• એસીપી કક્ષાના પોલીસ અધિકારીની તપાસ દરમિયાન કસ્ટોડીયલ ડેથ મામલે સંડોવાયેલા આરોપી પોલીસકર્મીઓના નિવેદન લેવામાં આવ્યા હતા
  • અગાઉ નિવેદન પરથી  શેખ બાબુની લાશને પેટ્રોલ નાંખીને સળગાવી દેવામાં આવી હોવાની એક શક્યતા સામે આવી હતી
  • નિઝામપુરા સ્થિત પેટ્રલ પમ્પ પરથી પેટ્રોલ લેવાયુ હોઇ શકે તેવી આશંકા સાથે બનાવના દિવસના પેટ્રોલ પમ્પના ડીવીઆર તપાસ અર્થે મેળવવામાં આવ્યા

વડોદરા. ફતેગંજ પોલીસ સ્ટેશન કસ્ટોડીયલ ડેથ મામલે રવિવારે સીઆઇડી ક્રાઇમની 6 ટીમ દ્વારા મહિસાગર નદીના કોતર વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અગાઉ આરોપી પોલીસવાળાના નિવેદનોમાં શેખ બાબુની હત્યા કર્યા બાદ લાશને સળગાવી દેવામાં આવી હોવાનું અનુમાન સામે આવ્યું હતું. જેને ધ્યાને લઇને સીઆઇડી ક્રાઇમની ટીમે મેગા સર્ચ હાથ ધર્યું હતું.

ચાદર વેચતા શેખબાબુ પાસે ચોરી કબુલાવવા માટે  11 મહિના પહેલા ફતેગંજ પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. ત્યાં તેનું પુછપરછ આકરી દરમિયાન મોત નિપજ્યું હતું અને તેની લાશને બારોબાર પોલીસવાળાઓએ સગેવગે કરી દીધી હતી. સમગ્ર મામલે તે સમયે ફતેગંજ પીઆઇ, પીએસઆઇ મળીને કુલ 6 લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ આજદિન સુધી સગેવગે કરી દેવામાં આવેલી શેખબાબુની લાશની ભાળ મેળવી શકાઇ નથી. સીઆઇડી ક્રાઇમ દ્વારા શેખ બાબુની લાશની ભાળ મેળવવા માટેની કામગીરી અંતર્ગત રવિવારે 6 ટીમ વડોદરા નજીક આવી હતી. ટીમ દ્વારા મહિસાગર નદી કાંઠા વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે પોલીસને સર્ચમાં કોઇ સફળતા મળી ન હતી.

ચકચારી ફતેગંજ કસ્ટોડીયલ ડેથ કેસમાં પ્રથમ પોલીસ વિભાગ દ્વારા મામલો નકારી કાઢવામાં આવ્યો હતો. થોડાક સમય બાદ સમગ્ર મામલાની તપાસ એસીપી કક્ષાના અધિકારી દ્વારા કરાવવામાં આવી હતી. દરમિયાન પોલીસની પકડથી બહાર આરોપી પોલીસકર્મીઓ હાજર થયા હતા. એસીપી કક્ષાના પોલીસ અધિકારીની તપાસ દરમિયાન કસ્ટોડીયલ ડેથ મામલે સંડોવાયેલા આરોપી પોલીસકર્મીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. જોકે ત્યાર બાદ કસ્ટોડીયલ ડેથ મામલાની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપી દેવામાં આવી હતી. અગાઉ નિવેદન પરથી  શેખ બાબુની લાશને પેટ્રોલ નાંખીને સળગાવી દેવામાં આવી હોવાની એક શક્યતા સામે આવી હતી. જેને લઇને સીઆઇડી ક્રાઇમની 6 ટીમે મહિસાગર નદી કિનારે આવેલી કોતરોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

સીઆઇડી ક્રાઇમના એસ.પી ગીરીશ પંડ્યાના જણાવ્યા અનુસાર, શેખ બાબુ કસ્ટોડીયલ ડેથ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઇ ધર્મેન્દ્રસિંહ ગોહિલ જ્યારથી વડોદરામાં આવ્યો ત્યારથી પેટ્રોલપંપ સંચાલકની માલિકીના ઘરમાં ભાડે રહેતો હતો. સમગ્ર મામલની તપાસ દરમિયાન પોલીસ દ્વારા લેવામાં આવેલા નિવેદનોના આધારે શેખ બાબુની લાશનો નિકાલ કરવા માટે પોલીસ આરોપીઓએ પેટ્રોલનો ઉપયોગ કર્યો હોવાની શંકાઓ સેવાઇ રહીં હતી. જોકે પી.આઇ ધર્મેન્દ્રસિંહ ગોહિલ પેટ્રોલપમ્પ માલિકના ઘરમાં જ ભાડે રહેતો હોવાથી, નિઝામપુરા સ્થિત પેટ્રલ પમ્પ પરથી પેટ્રોલ લેવાયુ હોઇ શકે તેવી આશંકા સાથે બનાવના દિવસના પેટ્રોલ પમ્પના ડીવીઆર તપાસ અર્થે મેળવવામાં આવ્યાં છે. ટીમ દ્વારા મેળવવામાં આવેલા ડીવીઆરની પુરતી ચકાસણી માટે એફ.એસ.એલમાં મોકલી આપવામાં આવશે.

રવિવારે સર્ચ અર્થે આવેલી સીઆઇડી ક્રાઇમની ટીમે નિઝામપુરા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપના ડીવીઆર કબ્જે કર્યા હતા. અને તેની વધુ તપાસ માટે એફએસએલમાં મોકલી આપવમાં આવ્યા હતા. સીઆઇડી ક્રાઇમ દ્વારા રવિવારે મહિસાગર નદીની કોરત વિસ્તારમાં 6 ટીમ ઉતારી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું

સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા અગાઉ કેનાલમાં પાણી ખાલી કરાવીને શેખબાબુના મૃતદેહની તપાસ કરવામાં આવી હતી. હવે મંગળવારે ટીમ દ્વારા કેનાલના બાકી રહેલા વિસ્તારમાં તપાસ કરવામાં આવશે. આમ, સીઆઇડી ક્રાઇમ દ્વારા શંકાના આધારે શેખબાબુના મૃતદેહની ભાળ મેળવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud