• ડો. વિજય શાહની પ્રમુખ પદે વરણી થયા બાદ શહેર ભાજપના અનેક માધાંતાઓના પેટમાં તેલ રેડાયું છે.
  • ભાજપા કાર્યાલયમાં જન્મદિવસની ઉજવણી મામલે મહામંત્રી સુનિલ સોલંકી સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાયાના બીજા દિવસે ડો. વિજય શાહની કટાક્ષમય પોસ્ટ.
  • ભાજપના રાજમાં ભાજપના કાર્યાલયમાં ભાજપના મહામંત્રીના જન્મદિવસની ઉજવણી અંગે પોલીસે ફરિયાદ કેમ નોંધવી પડી? ટોક ઓફ ધ ટાઉન.

#Vadodara – શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહની વક્રવાણી : “પોલીસ અન્ય ઘટનાઓમાં પણ “નિષ્પક્ષ” તપાસ કરે તેવી આશા રાખુ છું”

ચિંતન શ્રીપાલી/WatchGujarat. લગભગ છેલ્લાં ત્રણેક દાયકાથી વડોદરા મહાનગર સેવાસદન પર એકહથ્થુ શાસન ચલાવતાં ભાજપામાં હાલ આંતરિક જૂથબંધી ચરમસીમાએ પહોંચી હોય તેવું સ્પષ્ટ જણાય છે. શહેર ભાજપ પ્રમુખ પદે ડો. વિજય શાહની વરણી થયા બાદ શહેર ભાજપના અનેક માધાંતાઓના પેટમાં તેલ રેડાયું છે એ દિવા જેવી સ્પષ્ટ વાત છે. તેના જ કારણે, ગત તા. 2 ડિસેમ્બરના રોજ ભાજપના કાર્યાલયમાં ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીના જન્મદિવસની ઉજવણીનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ સમગ્ર પ્રકરણ બાદ આજે નવનિયુક્ત શહેર પ્રમુખ ડો. વિજય શાહે વક્રવાણી ધરાવતી પોસ્ટ સોશિયલ મિડીયામાં શેર કરી છે.

ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ પોલીસ વિભાગ અને તેની મહત્વની બ્રાન્ચો સરકારના ઇશારે જ ચાલે છે તે વાતથી સૌઉ કોઇ સારી રીતે વાકેફ છે. સત્તા અને પાવરનો ઉપયોગ દરેક રાજકારણી કરતો જ હોય છે. અને છેવટે પોલીસે સુડી વચ્ચે સોપારીની જેમ પીસાવું પડતું હોય છે. ગાંધીનગરની ગુડબુકમાં રહેવા માટે, રાજકીય મોટા માથાઓની સૂચનાનું પાલન કરીને પોલીસ અધિકારીએ ફરજ બજાવ્યાનો સંતોષ પ્રાપ્ત કરવો પડે છે. જોકે, હાલ વડોદરા ભાજપાનાં આંતરિક રાજકારણમાં જોરદાર વૈશાખી વાયરો ફૂંકાઈ રહ્યો છે. ત્યારે, કોને સાચવવા? અને કોને નહીં? એ નક્કી કરવું પોલીસ અધિકારીઓ માટે માથાના દુઃખાવા સમાન બની રહ્યું છે.

શહેરના નવનિયુક્ત મહામંત્રી સુનિલ સોલંકી દ્વારા ગત તા. 2 ડિસેમ્બરના રોજ મનુભાઈ ટાવર ખાતેના ભાજપા કાર્યાલયમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન કોવિડની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવાનો મુદ્દો હાલ ચર્ચામાં છે. ત્યારે એમ જરૂર કહી શકાય કે, કોરોના કાળમાં રાજકીય અગ્રણી દ્વારા કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવાનો આ પહેલો કિસ્સો તો નથી જ. વડોદરા સહિત રાજ્યભરમાં સંખ્યાબંધ રાજકીય અગ્રણીઓ દ્વારા ટોળાં એકઠાં કરવામાં આવ્યા છે, ગાઈડલાઈનનું છડેચોક ઉલ્લંઘન કરાયું છે પરંતુ, પોલીસ દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા છે. ત્યારે મહામંત્રી સુનિલ સોલંકીના કેસમાં પોલીસને લાલ આંખ કરવાની હિંમત ક્યાંથી આવી?

ભાજપા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત થયા બાદ સી. આર. પાટીલ દ્વારા સંખ્યાબંધ વખત કોવિડની ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસ મુકસાક્ષી બની રહી હતી. તેમજ સી. આર. પાટીલ સામે પગલાં લેવાય તે અંગે ઉંહકારો કરવાની પણ કોઈ ભાજપી નેતાએ હિંમત દાખવી નહોતી. જ્યારે ડો. વિજય શાહને શહેર ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા બાદ રાજકારણમાં વિચિત્ર ગરમાવો આવી ગયો હતો. એક તરફ જૂના અને પીઢ કાર્યકરોમાં ખુશી હતી, તો બીજી તરફ નિરાશા પણ હતી. વાત આટલે જ અટકી નહીં, ડો. વિજય શાહ પ્રમુખ બનતા જ તેમને NO REPEAT થીયરી અપનાવી પોતાની ટીમ તૈયાર કરી હતી. જેના કારણે પણ શહેરના અનેક નેતાઓના પેટમાં તેલ રેડાયુ હતુ.

જેમના પેટમાં તેલ રેડાયુ એવા નેતાઓ એક ચોક્કસ તકની રાહ જોઇ બેઠા હતા. અને તે સમય ગત તા. 2 ડીસેમ્બરે આવી ગયો હતો. આ દિવસે શહેરના પૂર્વ મેયર અને નવનિયુક્ત મહામંત્રી સુનિલ સોલંકીનો જન્મ દિવસ હતો. જેથી મોટી સંખ્યામાં કાર્યકરો તેમના જન્મદિનની ઉજવણી કરવા માટે સયાજીગંજ સ્થિત મનુભાઇ ટાવર ખાતે આવેલા BJP કાર્યાલાય ખાતે પહોંચ્યાં હતા. જ્યાં કેક કટીંગ કરી સુનિલ સોલંકીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સુનિલ સોલંકી અને કાર્યકરો ભાન ભૂલ્યાં હતા તે વાતને નકારી શકાય તેમ નથી.

સુનિલ સોલંકીના જન્મદિનની ઉજવણીના વિડિયોને લઇને એક ચોક્કસ લોબી એક્ટીવ થઇ હતી. અને તેમણે સુનિલ સોલંકીને રાજકારણનો શિકાર બનાવ્યા હોવાની ચર્ચા છે. આ મામલે વડોદરા પોલીસે કોઇની પણ શરમ રાખ્યાં વિના કાયદાનુ પાલન કરાવવા અને કાયદો રાજનેતા અને નાગરીકો માટે એક સરખો જ હોય છે, તે ભાન અપાવવા માટે શહેર ભાજપના મહામંત્રી સુનિલ સોલંકી સહીત ચાર વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગ, એપેડેમિક એક્ટ સહીતની કલમોનો ઉમેરો કરી ગુનો નોંધ્યો અને 6 વ્યક્તિઓની અટાકયત પણ કરી હતી.

(સુનિલ સોલંકી અને લકધીરસિંહ ઝાલાની સયાજીગંજ પોલીસે અટકાયત કરી જામીન મુક્ત કર્યા હતા )

એકને ખુશ કરવામાં બીજો નારાજ ન થાય તેનુ ખાસ ધ્યાન આ કિસ્સામાં પોલીસ દ્વારા રાખવામાં આવ્યું છે. જેથી ફરીયાદમાં નોંધાયેલા નામો પૈકી માત્ર પ્રતિક પંડ્યાની જ પોલીસે અટકાયત કરી હતી. જ્યારે મહામંત્રી સુનિલ સોંલકી, લકધીરસિંહ ઝાલા અને મીનેશ પંડ્યા શહેરમાં જ હોવા છતાં પોલીસે આંખ આડા કાન કરી દીધા હતા. સ્વાભાવિક છે ફરીયાદ નોંધાઇ અને તેના છાંટા સીધ્ધા શહેર પ્રમુખ ઉપર ઉડ્યાં, જેથી તેઓ નારાજ થાય તે પણ સ્વાભાવિક છે, તેવામાં ગત રોજ ભાજપને શર્મસાર કરતી ઘટના અંગે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા સોશિયલ મિડીયામાં એક કટાક્ષ ભરી પોસ્ટ લખવામાં આવી છે, જેમાં તેમણે ખૂબ જ સ્પષ્ટ પણે લખ્યું છે કે, ‘કોરોના સામેની જંગમાં વડોદરા શહેર પોલીસની કાર્યવાહીને સમર્થન આપું છુ અને પોલીસ અન્ય ઘટનાઓમાં નિષ્પક્ષ કાર્યવાહી કરશે તેવી આશા રાખું છુ.’

ડો. વિજય શાહ દ્વારા મુકવામાં આવેલા આ પોસ્ટ દરશાવે છે કે, ગત રોજ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી તેઓ કેટલીક હદે નારાજ છે. અને પોલીસ અન્ય ઘટનાઓમાં નિષ્પક્ષ કાર્યવાહી કરશે તેવો કટાક્ષ કર્યો છે.

More #ડો. વિજય શાહ #President #BJP # Vadodara City

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud