• પીડિતાની માતા દ્વારા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની માંગ કરવામાં આવી
  • હું ફરી કહું છું, પીડિતાનો ભાઈ છું અને એમની માતાનો દીકરો છું. આરોપીને પકડીને ટૂંક સમયમાં જ દુનિયા સામે લાવીશું-હર્ષ સંઘવી
  • ડ્રગ્સ માફિયાઓનું અંતિમ સ્થાન લાજપોર જેલ : હર્ષ સંઘવી

WatchGujarat. નવસારીની વિદ્યાર્થિની પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડમાં ગુજરાત ક્વીનમાં કરેલા આપઘાતની ઘટનાના 18 દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે. ત્યારે પીડિતાની માતા દ્વારા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની માંગ કરવામાં આવી છે. આજે સુરતના એક કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હું ફરી કહું છું, પીડિતાનો ભાઈ છું અને એમની માતાનો દીકરો છું. આરોપીને પકડીને ટૂંક સમયમાં જ દુનિયા સામે લાવીશું.

જે નરાધમોએ આ પાપ કર્યું છે એ તમામને ચોક્કસ સજા મળશેઃ હર્ષ સંઘવી

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડોદરામાં જે નરાધમોએ યુવતી સાથે અમાનુષી કૃત્ય કર્યું છે એ તમામને ચોક્કસ સજાકરવામાં આવશે. ભોગ બનનાર પીડિતાની માતા એ જે પ્રકારની વાતો કરી છે હું આજે ફરી એક વખત આશ્વાસન આપું છું કે હું તેમના દીકરા તરીકે અને યુવતીના ભાઈ તરીકે તેને ન્યાય અપાવીશ.

લાજપોર જેલના કેદીઓ માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી

કેદીઓના સબંધીઓ માટે શહેરના અન્ય વિસ્તારોમાંથી સીધા લાજપોર જેલ સુધી બસ સેવા મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઉર્જામંત્રી મુકેશ પટેલે આ સીટી બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. હર્ષ સંઘવીએ દર્દીઓને સમયસર યોગ્ય તબીબી સારવાર મળી રહે તેને ધ્યાનમાં રાખીને એમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરવામાં આવી છે. કેદીઓના સંબંધીને લાજપોર જેલ તેઓને મળવા માટે લાજપોર જેલ સુધી પહોંચવામાં પણ ખૂબ તકલીફ પડતી હતી. જેથી લાજપોર જેલના માટે બસ સેવા મળે તે માટે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ માગ કરી હતી. જેલના 3000 કેદીઓને તબીબી સારવાર માટે ઇમરજન્સી સેવા મળી રહે તે માટે કેદીઓને સિવિલ સુધી લાવવા એમ્બ્યુલન્સ સેવા આપવામાં આવી હતી.

ડ્રગ્સ માફિયાઓનું અંતિમ સ્થાન લાજપોર જેલ : હર્ષ સંઘવી

હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં ડ્રગ્સ સામે સરકારે લડત ઉપાડી છે. રાજ્ય સરકાર દ્વારા અને પોલીસ વિભાગની સતર્કતાથી રાજ્યભરમાં ડ્રગ્સ લાવનારાઓને ઝડપી પાડવા માટે કામગીરી થઇ રહી છે અને તેમાં સફળતા પણ મળી રહી છે. ડ્રગ માફિયાઓ સામે લાલ આંખ કરતા હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ડ્રગ્સ સપ્લાય કરનારાઓ ચેતી જજો, જો ડ્રગ્સ સપ્લાય કરતાં ઝડપાયા તો તેમનું અંતિમ સ્થાન લાજપોર જેલ હશે. હર્ષ સંઘવીએ ચીમકી ઉચ્ચારી છે કે આવનાર દિવસોમાં ડ્રગ્સ માફિયાઓની ખેર નથી.

18 નવેમ્બરના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવસારીની વિદ્યાર્થિની પર થયેલા સામૂહિક દુષ્કર્મ મામલે જણાવ્યું હતું કે પીડિત યુવતીના ભાઈ તરીકે તેને અને તેના પરિવારને ન્યાય જરૂરથી અપાવીશ. આરોપીઓને શોધવા માટે જેટલી પોલીસ ફોર્સની જરૂર હશે એટલી આપીશું. ગુજરાત પોલીસની કોઈ બોર્ડર નથી, તમામ ટીમો ગુજરાત પોલીસ તરીકે કામ કરી રહી છે. પીડિતા યુવતીને ટૂંક સમયમાં ન્યાય અપાવીશ.

18 દિવસ પછી પણ પોલીસ અંધારામાં

ઘટનાના 18 દિવસ પછી પણ પોલીસ હજુ અંધારામાં ફાંફાં મારી રહી છે. પોલીસને કોઇ કડી મળતી નથી. બીજી તરફ ગેંગરેપની ઘટનામાં નજીકના પરિચિતોની ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે. જેથી પોલીસે મેદાનની આસપાસ સાઇકલની દુકાન ધરાવતા દુકાનદારો સહિતના લોકોની પૂછપરછ કરી છે. પોલીસની ટીમે યુવતીની ઓફિસમાં પહોંચી પૂછપરછ કરી દસ્તાવેજો કબજે કર્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud