• હવામાન વિભાગની આગાહી, આગામી 23 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે
  • રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
  • રાજ્યમાં વરસાદની આગાહીના પગલે SDRFની 11 ટીમ અલર્ટ મોડ પર

WatchGujarat. ગુજરાતમાં આગામી 23 જુલાઈ બાદ ભારે વરસાદના એંધાણ દેખાયા છે. મળતી વિગતો અનુસાર રાજ્યના હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં સારા વરસાદની આગાહી કરી છે. જે મુજબ, આગામી 23મી જુલાઈએ ફરી એક વાર બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. આ પછી ગુજરાતમાં સારો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.

હવામાન વિભાગનું માનીએ તો, રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. પ્રાપત માહિતી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી શકે છે. આ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળશે. જેને પગલે SDRFની 11 ટીમ અલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

આ આગાહી મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની મહેર જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં સામાન્ય હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મહેસાણા, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં આગામી 23 જુલાઈએ લો પ્રેશર સર્જાવાને લઈને હવામાન વિભાગે ચાર દિવસ માટે માછીમારોને દરિયો ના ખેડવા માટે પણ સૂચના આપી છે.

ઉલ્લેખનીય છે કે આગાહીને પગલે NDRFની કુલ 15 ટીમમાંથી 8 ટીમ પણ ડિપ્લોય કરી દેવામાં આવી છે. જેમાં વલસાડ, સુરત, નવસારી, ગીરસોમનાથ, જૂનાગઢ, કચ્છ, મોરબી ખાતે એક એક ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. સાથે જ વડોદરામાં 6 ટીમ અને ગાંધીનગર ખાતે 1 ટીમ રીઝર્વ રાખવામાં આવી છે. નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud