થે ફતેહગંજ મેનેજમેન્ટ કોલેજ નજીક પોતાનું ટુ વ્હીલર (માસ્ટ્રો) પાર્ક કરીને ગયા હતા. કામ પતાવી પરત ફર્યા બાદ ટુ વ્હીલર ગાયબ થયું હતું. ટુ વ્હીલર ગાયબ થવા અંગેની અરજી ફતેગંત પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. ત્યાર બાદ ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવા માટેની દસ્તાવેજી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી હતી. આખરે ક્લેઇમ મંજુર થયો અને મામલો પતી ગયો હતો.

જો કે ટુ વ્હીલર ચોરીની ઘટનાના ત્રણ વર્ષ બાદ વર્ષ 2019 માં ચોરી થયેલા વાહનનો હેલમેટ વગર ચલાવવાનો મેમો મુળ માલિક ચિરાગ કડીયાને મળ્યો હતો. ચોરી થયેલા વાહનનો ત્રણ વર્ષ બાદ મેમો મળતા ચિરાગ કડીયા આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. ત્યાર બાદ તેમણે સમગ્ર મામલે વધુ એક વખત ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. તેની સાથે ટ્રાફીક સર્વેલન્સની ટીમને મૌખીક જાણ કરવામાં આવી હતી. ચિરાગ કડીયાને એમ કે હવે મામલાની પતાવટ થઇ જશે.

પરંતુ વર્ષ 2020 માં પણ ચાર વર્ષ અગાઉ ચોરી થયેલા વાહનના મેમા આવવાના શરૂ થયા હતા. 11, ઓક્ટોબર – 2020 ના રોજ પાણીગેટ વિસ્તારના કેમેરામાં ચાલક માસ્ક વગર જોવા મળ્યો હતો. અને તે અંગેનો મેમો ટુ વ્હીલરના મુળ માલીક ચિરાગ કડીયાને આવ્યો હતો. જો કે આ વખતે તેઓએ પોલીસની નિષ્ક્રિયતાને ધ્યાને રાખીને ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. વધુ એક વખત ચોરી થયેલા ટુ વ્હીલરના ચાલકનો માસ્ક વગરનો મેમો 25,ઓક્ટોબર – 2020 આવ્યો હતો.

આમ, ચાર વર્ષ પહેલા ચોરી થયેલા ટુ વ્હીલરના ત્રણ વખત મેમા આવ્યા હતા. પરંતુ ચોરીના વાહનનો કોઇ પત્તો લાગી શક્યો ન હતો. આ ઘટના પરથી કહી શકાય કે, સ્માર્ટ સીટી બનાવવા માટે લગાડવામાં આવેલી સર્વેલન્સ સીસ્ટમ દંડ વસુલવા માટે વધારે અને લોકોની સુખાકારી અથવાતો લોકઉપયોગી રીતે ઓછી ઉપયોગમાં લેવાઇ રહી છે. એક તરફ મુળ માલીક ચોરાયેલી માસ્ટ્રોના મેમા મેળવીને પરેશાન થઇ રહ્યા છે. તો બીજી તરફ ચોર ખુલ્લેઆમ ચોરીનું માસ્ટ્રો લઇને ફરી રહ્યા છે.  ચોરી થયેલું વાહન શહેરમાં જ ફરે અને શહેરના મહત્વના ચાર રસ્તા પર પોલીસ ઉભી રહે પરંતુ તેમને ચાર વર્ષમાં એક પણ વખત વાત ધ્યાને ન આવે તે ટેકનોલોજીના સમયમાં વડોદરાના સ્માર્ટ સર્વેલન્સ સીસ્ટમ ધરાવતા તંત્રની હકીકત છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud