• ફાઇનાન્સર અલ્પેશ પટેલ અપમૃત્યુ કેસમાં 4 આરોપીઓની આગોતરા જામીન અરજી પર વધુ સુનવણી 2 નવેમ્બરે યોજાશે
  • અલ્પેશ પટેલના આપઘાત બાદ પોલીસે તમામની ભાળ મેળવવા ટીમ બનાવી હતી, એકપણ આરોપીની ધરપકડ ન થઇ શકી
  • 4 આરોપીઓએ આગોતરા જામીન મેળવવા માટે કરી કોર્ટમાં અરજી
મૃતક અલ્પેશ પટેલની ફાઇલ તસ્વીર

વડોદરા. સયાજીગંજ વિસ્તારમાં આવેલી અમિટી હોટલમાં અમદાવાદના ફાઇનાન્સરે ગત તા. 6 ઓક્ટોબરના રોજ ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું. ફાઇનાન્સર અલ્પેશ પટેલે આપઘાત કરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં ભાગીદાર સહિત 10 માથાભારે શખ્સોના નામનો ઉલ્લેખ કર્યો હતો. અલ્પેશ પટેલને રૂપિયા માટે સતત દબાણ અને ધાક ધમકી આપનાર શખ્સોને વડોદરા પોલીસે ઝડપી પાડવા અમદાવાદમાં ધામા નાંખ્યા હતા. પરંતુ એક પણ આરોપી પોલીસના હાથે લાગ્યો ન હતો. જો કે આ મામલે અલ્પેશ પટેલની સ્યુસાઇડ નોટમાં લખાયેલા 10 પૈકી 4 લોકોએ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. જે અંગેની વધુ સુનવણી આગામી 2 નવેમ્બરના રોજ યોજાશે.

અમદાવાદના ફાઇનાન્સર અલ્પેશ પટેલે ભાગીદારો સહિત અન્ય માથાભારે શખ્સોના રૂપિયા આપવાના દબાણને કારણે અમીટી હોટલમાં ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. આપઘાત પહેલા લખેલી સ્યુસાઇડ નોટ પોલીસના હાથે લાગતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સ્યુસાઇડ નોટના આધારે પોલીસે અલ્પેશ પટેલના ભાગીદરો સહિત 10 લોકો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

સ્યુસાઇડ નોટમાં લખેલા લોકોને ઝડપી પાડવા પોલીસે વિવિધ ટીમ બનાવી અમદાવાદમાં લાંબા સમય સુધી તપાસ કરી હતી. પરંતુ 10 પૈકીનો એક પણ આરોપી પોલીસના હાથે લાગ્યો ન હતો. જેથી તમામને જવાબ રજુ કરવા પોલીસે નોટીસ ફટકારી હતી. જો કે અલ્પેશ પટેલ અપમૃત્યુ કેસમાં સંડોવાયેલા તમામ મોટુ રાજકીય પીઠબળ ધરાવતા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

દરમિયાન આ મામલે સંડોવાયેલા 10 પૈકીના ભરતસિંહ વિક્રમસિંહ જોધા, અનિરૂદ્ધસિંહ દિલીપસિંહ વાઘેલા, ભરતભાઇ ભુતિયા અને નાગાર્જુન મોઢવાડિયાએ વડોદરા ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી મુકી હતી. એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજ આર. ટી પંચાલની કોર્ટમાં મામલે વધુ સુનવણી 2 નવેમ્બરના રોજ કરાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud