• ચાદર વેચતા શેખબાબુને ચોરીના ગુનામાં પુછપરછ માટે ફતેગંજ પોલીસ લઇ ગઇ હતી
  • ગુમ થયેલા શેખબાબુના પુત્રએ પિતાની ભાળ મેળવવા માટે પોલીસમા અરજી કરી હતી, ત્યાર બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો
  • 18 સપ્ટેમ્બરના રોજ સીઆઇડી ક્રાઇમની ટીમે ટીપી-13થી ગોરવા ગંગાનગર સુધીના કેનાલ વિસ્તારમાં તપાસ કરી હતી
  • મંગળવારે વધુ એક વખત સીઆઇડી ક્રાઇમની ટીમ શેખબાબુની લાશનો પત્તો મેળવવા તપાસ કરશે

વડોદરા. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં કસ્ટોડીયલ ડેથ મામલે શેખ બાબુની લાશની ભાળ મેળવવા માટે સીઆઇડી ક્રાઇમની ટીમ મંગળવારે કેનાલ વિસ્તામાં કામગીરી હાથ ધરશે. મંગળવારે સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા છાણીથી લઇને સેવાસી સુધીના નર્મદા કેનાલ વિસ્તાર તથા સાયફનમાં સર્ચ કરવામાં આવશે.

શહેરના પોલીસ બેડામાં ચકચાર મચાવનાર ઘટના ગત ડિસેમ્બર-19 ના રોજ બની હતી. મુળ તેલાંગણાના અને વડોદરામાં ચાદર વેચતા શેખબાબુને ચોરીના ગુનામાં ફતેગંજ પોલીસ લઇ ગઇ હતી. જ્યાં તેની પુછપરછ દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ સહિત 4 એલઆરડી સાથે મળીને લાશને સગેવગે કરી દીધી હતી. જો કે શેખબાબુનો પુત્ર તેને શોધવા માટે વડોદરા આવ્યો હતો. અને તેની કોઇ જાણકારી ન મળતા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

અરજી પર કાર્યવાહી બાદ શેખબાબુ પ્રકરણમાં પોલીસ કર્મીઓ દ્વારા આચરવામાં આવેલા ગુનાની હકીકત સામે આવી હતી. અને આ મામલે ફતેગંજ પોલીસ મથકના તત્કાલિન પી.આઇ. ધર્મેન્દ્રસિંહ બુટકસિંહ ગોહિલ, પી.એસ.આઇ. દશરથ માધાભાઇ રબારી, અ.લો.ર. પંકજ માવજી, અ.લો.ર. યોગેન્દ્રસિંહ જીલણસિંહ, અ.લો.ર. રાજેશ સવજી અને હિતેશ શંભુભાઇની સામે ગુનો નોંધાયા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

હાલ સમગ્ર મામલાની તપાસ સીઆઇડી ક્રાઇમ કરી રહી છે. સીઆઇડી ક્રાઇમની ટીમે ગત રોજ મહિસાગર નદીના કોતરોમાં 6 ટીમ બનાવીને તપાસ કરી હતી. પરંતુ કોઇ નક્કર તથ્ય સામે આવ્યું ન હતું. અગાઉ 18 સપ્ટેમ્બરના રોજ સીઆઇડી ક્રાઇમની ટીમે ટીપી-13થી ગોરવા ગંગાનગર સુધીના કેનાલ વિસ્તારમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન કંકાલના અવશેષો મળી આવ્યા હતા. પરંતુ એફએસએલની તપાસમાં કંકાલ માનવ નહિ પરંતુ પશુનુ હોવાનું સામેે આવ્યું હતું.

ત્યાર બાદ હવે મંગળવારે સીઆઇડી ક્રાઇમની ટીમ છાણીથી સેવાસી સુધીના કેનાલ વિસ્તારમાં અને સાયફનમાં શેખબાબુની લાશને શોધા માટે કામે લાગશે. જેમાં સીઆઇડી ક્રાઇમ સાથે શહેર પોલીસ, ગ્રામ્ય પોલીસ, ફાયર ડિપાર્ટમેન્ટ, સ્ટેટ ડિઝાસ્ટર ટીમ સહિતની અન્ય ટીમ જોડાશે. શેખબાબુની લાશને શંકાના આધારે શોધવા માટે વધુ એક વખત નસીબ અજમાવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud