• મંજસુર GIDCમાં હડતાલમાં ન જોડાતા કંપનીના સુપરવાઇઝર અને ક્વોલિટી ઇન્સ્પેક્ટરને કર્મચારીઓએ ઢોર માર માર્યો
  • રાત્રીના સમયે બંને નોકરી પરથી પરત ફરતા હતા, ત્યારે 4 કર્મચારીઓ સહિત 9 લોકોએ હુમલો કર્યો
  • કર્મચારીઓએ બૂમાબૂમ કરતા હુમલાખોરો નાસી છૂટ્યા
  • ઇજાગ્રસ્ત હાલતમાં બંનેને શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
  • પોલીસે તમામ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં
  • એક મહિના પહેલા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
  • સમા પોલીસે હુમલાખોર ટોળા સામે મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો


વડોદરા. શહેર પાસે આવેલી મંજુસર GIDCની કંપનીમાં કર્મચારીઓની હડતાલમાં ન જોડાતા કંપનીમાં ફરજ બજાવતા સુપરવાઇઝર અને ક્વોલિટી ઇન્સ્પેક્ટરને કર્મચારીઓએ ઢોર મારમાર્યો હતો. જેથી બંનેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમા પોલીસે હુમલાખોર ટોળા વિરૂદ્ધ ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

મૂળ બિહારના વતની અને હાલ વડોદરા શહેરના સમા વિસ્તારની ધરતી ટેનામેન્ટમાં રહેતા અનિલ કુમાર યાદવ મંજુસર GIDC ખાતે આવેલી એનબીસી બેરિંગ કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે, તેમનો મિત્ર અનિલ પ્રજાપતિ આ જ કંપનીમાં ક્વોલિટી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. બે દિવસ અગાઉ તેઓ રાબેતા મુજબ બસમાં નોકરી પર ગયા હતા અને રાત્રીના સમયે પરત ફર્યા હતા. આ સમયે બંને વ્યક્તિઓ પગપાળા પરત ઘરે જઇ રહ્યા હતા, ત્યારે બે શખ્સ ધસી આવ્યા હતા અને માચીસની માંગણી કરી હતી અને અચાનક તેની સાથે બીજા 8 જેટલા વ્યક્તિઓ લાકડી અને દંડા સાથે દોડી આવ્યા હતા અને કંપનીના બંને કર્મચારીઓને ઢોર માર માર્યો હતો, જેથી કર્મચારીઓએ બૂમાબૂમ કરતા હુમલાખોરો નાસી છૂટ્યા હતા.

ઇજાગ્રસ્ત બંને કર્મચારીઓને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલાખોરોમાં રાકેશકુમાર જગદીશ પ્રસાદ, રાહુલ જાટ, સચિન સુરેલીયા, ચાવીટ મિલ, સુભાષકુમાર મોહનલાલ (તમામ રહે, સમા, વડોદરા) અને બીજા અજાણ્યા 5 જેટલા શખ્સનો સમાવેશ થાય છે. જેને પગલે સમા પોલીસે હુમલાખોર ટોળા વિરૂદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને તમામ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક મહિના અગાઉ કંપનીમાં નોકરી કરતા સચિન સુરેલીયા અને ચાવીટ મિલએ સુપરવાઇઝર અને ક્વોલિટી ઇન્સ્પેકટરને ધમકાવતા જણાવ્યું હતું કે, ‘અમે હડતાળના કારણે નોકરીએ જતા નથી, તો તમે નોકરી પર કેમ જાઓ છો, તમે પણ અમારી સાથે હડતાલ માં જોડાવો નહીં તો જાનથી મારી નાખીશું. પરંતુ તે બનેએ નોકરી ચાલુ રાખી હતી તે બાબતની રીસ રાખી હુમલાખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !