• રાજસ્થાનની બાંસવાડા પોલીસે ઇન્કલમવોલ્સના આદેશની છેતરપીંડીના ગુનામાં ધરપકડ કરી હતી.
  • આદેશની રાજસ્થાન પોલીસે ધરપકડ કરી અને વડોદરા પોલીસની મિલીભગતથી આદેશ ફરાર થઇ ગયો હતો.
  • આ પ્રકરણ ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવતાં ડીસીપીના સુપરવિઝન હેઠળ એસીપીને તપાસમાં સોંપવામાં આવી છે.

ચિંતન શ્રીપાલી, વડોદરા.  શહેરમાં કે રાજ્યમાં કોઇ ઘટના એવી બને જેમાં પોલીસની આબરૂના ધજાગ્રા ઉડી રહ્યાં હોય, તેવા સમયે સમગ્ર પોલીસ વિભાગ એક થઇ કામગીરી કરતી હોય છે. તેમાં પણ જો અન્ય રાજ્યની પોલીસ સામે પોતાની આબરૂ જાય તેવુ કામ પોલીસ ક્યારેય કરતી નથી, અને જો સંજોગો એવા સર્જાય તો આબરૂ કંઇ રીતે બચાવવી એ પોલીસ ખૂબ સારી જાણતી હોય છે. પરંતુ વડોદરામાં બનેલી આ ઘટનાની પરિસ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહીં છે. જ્યાં રાજસ્થાન પોલીસનો આરોપી ફરાર થઇ જતા વડોદરા પોલીસની આબરૂના ધજાગ્રા ઉડી રહ્યાં છે, પણ આદેશને પકડવામાં પોલીસને રસ નથી તેવુ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

ઇન્કમ વોલ્સના મહાઠગ આદેશ દેવકુમાર સામે રાજસ્થાનના બાંસવાડા ખાતે કરોડોની છેતરપીંડી મામલે ફરીયાદ નોંધાઇ હતી. જે મામલે રાજસ્થાન પોલીસ મોબાઇલ લોકેશનના આધારે ગત શુક્રવારે વડોદારા પહોંચી હતી. બપોરના સમયે રાજસ્થાન પોલીસને આદેશનુ ચોક્કસ લોકેશન મળતા તેને દિવાળીપુરા સ્થિત ઓફીસથી ઝડપી લેવામાં આવ્યો હતો. આદેશને ઝડપી લીધા બાદ રાજસ્થાને પોલીસ બાંસવાડા જવા માટે રવાના થઇ હતી. થોડેક દુર પહોંચતા જે.પી પોલીસ સ્ટેશનના પૂર્વ ઇન્સપેકટર ડી. કે. વાઘેલાએ રાજસ્થાન પોલીસને ફોન કરી નોંધણી કરવા માટે પરત બોલાવી હતી.

જે.પી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યાં બાદ આદેશે સવારે પોલીસ સ્ટેશનમાં હાજર થઇ જવાનો વિશ્વાસ અપાવ્યો હતો. જેથી જે.પી પોલીસ સ્ટેશનના પૂર્વ ઇન્સપેકટર ડી.કે વાઘેલાએ રાજસ્થાન પોલીસને એક હોટલમાં રાત્રી રોકાણની વ્યવસ્થા કરાવી હતી. સવાર પડતા જ રાજસ્થાન પોલીસ આદેશને લેવા માટે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. પરંતુ તે ફરાર થઇ ગયો હોવાથી પોલીસને મળી શક્યો ન હતો.

આ ઘટના બે દિવસ બાદ બહાર આવતા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવી હતી. જેથી આ પ્રકરણની તપાસ ડીસીપી સંદિપ ચૌધરીના સુપરવિઝન હેઠળ એસીપી અલ્પેશ રાજગોરને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે હોટલના સીસીટીવી કેમેરાની તપાસ કરી, જે.પીના પૂર્વ ઇન્સપેકટર સહીત અન્ય લોકોના નિવેદનો લીધા, પરંતુ ફોન ચાલી રાખી શહેરમાં બિંદાસ્ત ફરી રહેલા આદેશને પકડવાની હજી સુધી વડોદરા પોલીસે તસ્દી લીધી નથી. જેપી પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.કે. વાઘેલાની સંડોવણી બહાર આવ્યા બાદ પણ તંત્ર દ્વારા માત્ર તેની બદલી કરીને જ સંતોષ માનવામાં આવ્યો હતો.

રાજસ્થાન પોલીસની મહેનત ઉપર પાણી ફેરવવા મામલે ગુજરાત પોલીસની આબરૂની ધજાગરા ઉડી રહ્યાં છે. પરંતુ વડોદરા પોલીસ તપાસના નામે સમય પસાર કરી સમગ્ર મામલે ભીનુ સંકેલવાના પ્રયાસમાં હોય તેવુ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર દિવસથી આ મામલે ચાલી રહેલી પોલીસ તપાસમાં હજી સુધી પોલીસને કોઇ પણ પ્રકારના નક્કર પુરાવા મળી આવ્યાં નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud