• કોરોના પોઝિટિવ સગર્ભા શિલ્પાબેનની સલામત પ્રસૂતિ સયાજી હોસ્પિટલની વિશેષ કોરોના ગાયનેક સુવિધાને લીધે શક્ય બની 
  • આજે એક મહિનાના થવા આવેલા જોડિયા દીકરા અને માતા સ્વસ્થ અને તંદુરસ્ત છે અને પરિવાર ખુશખુશાલ છે
  • સંકટના સમયે સયાજી હોસ્પિટલની કોરોના સારવાર સગવડો એ અમારા પરિવારની ખુશીઓને સલામત રાખી: દંપતીએ વ્યક્ત કરી હાર્દિક આભારની લાગણી

વડોદરા. કોરોના કટોકટીના સમયમાં સરકારી સયાજી હોસ્પિટલની ખરેખરી સારવાર નિષ્ઠા અને લોક આરોગ્ય માટેની પ્રતિબદ્ધતા પૂર બહાર નિખરી છે. આ હોસ્પિટલની કોરોના સારવાર સાફલ્ય ગાથાઓમાં ૧૮ મી સપ્ટેમ્બરે વધુ એક ઉજ્જળ પ્રકરણ ત્યારે ઉમેરાયું હતું જ્યારે અહીંના કોરોના પોઝિટિવ સગર્ભાઓ માટેના વિશેષ કોરોના મેટરનિટી યુનિટમાં કોરોના સગર્ભા માતા શિલ્પાબેનની શસ્ત્રક્રિયા દ્વારા સલામત પ્રસૂતિ કરાવવામાં આવી અને માતાએ જોડિયા સંતાનોને જન્મ આપ્યો.

એક તો આ માતા છેક છેલ્લી ઘડીએ કોરોના સંક્રમિત જણાયા, બીજું તેમના ગર્ભમાં જોડિયા બાળકો હતા અને ત્રીજું ૧૧ વર્ષના લાંબા ગાળા પછી તેમણે ગર્ભ ધારણ કર્યો હતો, ચોથું તેમની ઉંમર પણ સલામત અને સામાન્ય પ્રસુતિની ઉંમર કરતાં વધુ હતી અને પાંચમું તેઓ અને પરિવારને બધું હેમખેમ પાર ઉતરે એનો તણાવ હતો. આમ, શિલ્પાબેનની સુવાવડ કરાવવા આડે ઘણાં પડકારો હતા, સયાજીના રૂક્ષ્મણી ચૈનાનીના પ્રસૂતિ ગૃહના કોરોના યુનિટમાં કાર્યરત તબીબો અને નર્સિંગ સ્ટાફની કુશળતાની કસોટી હતી.

તમામ પડકારોને સફળતાપૂર્વક ઝીલી લઈ, પોતાના જ્ઞાન અને ઈશ્વરની સહાયમાં વિશ્વાસ રાખી આ સરકારી સેટ અપના કર્મયોગીઓએ શિલ્પાબેનને શસ્ત્રક્રિયા દ્વારા સલામત પ્રસૂતિ કરાવી એ ઘટનાને એક મહિનાનો સમય પૂરો થવા આડે હવે ત્રણ દિવસ બાકી છે. જોડિયા દીકરા અને માતા સ્વસ્થ અને તંદુરસ્ત છે તો પિતા નવનીતભાઈ તલાટી અને તેમનો આખો પરિવાર ખુશખુશાલ છે. તલાટી પરિવારે કોરોના કટોકટીમાં સરકારી સયાજી હોસ્પિટલ અને તેના તબીબો, નર્સિંગ સ્ટાફ પર મૂકેલો વિશ્વાસ સાર્થક થયો છે. સયાજી હોસ્પિટલ પરિવારને પણ તેનો અદકેરો આનંદ છે.

આ ઘટના અંગે વિગતવાર જાણકારી આપતાં કોરોના સારવાર વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું હતું કે, છાણી વિસ્તારનો આ તલાટી પરિવાર આર્થિક રીતે સંપન્ન છે. પરિવારમાં પહેલાં સંતાનના જન્મ પછી ખૂબ લાંબો સમય વિતી ગયો હતો, દંપતિને બીજા સંતાનની ઝંખના હતી એટલે ટેસ્ટ ટ્યુબ બેબી માટે ખર્ચાળ પ્રયાસો કરી જોયા પણ સફળતા મળી નહિ.

આ વર્ષની શરૂઆતમાં શિલ્પાબેનને કુદરતી ગર્ભાવસ્થા પ્રાપ્ત થતાં પરિવાર આનંદિત થયો. ખાનગી દવાખાનામાં નિયમિત તપાસ, સોનોગ્રાફી, બ્લડ રિપોર્ટ કરાવી માતા અને ગર્ભમાં રહેલા શિશુઓની કાળજી લેવામાં આવી. સપ્ટેમ્બરની મધ્યમાં પ્રસૂતિની સંભાવના હતી. આ પ્રકારના કેસોમાં તબીબો માતા અને ગર્ભસ્થ શિશુઓની સલામતી માટે કુદરતી પ્રસૂતિ પીડા અને સુવાવડનું જોખમ લેવાને બદલે શસ્ત્રક્રિયા દ્વારા પ્રસુતિનો સેફ રસ્તો અપનાવે છે.

તે પ્રમાણે ગત ૧૮ મી સપ્ટેમ્બરે ખાનગી દવાખાનામાં તબીબે એમની શસ્ત્રક્રિયા દ્વારા પ્રસૂતિ કરાવવાની તૈયારી સાથે દાખલ એમને દાખલ કર્યા. અને ગ્રહણ ટાણે સાપ નીકળ્યા જેવી ઘટના બની. કોરોના ગાઈડ લાઈન પ્રમાણે ઓપરેશન પૂર્વે એમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો જે પોઝિટિવ જણાતા મૂંઝવણ ઊભી થઈ. આ દવાખાનાને કોરોના પોઝિટિવ ડિલિવરી માટે માન્યતા ન હતી. એટલે એમને તાત્કાલિક માન્ય દવાખાનામાં ખસેડવા જરૂરી હતાં.

પરિવારને આ સમયે સરકારી સયાજી હોસ્પિટલનો વિકલ્પ સલામત લાગ્યો. અને શિલ્પાબેનને સયાજીની કોરોના ઓપીડી ખાતે લાવવામાં આવ્યા જ્યાં પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો. અહીં એ વાતની નોંધ લેવી ઘટે કે, કોરોના કટોકટીના પ્રારંભમાં જ વડોદરાના એક પરિવારની બે સગર્ભા કોરોના પોઝિટિવ જણાઈ હતી. જેને અનુલક્ષીને સયાજી હોસ્પિટલમાં વિશેષ કોરોના ગાયનેક યુનિટ કોરોના સારવાર સુવિધા હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું. તે પછી ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે અગમચેતીના ભાગરૂપે ગોત્રી હોસ્પિટલની કોરોના સારવાર સુવિધામાં પણ તેનો પ્રારંભ કરાવ્યો હતો. આમ, સરકારી આરોગ્યતંત્ર પાસે બે દવાખાનાઓમાં કોરોના પોઝિટિવ સગર્ભાની સારવાર અને સલામત પ્રસુતિની સુવિધા છે.

આ સમય દરમિયાન માતાને પ્રસુતિની પીડા પણ શરૂ થઈ ચૂકી હતી. એટલે કોરોના ગાયનેક યુનિટના હેડ ડો.ગોખલે એ તુરંત જ જોડિયા સંતાન ધરાવતી સગર્ભાની શસ્ત્રક્રિયા દ્વારા પ્રસુતિની સમયસૂચકતા દાખવી અને સિનિયર સિસ્ટર ભાનુમતી અને જુનિયર તબીબોની મદદથી સલામત પ્રસૂતિ કરાવી બે નવજાત શિશુઓને નવું જીવન શરૂ કરાવ્યું. સદભાગ્યે બંને દીકરા કોરોના નેગેટિવ હતાં અને માતાને પણ લક્ષ્ણો વગરનો કોરોના હતો.

નિયમાનુસાર કોરોના પોઝિટિવ માતાને કોવિડ વોર્ડમાં રાખી અને નવજાત દીકરાઓને અલાયદા રૂમમાં રાખી તબીબી નિરીક્ષણ હેઠળ સારવાર ચાલુ રાખવામાં આવી. કોરોનાના અલાયદા સલામત રૂમમાં સમયાંતરે માતા બાળકોને સ્તનપાન કરાવે એવી સુરક્ષિત સુવિધા મળતા, નવજાત બચ્ચાઓને અમૃતતુલ્ય માતૃ દૂધ અને વ્હાલ બંને મળ્યા. સાતથી આઠ દિવસ તકેદારી સાથે રાખી માતા બાળકોને વિદાય આપી ત્યારે પરિવાર આભારની લાગણીથી અને તબીબો તથા સ્ટાફ એમના કર્મયોગની સફળતા થી ગદગદિત થઈ ગયો હતો. કોરોના યોદ્ધા તરીકે તેમની જહેમત સફળ થયાનો કાર્ય સંતોષ સહુ અનુભવી રહ્યાં હતાં.

સામાન્ય રીતે સંતાનોનો જન્મ દિવસ વર્ષમાં એકવાર ઉજવાતો હોય છે. પરંતુ તલાટી પરિવાર તેમના ખૂબ પ્રતિક્ષાના અંતે, કોરોના ના કટોકટી કાળમાં ભગવાનની ભેટ જેવા મળેલા બંને દીકરાઓ ના જન્મના એક મહિનાની ઉજવણી કરે તો નવાઈ જેવું નહિ ગણાય. તલાટી દંપતી સ્નેહભીની આંખે જણાવે છે કે, “સંકટના સમયે સયાજી હોસ્પિટલની કોરોના સારવાર સગવડો અને સ્ટાફની મહેનતે અમારા પરિવારની ખુશીઓ સલામત રાખી અને વધારી છે.”

કોરોના જેની કોઈ અપેક્ષા ન હતી અને હજુ જેનો કોઈ ઈલાજ નથી એવી મહામારી છે. લોક આરોગ્યની રક્ષા કરવા આ કટોકટીમાં સરકારી આરોગ્ય તંત્ર તમામ તાકાતથી ઝઝૂમી રહ્યું છે. આ પ્રકારની ઘટનાઓથી સરકારી તંત્રની નિષ્ઠામાં લોક વિશ્વાસ વધી રહ્યો છે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !