• જેસીબી ભાડે આપતા યુવકને એસએમએસ આવ્યા બાદ યુવતિ સાથે સંબંધ બાંધવાનું ભારે પડ્યું
  • યુવાનને મેસેજ વાંચીને તેમાં રસ પડતા રીપ્લાય કર્યો
  • માજા માણવાની ઘેલછામાં યુવાને નેટ બેંકિંગ તથા આંગડિયા મારફતે રૂા. 1,29 કરોડ જેટલી માતબર રકમ 14 જુદા-જુદા આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર કર્યા
  • સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા વધુ કાર્યવાહી શરૂ કરી

Watchgujarat. સોશિયલ મીડિયામાં આવતી લોભામણી જાહેરાતોથી છેતરપીંડીનાં અનેક કિસ્સાઓ અગાઉ સામે આવી ચુક્યા છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગોંડલનાં યુવાનને હાઈ પ્રોફાઈલ યુવતિ સાથે મજા કરવાનો મેસેજ મળ્યો હતો. બાદમાં યુવાને મેસેજનો રીપ્લાય કરી હાઈ પ્રોફાઈલ યુવતિની સાથે ડેટિંગ કરવા અને સેક્સ માણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેને પગલે જુદા-જુદા 14 જેટલા શખ્સોએ નેટ બેંકિંગ તથા આંગડિયા મારફતે આ યુવાન પાસેથી રૂા. 1.29 કરોડ ખંખેરી લીધા હતા. જો કે બાદમાં આ યુવાનને પોતે છેતરાયાનો અહેસાસ થતા પોલીસ પાસે મદદ માંગી છે.

જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં ગુંદાળા રોડ પર બ્રહ્માણી પાર્કમાં રહેતો અને ખેતી કામ કરતો તથા JCB ભાડે આપવાનો ધંધો કરતા અશ્ર્વિન વિરપરીયા ગત તા. 29/02/20 નાં રોજ મહારાષ્ટ્રથી કામ પરથી પરત ગોંડલ આવતો હતો. ત્યારે અમદાવાદ પહોંચતા તેના મોબાઈલ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં લખેલ હતું કે હાઈ પ્રોફાઈલ વી.આઈ.પી મેમ સાથે ડેટિંગ કે મીટીંગ અથવા સેક્સમાં ઇન્ટરેસ્ટ હોય તો આપનું નામ અને સીટીનું નામ જણાવો. યુવાનને મેસેજ વાંચીને તેમાં રસ પડતા રીપ્લાય કર્યો હતો. જેમાં પ્રથમ મેમ્બરશિપ માટે તેને રૂ.2500 ભરવાનું કહેતા યુવાને નેટ બેંકિંગ મારફતે મોબાઈલમાંથી ઉપરોક્ત મોબાઈલ નંબર પર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

જો કે આ રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ તે નંબર તો બંધ થઈ ગયો હતો. ત્યારબાદ યુવાનને જુદા-જુદા લોકોના ફોન આવવા લાગ્યા હતા. અને અલગ-અલગ રકમની માંગણી થવા લાગતા હાઈ પ્રોફાઈલ યુવતિ સાથે માજા માણવાની ઘેલછામાં યુવાને નેટ બેંકિંગ તથા આંગડિયા મારફતે રૂા. 1,29,33,900 જેટલી માતબર રકમ 14 જુદા-જુદા આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આમ છતાં યુવાનને હાઈપ્રોફાઈલ વીઆઈપી મેમ સાથે ડેટિંગ મીટીંગ અથવા સેક્સ બાબતે કોઈ જવાબ નહીં મળતા પોતે છેતરાયો હોવાનું માલુમ પડ્યું હતું.

સમગ્ર મામલે યુવાને ગોંડલ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે દાનીશ પટેલ, કેરાજ ભાટી, આર્યન યાજ્ઞિક, શિક્ષા બક્ષી, અભિષેક, જોસેફ એન્થની, કમલેશ, કૌશલ, એવલ, અલ્પેશ, કેશવ, રોહન પવાર, નિમેશ સોની, રમેશ સહિત 14 જેટલા મોબાઈલ નંબર પરથી ફોન કરનાર શખ્સોનાં નામ આપ્યા છે. જેને લઈને પોલીસે આ તમામની વિરુદ્ધ હનીટ્રેપ અને છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud