• સુરતમાં કંપની શરૂ કરવા કારની ખરીદી કરવા બે લાખ ખંખેર્યા, શો-રૂમમાંથી રૂપિયા 12.85 લાખની કાર ખરીદી હતી
  • દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડન્ટની ઓળખ આપનાર યુવક વિરુદ્ધ નોંધાયો ગુનો દાખલ
  • ભેજાબાજે દોઢ લાખ રૂપિયા લીધા બાદ પરત ન કર્યાં
  • પેટ્રોલ પંપ માટે સભ્ય બનવા માટે 80 હજાર ખંખેર્યા
  • ઔદ્યોગિક પ્લોટ અપાવવાના બહાને 88 હજાર રૂપિયા પડાવ્યા
  • રૂપિયાની માંગણી કરતા ધમકીઓ આપી


વડોદરા .દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડન્ટ સામે વડોદરા શહેરના સામાજિક કાર્યકર ચંદ્રિકા સોલંકી તથા તેમના પરિવારે 19.07 લાખ રૂપિયાની છેતરપિંડી આચર્યાની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

વડોદરા શહેરના સામાજિક કાર્યકર ચંદ્રિકા સોલંકીની માતા જયશ્રીબેન મહિડા શિક્ષક હતા. હાલ તેઓ નિવૃત્ત જીવન ગુજારે છે. તેઓએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2018 દરમિયાન મેહુલ ઠાકોર(રહે, વ્રજધામ સોસાયટી, અંકોડિયા ગામ) તેમની દીકરી ચંદ્રિકાને મળવા માટે આવ્યો હતો અને જણાવ્યું હતું કે, હું તમારા સમાજનો છું અને દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો વાઇસ પ્રેસિડન્ટ છું અને મારે તાત્કાલિક દોઢ લાખ રૂપિયાની જરૂર છે, જેથી મદદ કરો, તમને બીજા દિવસે પરત કરી દઇશ. નાણાં આપ્યા બાદ પાછા આપવામાં મેહુલે ગલ્લાતલ્લા કર્યાં હતા.

નવરાત્રિના સમયમાં મેહુલ ફરીથી તેમના ઘરે ગયો હતો અને જણાવ્યું હતું કે, યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં જુદા-જુદા નાસ્તાના સ્ટોલ નાખવાના છે. તેમાં રૂપિયા અઢી લાખનું રોકાણ કરો, હું તમને મૂડી અને નફો બંને આપી દઇશ, તેમ કહી રૂપિયા અઢી લાખ મેળવ્યા હતા અને ગરબા ગ્રાઉન્ડ ઉપર સ્ટોલ નાખીને મેહુલે ધંધો કર્યો હતો, ત્યારબાદ રૂપિયાનો હિસાબ માંગતા મેહુલે ફરી ગલ્લાતલ્લા કર્યાં હતા. થોડા સમય પછી મેહુલે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ગુજરાતમાં નવા પેટ્રોલ પંપની ફાળવણી કરવાની જાહેરાત આપી છે અને તેના ઓનલાઇન ફોર્મ ભરવાના છે, જેથી પહેલા તમારે સભ્ય બનવું પડશે અને તેને વ્યક્તિદીઠ 20 હજાર રૂપિયા લેખે 4 વ્યક્તિના 80 હજાર રૂપિયા રોકડા આપ્યા હતા. આ ઉપરાંત ચંદ્રિકા સોલંકીએ તેના અન્ય ઓળખીતાઓ પાસે બીજા 29 ફોર્મ જમા કરાવ્યા હતા, જે દરમિયાન વધુ 84 હજાર રૂપિયા ચૂકવ્યા હતા.

વર્ષ-2019માં મેહુલ ઠાકોરે જણાવ્યું હતું કે, પેટ્રોલ પંપનો પ્રોસેસ ખુબ લાંબો છે. તાજેતરમાં સરકારે અનુસૂચિત જાતિના વ્યક્તિઓને ઉદય યોજના અંતર્ગત ઔદ્યોગિક પ્લોટ ફાળવવાની યોજના શરૂ કરી છે અને વ્યક્તિદીઠ 22 હજાર રૂપિયા ફી છે, જેથી ઘરના સભ્ય ટુકડે-ટુકડે 88 હજાર આપ્યા હતા. તેમજ પાનકાર્ડ જીએસટી તથા ગુમાસ્તાધારા ખોલવા માટે એક્ઝિબિશનમાં સ્ટોલ પેટે રોકડા 2 લાખની ચુકવણી કરી હતી. આ ઉપરાંત સુરતમાં કંપની શરૂ કરવા મેહુલે કારની ખરીદી કરવા પણ રૂપિયા બે લાખ ખંખેર્યા હતા અને શો-રૂમમાંથી રૂપિયા 12.85 લાખની કાર ખરીદી હતી. આમ મેહુલ એ ટુકડે ટુકડે 19.07 લાખની છેતરપીંડી આચરી રૂપિયા પરત કર્યાં ન હતા.

રૂપિયાની માગણી કરતા ધમકી આપીને અપશબ્દોનો મારો ચલાવ્યો હતો.જેથી તેઓએ બનાવ અંગે મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મેહુલ વિરૂદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !