• સોશિયલ મીડિયામાં ફેમસ થવાની લ્હાયને કારણે અગાઉ પણ અનેક અકસ્માત થયાની ઘટનાઓ સામે આવી હતી
  • ટ્રેનનો ચાલક દૂરથી જ વ્હીસલ લગાવી રહ્યો હોવા છતાં યુવક પોતાનું બાઈક કાઢવામાં મશગૂલ હોવાનો વિડીયો સામે આવ્યો
  • અચાનક ટ્રેન આવી અને બાઈક ત્યાં ફંસાઈ જતા યુવાન મુશ્કેલીમાં મુકાયો

Watchgujarat. સોશિયલ મીડિયામાં ફેમસ થવાની લ્હાયમાં યુવાનો ઘણીવખત ન કરવાનું કરી બેસતા હોય છે. આ પ્રકારની એક ઘટના શહેરના હરિયા કોલેજ વિસ્તારમાં સામે આવી છે. જેમાં રેલવે ટ્રેક પર સેલ્ફી લેવા યુવાન બાઇક સાથે ટ્રેક પર પહોંચ્યો હતો. દરમિયાન અચાનક ટ્રેન આવી જતા યુવકે જેમતેમ કૂદકો મારીને તેનો જીવ બચાવ્યો હતો. પણ બાઈકનો બુકડો બોલી ગયો હતો. આ દ્રશ્યો નજરે જોનારા લોકોના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા. હાલ આ ઘટનાનો વિડીયો ભારે વાયરલ થયો છે.

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રેલવે ટ્રેક પર ટ્રેન પુરપાટ ઝડપે આવી રહી છે. બરાબર આ સમયે જ રેલવે ટ્રેક પર બાઈક ફસાતા એક યુવક તેનું બાઈક સલામત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. ટ્રેનનો ચાલક દૂરથી જ વ્હીસલ લગાવી રહ્યો હોવા છતાં યુવક પોતાનું બાઈક કાઢવામાં મશગૂલ છે. અને  હાથ ઊંચો કરીને બસની જેમ ટ્રેનના ચાલકને હાથ ઊંચો કરી ટ્રેન રોકવાનો ઈશારો કરે છે. જો કે છેલ્લી ઘડીએ બાઈકનો મોહ મૂકી યુવક ટ્રેકની બહાર કૂદી જતા જીવ બચી જાય છે. અને બાઈકનો કચ્ચરઘાણ નીકળી જાય છે. બાદમાં ગણતરીની સેકંડોમાં ટ્રેન પણ રોકાય છે.

જાણવા મળતી વિગતો મુજબ, ફોટોગ્રાફી કરવાનો શોખીન યુવક બાઈક લઈને હરિયા કોલેજ નજીકથી પસાર થતા રેલવે ટ્રેક પર બાઈક સાથે પહોંચ્યો હતો. યુવાન રેલવે ટ્રેક પર બાઈક સાથે ફોટોગ્રાફી કરી રહ્યો હતો. દરમિયાન અચાનક ટ્રેન આવી અને બાઈક ત્યાં ફંસાઈ જતા યુવાન મુશ્કેલીમાં મુકાયો હતો. અંતમાં બાઈક નહીં કાઢી શકતા પોતે કૂદી ગયો હતો. જો કે બાઈકનો બુકડો બોલી ગયો હતો. લોકો પાયલટે પણ સતર્કતાથી ટ્રેન રોકી દીધી હતી. હાલ પોલીસે રેલવે ટ્રેક પર બાઈક સાથે જોખમી ફોટોગ્રાફી કરનાર આ યુવકની શોધખોળ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud