•  અઝરૂદ્ધિન ઉર્ફે અજ્જુ કાણીયાની ગત રોજ સાહિલ પરમારે સેન્ટ્રલ જેલમાં હત્યા કરી નાખી હતી.
  •  રાવપુરા પોલીસે આ મામલે ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.
  •  પોલીસે ત્રણ આરોપીઓની આજે પુછપરછ હાથ ધરી હતી.
  •  આરોપીઓનો કબજો પોલીસે આવતીકાલે કોર્ટમાં રિપોર્ટ કરશે

વડોદરા. જેલમાં માથાભારે ગુનેગાર અન્ય કેદીઓને પોતાના તાબામાં લેવા માટે પ્રયાસ કરતા હોય છે. ત્યાર બાદ પોતાનું અંગત કામ પણ તાબામાં આવેલા કેદીઓ પાસે દબાણ કરી કરાવતા હોય છે. તેની સાથે તાબામાં આવેલા કેદીઓની મજાક ઉડાવવી, તેમને પોતાના ગુસ્સાનો ભોગ બનાવવો, ટોણા મારવા જેવો વ્યવહાર અવાર નવાર જેલમાં કરાતો હોય છે. વધારે લોકો ભેગા કરવાથી જેલમાં પોતાનું વર્ચસ્વ વધે છે તેવો ભ્રમ માથાભારે કેદીઓના મનમાં હોય છે. અને તે ભ્રમને પોષવા માટે તેઓ અન્ય કેદીઓને પોતાના તાબામાં લેવા માટે એક અથવાતો બીજી રીતે સતત પ્રયાસ કરતા હોય છે. અજ્જુ કાણીયાના કેસમાં પણ કંઇ એવું જ થયું હોવાનું મનાઇ રહ્યું છે.

અજ્જુ કાણીયાએ સાહિલને પોતાના તાબામાં કરવો હતો. કેટલીક હદે સાહીલ અજ્જુના તાબામાં થઇ પણ ગયો હતો. જેને લઇને પોતાનું કામ કરાવવા માટે અજ્જુ સાહિલ સાથે બેફામ બોલવું, સાહિલ સાથે અણછાજતો વ્યવહાર કરતા પણ ખચકાતો ન હતો. સાહિલ મહેશભાઇ પરમાર અને અજ્જુ કાણીયા વચ્ચે છેલ્લા ઘણા સમયથી બોલાચાલી અને માથાકુટ ચાલી રહીં હતી. તેવામાં બનાવના બે દિવસ અગાઉ પણ બન્ને વચ્ચે માથાકુટ થઇ હતી.

અજ્જુ સાથેની વારંવાર થતી માથાકુટથી સાહિલ કંટાળી ગયો હતો. જેથી તેણે અજ્જુનુ ઢીમ ઢાળી દેવાનુ નક્કી કરી લીધું હતુ. તેવામાં બુધવારે 11 વાગ્યાની આસપાસ અજ્જુ અને સાહિલલ વચ્ચે ફરી એક વખત બોલાચાલી થઇ હતી. જેમાં સાહિલે પતરાનો ટુકડો અજ્જુના ગળા પર ફેરવી મોતને ઘાટ ઉતારી દીધો હોવાની થિયરી પોલીસને જણાવી હતી. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી કિરણ ઉર્ફે બોડિયાની પણ પોલીસે પુછપરછ હાથ ધરી હતી.

આ ગુનાના ત્રીજા આરોપી તરીકે આફ્તાબ ઉર્ફે શિવાની પણ સંડોવણી બહાર આવતા તેની સામે પણ ગુનો નોંધાયો છે. જેથી પોલીસે તેની પણ પુછપરછ કરતા આફતાબ ઉર્ફે શિવા દ્વારા તપાસ કર્તા સમક્ષ એક જ રટણ કરવામાં આવતું હતું કે, મારે આ કેસમાં કોઇ લેવા દેવા નથી. મારૂ નામ કેવી રીતે આવ્યું તેની મને જાણ નથી. ઉલ્લેખનીય છે કે, વડોદરા સેન્ટ્રલ જેલમાં પ્રથમ વખત અને રાજ્યમાં બીજી વખત જેલમાં હત્યા થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. જેથી પોલીસે આ મામલે ત્રણેય આરોપીઓનો ટ્રાન્સફર વોરન્ટ મેળવવા આવતિકાલે કોર્ટમાં રિપોર્ટ કરી કબજો મેળવવા તજવીજ હાથ ધરી છે.

ઉપરોક્ત તમામા બાબતો અત્યાર સુધીની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.  જો કે  તમામ આરોપીઓના કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવ્યા પછી પોલીસની વધુ ઉંડાણ પુર્વક તપાસ બાદ આ મામલે અનેક ચોંકાવનારી વિગતો આવે તેવી શક્યતાઓ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !