વડોદરા. કોરોના કાળમાં વારંવાર હાથ ધોવાને કોવિડ – 19 થી બચવાના ઉપાયોમાં ગણવામાં આવે છે. પરંતુ શહેરના છેવાડે આવેલી પોલીસ ચોકીઓ પર ફરજ બજાવતા કર્મીઓ માટે હાથ ધોવાની સુવિધા નથી મળતી. તેવા સમયે શહેરના પર્યાવરણ અગ્રણી દ્વારા ગવર્નમેન્ટ, સેમી ગવર્નમેન્ટ, અને એન.જી.ઓ.ને સાંકળીને હેન્ડવોશ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. શહેરનું પ્રથમ હેન્ડવોશ સ્ટેશન દુમાડ પોલીસ ચોકી ખાતે કરવામાં આવ્યું છે.

હેન્ડવોશ સ્ટેશન અંગે ડો. સુનિત ડબકેએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસને હાથ વાટે ફેલતો અટકાવવા માટે વારંવાર હાથ ધોવા અંગે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. શહેરમાં આવેલા પોલીસ સ્ટેશનમાં હેન્ડવોશની સુવિધાઓ જરૂરીયાતના પ્રમાણમાં આવેલી છે. પરંતુ શહેરના છેવાડે આવેલી ચોકીઓમાં સુવિધાઓ નથી. તેવા વિસ્તારમાં ફરજ બજાવતા કર્મીઓને હાથ ધોવા માટે મુશ્કેલી પડી રહી છે. જેને કારણે અમે હેન્ડવોશ સ્ટેશનનો પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે. હાલ શહેરના છેવાડે આવેલી દુમાડ પોલીસ ચોકી ખાતે શહેરનું પ્રથમ હેન્ડવોશ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે. આગામી સમયમાં 10 જેટલી વિવિધ જગ્યા ઓ પર હેન્ડવોશ સ્ટેશન મુકવામાં આવશે.

શું છે હેન્ડવોશ સ્ટેશનની ખાસીયત

હેન્ડવોશ સ્ટેશનની ખાસીયત જણાવતા ડો.સુનિત ડબકેએ જણાવ્યું કે, હેન્ડવોશ સ્ટેશનમાં એક માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 100 લિટરની ક્ષમતા વાળી પાણીની ટાંકી મુકવામાં આવી છે. ટાંકીમાંથી પાણીનું કનેક્શન વોશ બેઝીનમાં આપવામાં આવ્યું છે. બે વોશ બેઝીન બેસાડવામાં આવ્યા છે. પોલીસ ચોકી પર ફરજ બજાવતા 30 જેટલા કર્મીઓને હેન્ડવોશ સ્ટેનનો લાભ મળશે.

પર્યાવરણને ધ્યાનમાં રાખીને હેન્ડવોશ સ્ટેશનમાં ઉપયોગમાં લેવાયોલું પાણી વપરાશે

હેન્ડવોશ સ્ટેશનની આસપાસ 10 જેટલા છોડવા વાવવામાં આવ્યા છે. સાબુ વાળા પાણીથી હાથ ધોયા બાદ પાણી સીધું છોડવામાં જશે. સાબુમાં ફોસ્ફરસ હોય છે. અને છોડના ગ્રોથમાં ફોસ્ફરસનો મહત્વની ભુમિકા હોય છે. હેન્ડવોશ સ્ટેશનમાં ઉપયોગમાં લેવાયેલા સાબુનું પાણી છોડવામાં જવાને કારણે તેનો ગ્રોથ થશે. હેન્ડવોશ સ્ટેશનમાં રાખેલી પાણીની ટેન્કની ક્ષમતા 100 લીટર છે. દુમાડ પાસે કાર્યરત સ્ટેશનમાં એક અઠવાડિયામાં બે વખત ભરવું પડશે.

કેવી રીતે હેન્ડવોશ સ્ટેશન કામ કરશે 

ડો સુનિત ડબકેએ ઉમેર્યું હતું કે, આગામી સમયમાં શહેરના છેવાડા આવેલા વિસ્તારોમાં જ્યાં હાથ ધોવાની સુવિધા ઉપલબ્ધ નથી ત્યાં હેન્ડવોશ સ્ટેશન મુકવામાં આવશે. બીજા તબક્કામાં જીએસએફસી ચોકડી, સાવલી-મંજુસર, પાદરા, ગોલ્ડન ચોકડી ખાતે હેન્ડવોશ સ્ટેશન મુકવામાં આવશે. હેન્ડવોશ સ્ટેશનમાં ગવર્નમેન્ટ, સેમી ગવર્નમેન્ટ અને એનજીઓ ને સાંકળીને પ્રોજેક્ટનું અમલીકરણ કર્યો છે. હેન્ડવોશ સ્ટેશનમાં પાણીની સુવિધા જાળવવાની જવાબદારી ગ્રામ્ય સરપંચને સોંપાઇ છે. હેન્ડવોશ સ્ટેશનના સામાનની જાળવણી ફરજ બજાવતા કર્મીઓ દ્વારા કરાશે અને પ્રોજેક્ટ લાગુ કરવામાં એન.જી.ઓ. દ્વારા મહત્વની ભુમીકા ભજવવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !