• ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે લાગતી એમ્બ્યુલન્સની લાઈનોમાં ઘટાળો
  • કોર્પોરેશનના જુદા-જુદા ટેસ્ટિંગ સેન્ટરો પરની કતારો પણ દૂર થઇ
  • મૃત્યુદર આજે પણ યથાવત છે. 

WatchGujarat. શહેરમાં સતત વધતા કોરોના સંક્રમણમાં આજે આંશિક રાહત જોવા મળી છે. જેમાં શહેરનાં ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે લાગતી એમ્બ્યુલન્સની લાઈનો અદ્રશ્ય થઈ ગઈ છે. તો સાથે જ કોર્પોરેશનનાં જુદા-જુદા ટેસ્ટિંગ સેન્ટરો ઉપર લાગતી કતારો પણ દૂર થઈ જતા રાહત અનુભવાઈ રહી છે. જો કે મૃત્યુદર આજે પણ યથાવત રહેતા વધુ 76 લોકોના કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

જાણવા મળી રહેલી વિગતો અનુસાર, શહેરમાં જુદા જુદા સ્થળોએ મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટિંગ સેન્ટરો શરૂ કરાયા હતા. દરરોજ રાજકોટીયનો મોટી સંખ્યામાં આ બુથ પર ટેસ્ટિંગ કરાવવા ઉમટી પડતા હતા. જેને લઈને લાંબી લાઈનો લાગી હતી. જેમાં પણ શહેરનાં પોષ વિસ્તાર ગણાતા કેકેવી ચોકમાં લોકોની ઘણી મોટી કતારો જોવા મળતી હતી. જો કે આજે આ લાઈનોમાં મોટો ઘટાડો થયો છે. અને ગણ્યા ગાંઠ્યા લોકો ટેસ્ટિંગ કરાવવા આવ્યા હતા. જેને લઈને તંત્રએ પણ હાંશકરો અનુભવ્યો છે.

બીજીતરફ છેલ્લા ઘણા દિવસથી સિવિલ હોસ્પિટલમાં જાવા માટે એમ્બ્યુલન્સમાં દર્દીઓની લાંબી લાઈનો લાગતી હતી. અને કલાકો સુધી કતારમાં રહ્યા બાદ દર્દીને હોસ્પિટલમાં જગ્યા મળતી હતી. પરંતુ તંત્રના સઘન પ્રયાસો બાદ આજે આ લાઈનો અદ્રશ્ય થઈ હતી. અને સવારથી જ ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં એકપણ એમ્બ્યુલન્સ જોવા મળી નહોતી. તો સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીઓને રાહ જોવી પડતી નથી. જેને લઈ શહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ઘટી રહ્યું હોવાની આશા જાગી છે.

શહેરની સમરસ કોવિડ હોસ્ટેલ ખાતે કોરોના દર્દીઓ માટે અવનવા પ્રયોગો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ કાઉન્સલિંગ માટેની ખાસ ટીમો કાર્યરત છે. સાથે જ દર્દીઓ રોગ ભૂલી શકે તે માટે ભજન-ગરબા-ડાન્સની રમઝટ પણ બોલાવવામાં આવી રહી છે. ત્યારે આજે પણ સમરસ કોવિડ સેન્ટર ખાતે દર્દીઓનું મનોરંજન કરાયું હતું. આ તકે સ્ટાફનાં લોકોએ પોતે પીપીઈ કીટ પહેરી રાસ લઈ દર્દીઓને રોગ ભુલાવવા પ્રયાસ કર્યો હતો. જેને લઈને

દર્દીઓ પણ પોતાનું દુઃખ ભૂલી બેડ પર બેઠા-બેઠા ઝૂમી ઉઠયા હતા. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના પ્રયાસોથી સમરસ હોસ્ટેલનાં દર્દીઓ ઝડપથી રિકવર થઈ રહ્યા છે.

જોકે શહેરમાં નવા કેસની સંખ્યા ઘટવા છતાં મૃતકની સંખ્યા હજુપણ યથાવત છે. અને ગઈકાલે સવારનાં 8 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં જ કોરોનાની સારવાર દરમિયાન વધુ 76 દર્દીઓના મોત નિપજ્યા છે. આ મોત પૈકી કોરોનાને કારણે કેટલા લોકોના મોત થયા છે તે અંગે આખરી નિર્ણય સરકારી ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવાશે. ગઈકાલે થયેલા 72 મોત પૈકી માત્ર 14 મોત કોરોનાથી થયા હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud