• પ્રેમસ્વરૂપ સ્વામી, સંતો અને ભક્તોએ અસ્થિપુષ્પો પ્રવાહિત કર્યાં
  • કિશોરવયમાં હરિપ્રસાદ સ્વામીજી નર્મદા કિનારે આશ્રમોમાં સેવા કરેલી
  • હઠ, માન, ઈર્ષ્યાના ભાવોને વિદાય આપીને જીવનસમૃદ્ધ કરીએ-પ્રેમસ્વરૂપ સ્વામી

WatchGujarat. યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં દિવ્ય અસ્થિપુષ્પોને આજે નીલકંઠધામ-પોઈચા ખાતે નર્મદા નદીમાં વિસર્જિત કરવામાં આવ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં સંતો અને ભક્તો હાજર રહ્યા હતા. તમામની ઉપસ્થિતિમાં પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામી અને સંતોએ અસ્થિપુષ્પોને જળપ્રવાહમાં સમર્પિત કર્યા હતા. આ સમયે ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ હરિદ્વાર ખાતે ગંગા નદીમાં, ગોંડલ ખાતે ગોંડલી નદીમાં, ગઢડા ખાતે ઘેલાનદીમાં, જુનાગઢ ખાતે નારાયણ ધરામાં અને ભાદરા ખાતે ઉંડ નદીમાં અસ્થિપુષ્પોને વિસર્જિત કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ સ્વામિનારાયણ મહામંત્રના રટણ સાથે પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજીએ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અસ્થિપુષ્પોને જળપ્રવાહમાં સમર્પિત કર્યા હતા. જે માટે નર્મદા નહીના પ્રવાહમાં વિશેષ કામચલાઉ જેટીનું નિર્માણ કરીને સુશોભન કરાયું હતું. આ સમયે પૂજ્ય સંતવલ્લભસ્વામી, પૂજ્ય પ્રબોધજીવન સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી, પૂજ્ય હરિપ્રકાશ સ્વામી સહિતના વડીલ સંતો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે આશીર્વચનમાં પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજીએ કહ્યું હતું કે, પ્રભુદાસભાઈથી હરિપ્રસાદ સ્વામી સુધીની યાત્રામાં નર્મદામૈયાના કિનારાનું વિશિષ્ટ મહત્વ છે. આ એ પુણ્યભૂમિ છે જ્યાં કિશોરવયમાં પ્રભુદાસભાઈ વેકેશન દરમિયાન આશ્રમોમાં સેવા માટે મિત્રો સાથે પધારતા હતા. આ દિવ્યતીર્થમાં જે સંકલ્પ-પ્રાર્થના કરીએ તે પ્રભુ સાકાર કરે. સ્વામીજી રાજી થાય તેવી આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરવાનો છે. હરિપ્રસાદ સ્વામીજી એમનાં દાસત્વ, સુહ્યદભાવ અને આત્મીયતાનાં યુગકાર્યથી આપણી વચ્ચે સદૈવ રહ્યા છે અને રહેવાના છે. નકારાત્મકતાને જીવનમાંથી વિદાય કરવી છે. સ્વામીજીએ દર્શાવેલા માર્ગ ઉપર યાત્રા કરીને પ્રભુમય અને પ્રભુમાન્ય જીવન તરફ આગળ વધવાનું છે. એજ એમનાં પ્રત્યે ગુરુઋણ અદા કર્યું કહેવાશે.

MlA Shailesh Sotta & Mp Mansukh Vasava
MlA Shailesh Sotta & Mp Mansukh Vasava

સ્વામીજીએ વધુમાં કહ્યું કે, આત્મીય સમાજના સહુ સંતો-મુક્તોનાં જીવનની પ્રત્યેક પળ પ્રભુવાસિત બને તે હરિપ્રસાદ સ્વામીજીની જીવનભાવના હતી. હઠ, માન, ઈર્ષ્યાના ભાવોને નર્મદામાં પ્રવાહિત કરી દેવા છે. માત્રને માત્ર સ્વામીજીના થઈને રહેવું છે. એમની કરૂણા અપાર છે. આજે જે પ્રાર્થના કરીશું એ સાકાર થવાની છે. એ કરૂણાનાં પ્રવાહમાં સ્નાન કરીને જીવનને મંદિરસમ બનાવવું છે. સ્વામીજીની જીવનભાવના પ્રમાણે સહુ જીવન જીવી શકે તેવી પ્રાર્થના પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજીએ કરી હતી.

MlA Shailesh Sotta & Mp Mansukh Vasava
MlA Shailesh Sotta & Mp Mansukh Vasava

આ સાથે પૂજ્ય પ્રબોધજીવન સ્વામી અને પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજની વિડીયો પરાવાણીનું દર્શન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂજ્ય શ્રી વસંતાનંદજી મહારાજ, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય શૈલેષભાઈ સોટ્ટા, સામાજિક અને રાજકીય અગ્રણી પરિન્દુ ભગત, પૂર્વ ધારાસભ્ય પ્રો.સી.એમ.પટેલ, સહકારી ક્ષેત્રના અગ્રણી સુનિલભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ સહિત વિવિધ ક્ષેત્ર અને પ્રદેશના અગ્રણીઓ તેમજ દેશ-વિદેશના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. સમારોહના અંતે મહાઆરતી કરવામાં આવી હતી. આ સમયે ભક્તો ભાવવિભોર થયા હતા અને વાતાવરણમાં દિવ્યતાની અનુભૂતિ થઈ હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud