• સીઆઇડી ક્રાઇમ દ્વારા 3 નવેમ્બરના રોજ બાકી રહેલા કેનાલના વિસ્તારમાં સર્ચ હાથ ધરાશે
  • કોટણા, અનગઢ, સિંધરોટ, શેરખી, અંપાડ, અને હિંગલોટ ગામના મહિ કાંઠાના કોતરોમાં  ટીમ બનાવી સર્ચ કરાશે
  • પોલીસની ટીમ વિવિધ જગ્યાઓ પર જઇને સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી વિગતો એકત્રિત કરી રહી છે

વડોદરા. ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં શેખ બાબુની હત્યા કરી લાશ સગેવગે કરી દેવાના કિસ્સાને કારણે શહેર પોલીસ પર કલંક લાગ્યું હતું. સમગ્ર મામલામાં પીઆઇ, પીએસઆઇ મળી અન્ય 4 આરોપી પોલીસકર્મી જેલના સળીયા પાછળ છે. અને શેખ બાબુની લાશ અંગે કોઇ કંઇ પણ બોલતું નથી. તેવા સમયે સીઆઇડી ક્રાઇમની ટીમ મંગળવારે બીજી વખત કેનાલ ખાલી કરાવી શેખ બાબુની લાશ શોધવા માટે નસીબ અજમાવશે.

શનિવારે રાત્રે જિલ્લા વિકાસ અધિકારીને સીઆઇડી ક્રાઇમ, ગાંધીનગર દ્વારા પત્ર લખી તપાસમાં સહયોગ આપવા માટે જાણ કરવામાં આવી હતી. રવિવારે 6 ગામના સરપંચ નિયત સ્થળ પર હાજર થઇ ગયા હતા. સ્થાનિક પોલીસની ટીમ દ્વારા મહિસાગર નદીના કોટણા ગામના કોતર વિસ્તાર તથા અવાવરૂ જગ્યાઓ પર તપાસ શરૂ કરવામાં આવી હતી.સવારથી જ પોલીસની ટીમ વિવિધ જગ્યાઓ પર જઇને સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી વિગતો એકત્રિત કરી રહી હતી.

છેલ્લા 10 મહિનામાં મહિસાગર નદીના કોતર વિસ્તારમાં આગના બનાવની તપાસ કરાશે – ગીરીશ પંડ્યા, એસ.પી – સીઆઇડી ક્રાઇમ

સીઆઇડી ક્રાઇમના એસપી ગીરીશ પંડ્યાએ વોચગુજરાત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખ્યો છે. મૃતદેહને શોધવામાં સ્થાનિક અને ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટીની મદદ માંગવામાં આવી છે. વડોદરા તાલુકાના કોટણા, અનગઢ, સિંધરોટ, શેરખી, અંપાડ, અને હિંગલોટ ગામના મહિ કાંઠાના કોતરોમાં સીઆઇડી ક્રાઇમની ટીમ બનાવી સર્ચ કરીશું. અને છેલ્લા 10 મહિનાના સમયગાળામાં કોતર વિસ્તારમાં કોઇ આગ લગાડવાનો બનાવ બન્યો છે કે કેમ તેની તપાસ સ્થાનિકોને સાથે રાખી કરવામાં આવશે. ઉપરાંત કેનાલમાં પણ સર્ચ બાકી હોવાથી વીએમસીને પત્ર લખી, 3 નવેમ્બરના રોજ બાકી રહેલા કેનાલના વિસ્તારમાં સર્ચ હાથ ધરાશે.

શેખ બાબુ કોણ હતો.

મૂળ તેલંગાનાના વતની શેખ બાબુ(ઉં.62) અમદાવાદમાં રહેતા હતા અને રોજ વડોદરા સહિત વિવિધ શહેરોમાં ફરીને ચાદરો વેચતા હતા. 10 ડીસેમ્બર-2019ના રોજ તેઓ જમાઇ ઇબ્રાહિમખાન કાસીમખાન પઠાણ(રહે. તેલગાંણા) સાથે વડોદરા આવ્યા હતા. જ્યાં બંનેએ સેન્ટ્રલ એસ.ટી. ડેપો પાસે નાસ્તો કર્યો હતો. ત્યારબાદ બાબુ શેખ સાઇકલ ઉપર ચાદરો મુકીને ફેરી ફરવા માટે ગયા હતા.

શેખ બાબુ હત્યા કેસમાં શું થયું હતું

દરમિયાન ફતેગંજ પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના જવાનો ટી.પી.-13 વિસ્તારમાં રહેતા સતીષ ઠક્કરના ઘરમાં થયેલી ચોરીના ગુનામાં શેખ બાબુ શેખની શકદાર તરીકે અટકાયત કરી હતી અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં લઇ આવ્યા હતા. જ્યાં કમ્પ્યુટર રૂમમાં ખુરશી ઉપર પટ્ટાથી બાંધી દીધા હતા. અને ચોરીની કબુલાત કરાવવા માટે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. હાથની વચ્ચે પેન ફસાવી ગુનો કબુલ કરાવવા માટે થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યું હતું. જેમાં તેઓનું મોત નીપજ્યું હતું. શેખ બાબુ શેખનું મોત નીપજતાં ફતેગંજ પોલીસ મથકના તત્કાલિન પી.આઇ. ધર્મેન્દ્રસિંહ બુટકસિંહ ગોહિલ, પી.એસ.આઇ. દશરથ માધાભાઇ રબારી, અ.લો.ર. પંકજ માવજી, અ.લો.ર. યોગેન્દ્રસિંહ જીલણસિંહ, અ.લો.ર. રાજેશ સવજી અને હિતેશ શંભુભાઇએ મળીને લાશ સગેવગે કરી દીધી હતી.

તમામ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી આવી તેમની ધરપકડ કરવામાં આવી હતી. પુછપરછ દરમિયાન એક પણ પોલીસ કર્મી શેખ બાબુની લાશના નિકાલ અંગે કંઇ પણ બોલવા તૈયાર નથી. દરમિયાન શેખ બાબુની લાશની ભાળ મેળવવા માટે સીઆઇડી ક્રાઇમની શેખ બાબુની લાશ નિકાલ કરવા અંગેની શંકાના આધારે ગત 18 સપ્ટેમ્બરના રોજ વડોદરા ખાતે આવી હતી. બે દિવસ કેનાલમાં પાણી ખાલી કરાવીને લાશ શોધવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ કંઇ હાથ લાગ્યું ન હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud