• વાઘોડિયા રોડની સોસાયટીના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું
  • 492 ગ્રામ સોનાના દાગીના, 150 ગ્રામ ચાંદીના દાગીના સાથે રોકડ પણ ઉઠાવી ગયા

વડોદરા. વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા ગવર્મેન્ટ રોડ કોન્ટ્રાક્ટર કામ અર્થે ઘર બંધ કરીને બહાર ગયા હતા. દરમિયાન બંધ ઘરમાંથી તસ્કરોએ 492 ગ્રામ સોનાના દાગીના અને 150 ગ્રામ ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ 9.93 લાખની મતાની ચોરી કરતાં પોલીસ બેડામાં દોડધામ થઇ ગઇ હતી.

ઉમા ચાર રસ્તા પાસે સુખધામ હવેલી નજીક ચંદનબાળા સોસાયટીમાં રહેતા ગવર્મેન્ટ રોડ કોન્ટ્રાક્ટર મિતેન નવીનચંદ્ર શાહે પાણીગેટ પોલીસને જણાવ્યું હતું કે, તા. 21ની સાંજે તેઓ અને તેમના બંને બાળકો ધંધાના કામ માટે વતન પાવીજેતપુર જવા નીકળ્યા હતા. તેમનાં સાસુ સસરાની તબિયત સારી ન હોવાથી તેમની પત્ની પણ મકાન બંધ કરી માંજલપુર પિયરમાં ગયા હતા.

બીજા દિવસે તેઓ પાવીજેતપુરમાં હતા. ત્યારે તેમની પત્નીએ ફોન કરીને જાણ કરી હતી કે, તેઓ માંજલપુરથી સવારે ઘરે આવ્યા ત્યારે જોયું કે મકાનના મુખ્ય દરવાજાનું તાળું અને નકુચો તૂટેલો છે. જેથી તેઓ તાત્કાલિક પાવી જેતપુરથી વડોદરા દોડી આવ્યા હતા. તેમણે ઘરમાં તપાસ કરતા ઉપરના માળે બનાવેલ માસ્ટર બેડરૂમમાં રહેલા લાકડાના કબાટમાંથી 17 થી 20 વર્ષ જૂના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઇ હતી. તસ્કરોએ સોનાંના ઘરેણાં, ચાંદીના ઘરેણાં તેમજ પૂજાના વાસણો અને 7 હજાર રોકડાની ચોરી કરી હતી. તસ્કરોએ તેમના કબાટનું લોક તોડી સોનાના 492 ગ્રામ દાગીના, 150 ગ્રામ ચાંદીના દાગીના, રોકડ 7 હજાર મળી કુલ 9.93 લાખની ચોરી કરી નાસી ગયા હતા. તેમણે પાણીગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud