• કરજણમાં 7 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ
  • નરાધમે પહેલા શારીરિક છેડછાડ કર્યા પછી દુષ્કર્મ આચર્યું
  • દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીથી પીડા સહન ન થતાં રડવા લાગતા ભાંડો ફૂટ્યો
  • સાત વર્ષની બાળકી ઉપર થયેલા દુષ્કર્મના બનાવે ગામમાં ચકચાર જગાવી
  • પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમની ધરપકડ કરી

વડોદરા. કરજણ તાલુકાના સગડોલ ગામમાં સાત વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી તેનું અપહરણ કરી યુવાને દુષ્કર્મ આચર્યાનો બનાવ કરજણ પોલીસ મથકમાં નોંધાયો છે. સગડોલ ગામના આ બનાવ અંગે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી યુવાનની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અણસાર, શિનોર તાલુકાના દિવેર ગામમાં રહેતો કાર્તિક કાલિદાસ વસાવા મજૂરી કામ માટે કરજણ તાલુકાના સગડોલ ગામમાં ગયો હતો અને ત્યાં આવેલા વસાવા ફળિયામાં ભાડાના મકાનમાં રહેતો હતો. તા.15 ઓક્ટોબરના રોજ બપોરે ચાર વાગ્યાના સુમારે કાર્તિક વસાવાએ ફળિયામાં રહેતી સાત વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપીને પોતાની પાસે બોલાવી હતી.

ચોકલેટની લાલચે આવી પહોંચેલી બાળકીને પટાવી કાર્તિક તેનું અપહરણ કરી ગયો હતો. ત્યાર બાદ ફળિયામાં આવેલા મણિભાઇ ખોડાભાઇ વસાવાના મકાનમાં લઇ ગયો હતો. કાર્તિક વસાવાએ બાળકીને ચોકલેટ આપીને તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી. એ બાદ તેણે માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીથી પીડા સહન ન થતાં તે રડવા લાગતાં કાર્તિક તેને ઘરમાં મૂકીને ફરાર થઇ ગયો હતો. દરમિયાન બાળકી રડતાં-રડતાં ઘરની બહાર આવી હતી. ફળિયાના લોકોએ બાળકીને રડતાં જોતાં એનું કારણ પૂછ્યું હતું. બાળકીએ રડતાં-રડતાં પોતાની સાથે કાર્તિક વસાવાએ કરેલા દુષ્કર્મની વાત કરતાં ફળિયાના લોકો ચોંકી ઊઠ્યા હતા. જોતજોતામાં આ બનાવે ગામમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.

બનાવ અંગે પીડિતાના પરિવારે કરજણ પોલીસ મથકમાં કાર્તિક વસાવા સામે ફરિયાદ નોંધાવતા કરજણ પોલીસ સ્ટેશનના પી આઇએ ફરિયાદના આધારે ટીમો બનાવી કરત વસાવાની શોધખોળ હાથ ધરી હતી. અને ગણતરીના કલાકોમાં કાર્તિકને દબોચી લીધો હતો. પોલીસે કાર્તિક સામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સાત વર્ષની બાળકી ઉપર થયેલા દુષ્કર્મના બનાવે ગામમાં ચકચાર જગાવી મૂકી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !