• વર્ષ 2005 માં કૈલાશ જાધવ ફતેહગંજ વિસ્તારમાં વડાપાંવ વેચતો હતો.
  • ત્યાર બાદ કૈલાશ જાણીતી કંપનીના સિમકાર્ડ વેચવાનો ધંધો પણ કરતો હતો
  • ફતેહગંજ વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપ પર એકાઉન્ટન્ટ તરીકે પણ કૈલાશે કામ કર્યું છે.
  • ત્યાર બાદ જીમમાં ડોક્ટર દેવાંગ શાહ સાથે મિત્રતા અને ઘરોબો કેળવીને 8 મહિનાના સતત ફોલોઅપ બાદ તેમની સાથે પાર્ટનરશીપમાં જીમ શરૂ કરવાનું નક્કી થયું હતું
  • જીમ ખોલવા માટે પોતાના હિસ્સાના પૈસા પણ ડોક્ટક દેવાંગ શાહ પાસે ભરાવ્યા હતા
  • એક વખત એલાઇવ્ઝ જીમ શરૂ થયા બાદ એક પણ વખત ચોખવટ સાથેનો હિસાબ ડોક્ટર દેવાંગ શાહને આપ્યો નથી.
  • એક જ સરનામે બે જીએસટી નંબર લઇને કૈલાશે વિનીતા પાટીલ સાથે પાર્ટનરશીપ કરી હતી. જે અંગે પાર્ટનર દેવાંગ શાહને અંધારામાં રાખવામાં આવ્યા હતા.
  • એલાઇવ્ઝ જીમ સાથે એલાઇવ્ઝ કિચન પણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક પૈસા એલાઇવ્ઝ જીમના પાર્ટનર ડો. દેવાંગ શાહ સાથેની પાર્ટનરશીપ વાળી ફર્મમાંથી ઉપાડવામાં આવ્યા હતા.
  • જીમમાં પાર્ટનરશીપ બાદ કૈલાશે ગેમઝોન, કેફેટેરીયા, તથા અન્ય પ્રોજેક્ટ માટેના કાગળ પણ લાખોનું વળતર આપતા પ્લાન બનાવીને લોકોને છેતરવા માટેનો પ્રયત્ન કર્યો હતો.
Photo Courtesy – Social Media

વડોદરા. શહેરના જાણીતા ડોક્ટર દેવાંગ શાહ સાથે પાર્ટનરશીપ કરીને કરોડો રૂપિયાનો ચુનો ચોપડનાર ઠગ કૈલાશ જાઘવ સામે ફરિયાદ બાદથી ફરાર થયો છે. કૈલાશ જાધવ વર્ષ 2005 માં ફતેહગંજ વિસ્તારમાં વડાપાંવ વેચતો હતો. જાણો છેલ્લા 15 વર્ષમાં એવું તો શું થયું કે કૈલાશ જાધવ લાખો રૂપિયાનું મુલ્ય ધરાવતી લક્ઝુરીયસ બાઇકનો માલીક બની ગયો.

watchgujarat.com સાથે ઠગ કૈલાશ જાધવના નજીકના વ્યક્તિએ તેના સફર વિશે વાત કરી હતી. વર્ષ 2010 માં કૈલાશ જાધવ ફતેહગંજ વિસ્તારમાં વડાપાંવ વેચતો હતો. વડાપાંવ વેચતા વેચતા તેની મુલાકાત ફતેહગંજ વિસ્તારમાં પેટ્રોલ પંપ સંચાલકની નજીકના લોકો સાથે થઇ હતી. જેથી તે પેટ્રોલપંપ પર એકાઉન્ટન્ટ સહિતના કામો કરવા માટે જોડાયો હતો. થોડાક સમય કામ કર્યા બાદ તેણે ત્યાંથી કામ છોડી દીધું હતું. ત્યાંથી કામ છોડ્યા બાદ કૈલાશનું નામ સોલવંટ કાૈભાંડમાં આવ્યું હતું. સોલવંટ કાૈભાંડમાં સંડોવણી બદલ કૈલાશે કેટલાય દિવસ જેલના સળીયા પાછળ વિતાવ્યા હતા.

પાર્ટનરશીપ સાથે જીમ ખોલવાની શરૂઆત એક્સરસાઇઝ કરતા થઇ

ત્યાર બાદ કૈલાશ જાધવ જીમમાં મેમ્બર તરીકે જોડાયો હતો. જેમાં શહેરના રસુખદાર લોકો સાથે જીમ એક્સરસાઇઝ કરતો હતો.અને શહેરના જાણીતા ગેસ્ટ્રોલોજીસ્ટ ડો. દેવાંગ શાહના સંપર્કમાં આવ્યો હતો. જીમમાં એક્સરસાઇઝ કરતી વખતે સાથે હોવાને કારણે શરૂઆતના તબક્કામાં કૈલાશ જાધવ અને ડોક્ટર વચ્ચે મિત્રતાના સંબંધ કેળવાયા હતા. સમયજતા કૈલાશે ડોક્ટર દેવાંગ શાહને જીમ ખોલીને જબરદસ્ત કમાણી થાય તેવો પ્લાન બતાવ્યો હતો. ડોક્ટરને જીમના મિત્ર પર પર ભરોસો ન હતો એટલે પ્રથમ કોઇ પણ જાતની પાર્ટનરશીપમાં જોડાવવા અંગેની વાત તેઓ ટાળતા હતા. પરંતુ જીમ ખોલવાથી ખુબ સારૂ વળતર મેળવી શકાશે તે વાટનું રટણ સાથે ડોક્ટર દેવાંગ શાહ સાથે 8 મહિના સુધી ફોલોઅપ લીધું હતું. આખરે ડોક્ટરે જીમ ખોલવા માટે સહમતી દર્શાવી હતી.

પાર્ટનરશીપમાં તમામ રોકાણ ડોક્ટર દેવાંગ શાહે કર્યું હતું

જીમ ખોલવા માટે પ્લાન અને રોકાણ અંગેની વિગત નક્કી કર્યા બાદ ડોક્ટરે પોતાના હિસ્સો આપી શરૂઆત કરી હતી. પરંતુ કૈલાશે પોતાનો હિસ્સો આપવાની જગ્યાએ ડોક્ટર દેવાંગ શાહને જણાવ્યું હતું કે, મારા વિદેશથી પૈસા આવવાના છે, ત્યારે હું તમને આપી દઇશ. અત્યારે તમે મારા હિસ્સાના રૂપિયા જમા કરાવો. ડોક્ટર દેવાંગ શાહને કંઇક રંધાતુ હોવાની ગંધ તો આવી હતી. પરંતુ પોતાના મનનના અવાજને અવગણીને ડોક્ટર દેવાંગ શાહે પાર્ટનરશીપમાં કૈલાશ જાધવનો હિસ્સો પણ ચુકવી આપ્યો હતો. ત્યાર બાદ શહેરના હાર્દ સમા વિસ્તારમાં એલાઇવ્ઝ જીમની શરૂઆત થઇ હતી.

કૈલાશ પાસે હિસાબ માંગ્યો તો ડોક્ટરને મળવાનું બંધ કર્યું

શરૂઆતના 1 વર્ષ બધુ સરખું ચાલ્યું હતું. પાર્ટનરશીપ સાથે શરૂ કરવામાં આવેલા જીમને પોતાનું જીમ ગણીને કૈલાશ જાધવે પ્રચાર-પ્રસાર શરૂ કર્યો હતો. જ્યારે ડોક્ટર દેવાંગ શાહે પાર્ટનરશીપ શરૂ કરતી વેળાએ કૈલાશ જાધવ વતી જમા કરાવેલા પૈસા તથા પાર્ટનરશીપ ફર્મના પૈસાનો હિસાબ માંગવાનો શરૂ કર્યો હતો. ત્યાર બાદ કૈલાશનો સ્વભાન ખાટો થઇ ગયો હતો. અને એકાઉન્ટની વિગતો અપવાનું ટાળવાનું શરૂ કરી દીધું હતું. ડોક્ટર દેવાંગ શાહના ફોન અવગણવા, તેમને મુલાકાતનો સમય આપીને ફરી જવાની ઘટના તેના વ્યવહારમાં જોડાઇ ગઇ હતી. એક તરફ કૈલાશ જાધવ ડોક્ટર દેવાંગ શાહને અવગણતો હતો અને બીજી તરફ પાર્ટનરની જાણ બહાર એલાઇવ્ઝ જીમની ફ્રેન્ચાઇઝ લાખો રૂપિયા લઇને વેચવાનું શરૂ કરી દીધું હતું.

Photo Courtesy – Social Media

એકાઉન્ટ ઓડિટ બાદ કૈલાશના કાૈભાંડનો પર્દાફાસ થયો

ડોક્ટર દેવાંગ શાહે આખરે કંટાળીને જાન્યુઆરી- 2020 માં કૈલાશ જાધવ વિરૂદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી. ત્યાર બાદ કૈલાશે પૈસા પરત કરવાની ગેરંટીની આપતા એકાઉન્ટ પે કરેલા ચેક આપ્યા હતા. મામલાની પતાવટ માટે ચેક આપ્યા બાદ કૈલાશ ફરી ગયો હતો અને ધાક-ધમકી આપીને ચેક લખાવ્યા હોવાનું રટણ શરૂ કર્યું હતું. પોલીસ ફરિયાદ બાદ પણ કૈલાશે પૈસા આપવા મામલે મગનું નામ મરી ન પાડતા આખરે ડોક્ટરે પોતાની પાર્ટનરશીપ ફર્મના એકાઉન્ટનું બીજા સીએ પાસે ઓડિટ કરાવવાની સાથે સીબીલ રેકોર્ડની ચકાસણી કરાવી હતી. ત્યાર બાદ કૈલાશ જાધવના કાૈભાંડ પરથી પર્દાફાસ થયો હતો.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદથી ઠગાઇ ખુલ્લી પડી

એકાઉન્ટ બુકના ઓડિટ બાદ વાત બહાર આવી હતી કે, મિત્રતા કેળવીને ઠગ કૈલાશ જાધવે ડોક્ટર દેવાંગ શાહને રૂ. 3 કરોડથી વધારેની રકમનો ચુનો ચોપડ્યો છે. અનેક ફ્રેન્ચાઇઝીમાંથી થયેલી આવકને પોતાની ઇન્કમમાં ગણાવી હતી. પાર્ટનરશીપ ડીડના આધારે કૈલાશે અનેક બેંકોમાંથી લોનની સમયમર્યાદા વધારી હતી. જેમાં તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે તેની મદદ કરી હતી. આખરે કૈલાશ સામે ડોક્ટરે શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધ્યો હતો. કૈલાશ જાધવ સામે 1 સપ્ટેમ્બરના રોજ પોલીસ ફરિયાદ નોંધાયા બાદથી તે ફરાર છે.

લક્ઝુરીયસ બાઇક ધરાવતા કૈલાશે જીમનું 5 મહિનાનું ભાડુ નથી ભર્યુ

પોલીસ ફરિયાદ બાદ કૈલાશના કાૈભાંડો પરથી પરદો ઉંચકાયો હતો. પાર્ટનરશીપથી એલાઇવ્ઝ જીમ ખોલ્યા બાદ કૈલાશે ફર્મની કમાણી પોતાના મોજશોખ અને લક્ઝુરીયસ લાઇફ સ્ટાઇલ પાછળ વાપરી હતી. એક સમયે વડાપાંવ વેચતો કૈલાશ હવે નિન્જા, કાવાસાકી જેવી મોંધીદાટ બાઇકોનો માલિક બન્યો હતો. કૈલાશ જાધવે કાગળ પર શ્રેષ્ઠ પ્લાન બનાવી અનેક લોકોને છેતરવાના પ્રયાસો કર્યા હતા. જેમાં ગેમઝોન, ફુડ જોઇન્ટ, કેફેટેરીયા સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે. પરંતુ ઠગ કૈલાશની અસલીયત પારખી જતા કોઇ તેના ઝાંસામાં આવ્યું ન હતું. એલાઇવ્ઝ જીમ, રેસકોર્સની મુખ્ય શાખાની જગ્યાનું ભાડુ 5 મહિનાથી ભરપાઇ ન કરવા બદલ જમીના માલિકે જગ્યા ખાલી કરવા માટે ડો. દેવાંગ શાહને જણાવ્યું હતું.તેની સાથે કૈલાશે મેમ્બર્સ પાસેથી જીએસટી લીધા બાદ પણ ભરપાઇ કર્યું નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud