• રાજસ્થાનના બાંસવાડા ખાતે ઇન્કમવોલ્સના સંચાલક આદેશ દેવકુમાર સામે અઢી કરોડની ઠગાઇનો ગુનો નોંધાયો હતો.
  • રાજસ્થાન પોલીસે મોબાઇલ લોકેશના આધારે આદેશની ગત શુક્રવારે દિવાળીપુરા સ્થિત એલ.ઇ સીટી સેન્ટર ખાતેની ઓફીસમાંથી ઝડપી પાડ્યો હતો.
  • રાજસ્થાન પોલીસને જે.પી પોલીસ સ્ટેશનના અધિકારીએ ફોન કરી નોંધણી કરવા માટે અધવચ્ચેથી પરત બોલાવ્યા
  • જે.પી પોલીસ સ્ટેશનમાં ગયા બાદ આદેશ એસ.ઓ.જીમાં ગયો અને સવારે હાજર થવાનો વિશ્વાસ અપાવી ફરાર થઇ ગયો

વડોદરા. ઇન્કમ વોલ્સના સંચાલક આદેશ દેવકુમારને રાજસ્થાન પોલીસે દિવાળી પુરા સ્થિત એલ.ઇ સીટી સેન્ટર ખાતેની તેની ઓફીસમાંથી ગત શુક્રવારના રોજ ઝડપી પાડ્યો હતો. જોકે ત્યારબાદ જે.પી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવતા રાજસ્થાન પોલીસ નોંધણી કરાવવા માટે પહોંચી હતી. અને ત્યારબાદ તેને વડોદરા પોલીસે ભગાડી દીધો કે પછી એ ફરાર થઇ ગયો, આ સમગ્ર મામલની તપાસ ડીસીપી સંદિપ ચૌધરીના સુપરવીઝન હેઠળ એ.સી.પી અલ્પેશ રાજગોર દ્વારા કરવામાં આવી રહીં છે. ત્યારે આદેશ દેવકુમારને ઝડપી પાડનાર રાજસ્થાન પોલીસના ઇન્સપેકટર કપિલ પાટીદારે આ અંગે ચોંકાવનારી માહિતી આપી હતી.

રાજસ્થાનના બાંસવાડા ખાતે આદેશ દેવકુમાર સામે અઢી કરોડની ઠગાઇના મામલે છેતરપીંડીનો ગુનો નોંધાયો હતો. જેથી આ મામલે રાજસ્થાન પોલીસ તેને શોધી રહીં હતી. તેવામાં ગત શુક્રવારના રોજ રાજસ્થાન પોલીસ આદેશની શોધમાં વડોદરા આવી પહોંચી હતી. જ્યાં આદેશના મોબાઇલ લોકેશનની પોલીસે તપાસ કરતા તેના સાડા ત્રણ કિલોમીટરના રેડીયસમાં તપાસ કરતા દિવાળીપુરા પહોંચી હતી. તેવામાં પોલીસને આદેશનુ ચોક્કસ લોકેશન એલ.ઇ સીટી સેન્ટર ખાતે મળ્યુ હતુ. જેથી રાજસ્થાન પોલીસે આદેશને તેની ઓફીસમાંથી ઝડપી પાડ્યો હતો. આ મામલે વોચ ગુજરાત દ્વારા રાજસ્થાન બાંસવાડા પોલીસના ઇન્સપેકટર કપિલ પાટીદારનો ટેલિફોનીક સંપર્ક કરતા તેમણે નિચે મૂજબની વિગતો જણાવી હતી.

“અમારી પાસે આદેશનુ મોબાઇલ લોકેશન હતુ. પાક્કુ લોકેશન મળતા આદેશને અમે દિવાળીપુરા સ્થિત એલ.ઇ સીટી સેન્ટરમાં આવેલી તેની ઓફીસમાંથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આદેશને લઇને અમે રાજસ્થાન જવા રવાના થયા અને માંડ દોઢ કિ.મીનો અંતર કાપતા જે.પી પોલીસ સ્ટેશનના પી.આઇ વાઘેલાનો મને ફોન આવ્યો અને કહ્યું કે, નોંધણી કરાવવા માટે તેને અહીંયા લઇ આવો, આ અમારી હદનો હોવાથી તેની નોંધણી કરાવવા માટે તેને જે.પી પોલીસ સ્ટેશન લઇ આવો. ફોન આવતા અમે તેને (આદેશ) લઇ જે.પી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યાં હતા. જ્યાં તેની નોંધણીની કાર્યવાહી કરવામાં આવી હતી.

દરમિયાન એસ.ઓ.જી-1 માંથી ફોન આવ્યો હતો અને પી.આઇ વાઘેલા અમને જણાવ્યું કે, અમે તમને સવારે 9 વાગે આદેશને સોંપી દઇશું. ત્યારબાદ પી.આઇ વાઘેલાએ અમારી રાત્રી રોકાણની પણ વ્યવસ્થા કરી આપી હતી. જોકે સવારે 9 વાગે અમે પોલીસ સ્ટેશન પહોચ્યાં તો આદેશ આવ્યો ન હતો અને ફરાર થઇ ગયો હતો. આખો દિવસ આદેશની શોધખોળ કર્યા બાદ તેનો કોઇ પત્તો ન મળતા અમે પરત રાજસ્થાન રવાના થઇ ગયા હતા”.

નોંધનીય છે કે, દિવાળીપુરાનુ L E CITY CENTER ગોત્રી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. તેમ છતાં આદેશને જે.પી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવવા માટે પોલીસે જણાવ્યું હતુ. જોકે આદેશ સામે અગાઉ જે.પી પોલીસ સ્ટેશન ખાતે છેતરપીંડીની ફરીયાદ નોંધાતા તેની એસ.ઓ.જીએ ધરપકડ કરી હતી. જો આ મામલે વડોદરા પોલીસને તેની પુછપરછ કરવાની હતી તો અત્યાર સુધી કેમ ન કરવામાં આવી ? અને રાજસ્થાન પોલીસે આદેશને ઝડપી પાડ્યાં બાદ જ કેમ વડોદરા પોલીસને આટલા લાંબા સમય બાદ અચનક પુછપરછ કરવાનુ યાદ આવ્યું ?

આ પ્રશ્નોના જવાબો હજી અકબંધ

  1. રાજસ્થાન પોલીસે આદેશ દેવકુમારને ઝડપી પાડ્યો તેની જાણ જે.પી પોલીસ સ્ટેશનના પી.આઇ વાઘેલાને કોણે કરી ?
  2. દિવાળીપુરામાં આવેલુ એલ. ઇ સીટી સેન્ટર ગોત્રી પોલીસની હદમાં આવતુ હોવા છતાં જે.પી પોલીસ સ્ટેશનમાં કેમ બોલાવવામાં આવ્યો હતો ?
  3. જે.પી પોલીસ સ્ટેશનના ઇન્સપેકટરે શું કોઇના કહેવાથી રાજસ્થાન પોલીસને ફોન કરી આદેશને બોલાવ્યો ?
  4. જે.પી પોલીસ સ્ટેશનના ઇન્સપેકટરને ફોન પર કોણે સુચના આપી ?

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud