• કોરોના કાળમાં યુવાનોના અનેક સાહસ સામે આવ્યા
  • વડોદરાના યુવાનોએ કારને સેનેટાઇઝ (જંતુમુક્ત) કરવા માટે લોકડાઉનથી અનલોક સુધીમાં ઇનોવેશન પર કામ કર્યું
  • પાંચ મહિનાની જહેમત બાદ મોબાઇલ એપ્લીકેશ સંચાલિત રોબોટ ઓક્ટોપસ તૈયાર કરવામાં સફળતા મળી
  • ભારત સરકાર દ્વારા રોબોટ ઓક્ટોપસની પેટન્ટને તાજેતરમાં માન્યતા આપવામાં આવી
  • સરકાર તરફથી આર્થિક સહકાર મળે તો પ્રોજેક્ટનું વિસ્તરણ કરી શકાય – ઉદ્યોગસાહસિક યુવરાજસિંહ પરમાર

WatchGujarat. કોરોના કાળમાં લોકો આર્થિક અને શારીરીક રીતે ભાંગી પડ્યાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. જો કે, લોકડાઉન થી અનલોકના સમયગાળા દરમિયાન શહેરના કેટલાક યુવાનો એવા હતા કે જેઓ કોરોનાકાળમાં ઉદ્ભવેલી સમસ્યાના સમાધાન માટે કામ કરી રહ્યા હતા. અને સમયજતા તેઓને સફળતા પણ મળી હતી. વડોદરાના બે ઉદ્યોગસાહસિક યુવાનો યુવરાજસિંહ પરમાર અને મિથીલેશ પટેલ દ્વારા અનોખો સેનેટાઇઝીંગ રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે. રોબોટને ઓક્ટોપસ જેવો અનેક હાથ વાળો બનાવવામાં આવ્યો છે. અને આ રોબોટની મદદથી કારના ઇન્ટીરીયરને ડેમેજ કર્યા વગર કામગીરી કરી શકે છે.

લોકડાઉનમાં બે પ્રકારની સેનેટાઇઝીંગ સીસ્ટમ બનાવી

ઓક્ટોપસ જેવા સેનેટાઇઝીંગ મશીન બનાવનાત ઉદ્યોગસાહસિક યુવાન યુવરાજ પરમારે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોનાના કપરા કાળમાં કોવિડ પોઝીટીવ આવેલા દર્દીઓને લાવવા લઇ જવા માટે અનેક વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોરોનાનો ચેપ બીજે ફેલાય નહિ તે માટે વાહનોને અવાર – નવાર સેનેટાઇઝ કરવાની ફરજ પડી હતી. જેને લઇને સમયની માંગ સમજીને મેં અને મારા પાર્ટનર મિથીલેશ પટેલે લોકડાઉન સમયે એન્ટી બેક્ટેરીયલ સ્ટીમ સેનેટાઇઝીંગ સીસ્ટમ અને એન્ટી બેક્ટેરીયલ કેમીકલ સેનેટાઇઝીંગ સીસ્ટમ બનાવી હતી. અને તેના દ્વારા વાહનોને સેનેટાઇઝ કરવાનું શરૂ કર્યું હતું. જો  કે, સમયજતા વાત ધ્યાને આવી કે કેમીકલની અસરને કારણે વાહનની અંદરનું ઇન્ટીરીયર ખરાબ થતું હતું. જેને લઇને અમને કંઇક ઇનોવેટીવ બનાવવાનો વિચાર આવ્યો હતો.

સેનેટાઇઝીંગ કેમીકલથી કારનું ઇન્ટીરીયર બચાવવા અન્ય વિકલ્પ પર કામ શરૂ

યુવરાજ પરમારે વધુમાં ઉમેર્યું હતું કે, અમારા દ્વારા બનાવવામાં આવેલી સેનેટાઇઝીંગ સિસ્ટમ વધુ ખર્ચાળ અને સમયમાંગી લે તેવી હતી. અને બીજી બાજુ કારોના કાળમાં લોકો પૈસા અને સમય બચે તથા તેની સાથે કારનું ઇન્ટીરીયર પણ સેફ રહે તેવા વિકલ્પની શોધમાં હતા. તો અમે બંનેએ પૈસા, સમયની બચત કરે તથા કારનું ઇન્ટીરીયર સુરક્ષીત રાખે તેવા સેનેટાઇઝરના વિકલ્પ પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં પાંચ મહિના બાદ અમને સફળતા મળી હતી.

પાંચ મહિનામાં ઓક્ટોપસ રોબોટ તૈયાર કરાયું, ત્યાર બાદ પેટન્ટ મળી

યુવરાજે જણાવ્યું હતું કે, પાંચ મહિના સુધી અને અમારૂ એક્સપરીમેન્ટ ચાલુ રાખ્યું હતું. આખરે અમને ઓક્ટોપસ પ્રકારનો રોબોટ તૈયાર કરવામાં સફળતા મળી હતી. રોબોટનું નામ પોર્ટેબલ ઓટોમોબાઇલ ડીસઇન્ફેક્ટેડ ડિવાઇઝ છે. તાજેતરમાં અમે ભારત સરકાર સમક્ષ અમારા રોબોટની પેટન્ટ કરાવવા માટેની એપ્લીકેશન ફાઇલ કરી હતી. જેમાં અમને સફળતા મળી છે. અને ભારત સરકાર દ્વારા પેટન્ટ એપ્રુવ કરી દેવામાં આવી છે.

ઓક્ટોપસ રોબોટ કેવી રીતે કામ કરે છે

ઓક્ટોપસ રોબોટની કામગીરી અંગે મિથીલેશ પટેલે જણાવ્યું હતું કે, પહેલા ઓક્ટોપસ રોબોટને કારમાં મુકવામાં આવે છે. ત્યાર બાદ કારને બંધ કરવામાં આવે છે. ત્યાર બાદ કારમાં રીફ્લેક્ટીવ મટીરીયલ ચઢાવવામાં આવે છે. રોબોટ મોબાઇલ એપ્લીકેશન સંચાલિત હોવાના કારણે પછી મોબાઇલનું બ્લુટુથ ઓન કરવામાં આવે છે. ત્યાર બાદ મોબાઇલ એપ્લીકેશન થકી ઓક્ટોપસ રોબોટ એક્ટીવ થઇ જાય છે.

રોબોટને કારમાં ત્રણ પ્રકારના કમાન્ડ આપી શકાય છે. પહેલા મોડમાં ઓક્ટોપસ એક્ટીવ થાય છે. બીજા મોડમાં કારમાં રહેલી હવા સ્પેશીયલ ચેમ્બરમાંથી પસાર થાય છે. અને આમ કરવાથી ફ્રેશ હવા કારમાં જાય છે. અને હવાનું શુદ્ધીકરણ કરવામાં આવે છે.

ત્યાર બાદ ત્રીજા કમાન્ડમાં જ્યાં લાઇટનો પ્રકાશ ન જઇ શકે તેવી જગ્યાના બેક્ટેરીયાનો નાશ કરવા માટે વિશેષ દ્રવ્યના ધુમાડાનો ઉપયોગ કરવામાં આવે છે. દ્રવ્ય સુગંધિત હોવાના કારણે બેક્ટેરીયાનો નાશ કરવાની સાથે કારનું વાતાવરણ પ્રફુલ્લીત બનાવે છે. ગાડીમાં ઓર્ગેનીક પદાર્થો પડી જવાથી સમયજતા દુર્ગંધ આવતી હોય છે. આ પ્રક્રિયાથી તમામ ફુગ અને બેક્ટેરીયાનો નાશ કરી શકાય છે.

રોબોટ મશીનને લઇને ભવિષ્યમાં શું પ્લાનીંગ છે

યુવરાજ પરમાને ઉમેર્યું હતું કે, ઓક્ટોપસ રોબોટ બનાવવા પાછળ રૂ. 10 હજારનો ખર્ચ થયો છે. અમે, આ પ્રોજેક્ટને ભવિષ્યમાં સારી તક મળી તો કમર્શિયલાઇઝ કરીશું. અત્યાર સુધી આ ઇનોવેશન માટે સરકાર તરફથી અમને કોઇ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. પરંતુ જો તે પ્રકારે સપોર્ટ મળે તો અમારા પ્રોજોક્ટને આગળ લઇ જવામાં મદદરૂપ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહ પરમાર અને મિથીલેશ પટેલ ખુબ જ નાની વયથી ઇનોવેટીવ આઇડીયા પર કામ કરતા હતા.  ઓક્ટોપસ રોબોટ યુવરાજ પરમારનું 22 મું ઇનોવેશન છે. અને મિથીલેશ પટેલનું ઓક્ટોપસ રોબોટ 50 મું ઇનોવેશન છે. બંને યુવાઉદ્યમીઓએ આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં પણ લોકોનું જીવન વધુ સરળ બનાવવા માટે ટેકનોલોજીના આધારે ઇનોવેશન કરવામાં આવશે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud