• બાળપણમાં જાણીતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂઅર સ્નેહલ ભટ્ટની કામગીરીથી પ્રેરાઇ ભુમીએ એનીમલ રેસ્ક્યૂ કરવાનું મન બનાવી દીધું હતું
  • 13 વર્ષની ઉંમરથી એનીમલ રેસ્ક્યૂની કામગીરીમાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના અરવિંદ પવાર સાથે ટ્રેઇનીંગ માટે જોડાઇ હતી
  • એનીમલ રેસ્ક્યૂમાં વધારે છોકરાઓ હોવાને કારણે ભુમિએ પરિવારજનોનો ભારે વિરોધ સહન કરવો પડ્યો હતો
  • એક દિવસ રાત્રે રેસ્ક્યૂ પરથી પરત આવ્યા બાદ પરિવારજનોએ ગુસ્સામાં આવીને કાઢી મુકી હતી
  • ભુમીએ અત્યાર સુધી 200 જેટલા કોબ્રા, રસલ્સ વાઇપર સહિતના  વિવિધ ઝેરી સાપ સહિત અનેક મગર રેસ્ક્યૂ કર્યા

પાર્થ બી. પંડયા. જાણીતા એનીમલ રેસ્ક્યુઅર સ્નેહલ ભટ્ટથી પ્રેરાઇને શહેરની ભુમી પાૈલે 15 વર્ષની ઉંમરથી એનીમલ રેસ્ક્યૂ શીખવાનું શરૂ કરી દીધું હતું. એનીમલ રેસ્ક્યૂમાં મોટાભાગે પુરૂષો હોવાને કારણે એક વખત મોડી રાત્રે રેસ્ક્યૂ કોલ પરથી પરત ફર્યા બાદ ઘરવાળાઓએ કપડાની બેગ પકડાવી ઘરની બહાર કાઢી મુકી હતી. તેમ છત્તા પણ ભુમીએ પોતાનું પેશન છોડ્યું ન હતું.

શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં ભુમી પાૈલ રહેતી હતી. બાળપણ દરમિયાન તેના ઘર નજીક સાપ નિકળવા અને તેને રેસ્ક્યૂ કરવાની ઘટનાઓ અવાર-નવાર બનતી રહેતી હતી. સાપ રેસ્ક્યૂ કરવા માટે પુરૂષ રેસ્ક્યૂઅર આવતા અને સાપ રેસ્ક્યૂ કરીને જતા રહેતા હતા. પરંતુ એક વખત સાપ રેસ્ક્યૂ કરવા માટે તે સમયે જાણીતા સ્નેહલ ભટ્ટ આવ્યા હતા. અને ત્યારથી તેણે પોતે એનીમલ રેસ્ક્યૂઅર બનવાનું સ્વપ્ન સેવ્યું હતું. આગળ જતા ભુમી પૌલને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના માસ્ટર ટ્રેનર અરવિંદ પવારે ટ્રેઇન કરી હતી.

 

એનીમલ રેસ્ક્યૂ કરવા મોડી રાત્રે જવું પરિવારજનોને નાપસંદ, કામગીરી બદલ અનેક વખત ઠપકો સાંભળ્યો 

ભુમી પાૈલે જણાવ્યું હતું કે, સોસાયટીમાં અવાર-નવાર સાપ પકડવા માટે આવતા લોકો પાસેથી ટ્રેઇનીંગ મેળવવા માટેની વિગતો હું પુછતી હતી. જેને કારણે આખરે મને ટ્રેઇનીંગ મેળવવા માટે અરવિંદ પવાર સરનો પત્તો મળી ગયો હતો. માસ્ટર ટ્રેનર અરવિંદ પવારને ત્યાં ટ્રેઇનીંગ બાદ હું અનેક વખત મોડી રાત્રે પણ રેસ્ક્યૂ કોલ એટેન્ડ કરવા જતી હતી. એક છોકરી તરીકે મારૂ છોકરાઓ વધારે હોય તેવા ગૃપમાં જોડાઇને રેસ્ક્યૂની કામગીરી કરવી મારા પરિવારજનોને બિલકુલ પસંદ ન હતું. જેને કારણે રેસ્ક્યૂ કોલ પરથી ઘરે આવ્યા બાદ અનેક વખત પરિવારજનો સાથે બોલાચાલી થતી હતી. અને અનેક વખત મારે ઠપકો પણ સાંભળવો પડ્યો હતો.

કામગીરીથી અજાણ પરિવારજનોએ કાઢી મુકી, સમજાવટ બાદ સાથ આપ્યો

એક દિવસ રાત્રે રેસ્ક્યૂ કોલ પરથી પરત આવ્યા બાદ મારા પરિવારજનોએ મને ઘરની અંદર પ્રવેશતા અટકાવી હતી. અને રેસ્ક્યૂની કામગીરી છોડી દે નહિ તો ઘર છોડી દે તેવો ઓપ્શન આપ્યો હતો. મેં એક પણ સેકંડ વિચાર કર્યા વગર પરિવારજનોને જવાબ આપ્યો કે, એનિમલ રેસ્ક્યૂ કરવું મારૂ પેશન છે. અને હું એને નહિ છોડુ. જવાબ સાંભળતા જ મારા પરિવારજનોએ મને ઘરમાંથી કાઢી મુકી હતી. તેવા સમયે અરવિંદ પવારે મારી મદદ કરીને મામલો થાળે પાડ્યો હતો. પહેલા મારા કામને લઇને મારા પરિવારજનો અજાણ હતા. પરંતુ સમય જતા પરિવારજનોને મારી કામગીરી વિશે સમજ પાડી હતી. અને ત્યાર બાદ તેઓ મને સાથ આપતા હતા.

નિડર થઇ એનીમલ રેસ્ક્યૂ કરવા બદલ સર મને ‘ટાઇગર’ કહીને બોલાવે

એક દિવસ મગર પકડવા માટેની ટ્રેઇનીંગ માટે અમને રેસ્ક્યૂ કોલ પર લઇ જવામાં આવ્યા હતા. ત્યારે 20 જેટલા છોકરાઓની ટીમમાં હું એકલી જ હતી. તે દિવસે ટ્રેનરે ભુમીને રેસ્કયૂ લીડ કરવા જણાવ્યું હતું. તે દિવસથી લઇને આજ દિન સુધી મેં મારા કામમાં પાછું વળીને નથી જોયું. આજદિન સુધી બિનઝેરી સાપથી લઇને કોબ્રા જેવા અંત્યંત ઝેરી ગણાતા 200 થી વધુ સાપનું રેસ્ક્યૂ કર્યું છે. અને ટીમ વર્કમાં 13 થી વધુ મગર રેસ્ક્યૂ કર્યા છે. મારા કામમાં મારી ધગશ અને બહાદુરી જોઇને મને અરવિંદ સર દ્વારા  ‘ટાઇગર’ તરીકેનું ઉપનામ પણ મળ્યું છે.

(આર્ટીકલમાં ઉપયોગમાં લેવામાં આવેલી તમામ તસ્વીર વર્ષ 2019 તથા તે પહેલાના સમયની છે)

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud