• પોલીસ અને પરિવાર બંનેની બેદરકારી સામે આવી
  • દયાળજીભાઈ દામજીભાઈ રાઠોડ અને કેશુભાઈ મકવાણા બન્ને ઘરે પરત ફર્યા
  • પરિવાર જનોએ મૃત સમજી કરી લીધા અંતિમ સંસ્કાર
  • ઘરે ફરતા પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા

WatchGujarat. જામનગરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો. સાંભળીને તમે પણ ચોંકી જશો કે આવું કંઇ રીતે બની શકે. એક નહીં પરંતુ બે વૃ્દ્ધ કે જે હતા જીવતા પરંતુ પરિવારનોએ અંતિમ સંસ્કાર કરી નાખ્યા. અંતિમ સંસ્કાર કર્યા બાદ વૃ્દ્ધો જ્યારે જીવતા ઘરે પરત ફર્યા ત્યારે પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા.

જામનગરના કાલાવાડ નાકા બહારનાં વિસ્તારની આ ઘટના છે. મીડિયા અહેવાલ પ્રમાણે, આ વિસ્તારમાં રહેતા દયાળજીભાઈ દામજીભાઈ રાઠોડ અને કેશુભાઈ મકવાણા નામના બે વૃદ્ધો અલગ અલગ કિસ્સામાં ગુમ થયા હતા. બંનેના પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં આ વિશે જાણ કરાઈ હતી. ત્યારે શાકમાર્કેટ વિસ્તારમાં એક વૃદ્ધની લાશ મળી આવી હતી. પોલીસે આ વિશે કેશુભાઈ મકવાણાના પરિવારજનોને જાણ કરી હતી. ત્યારે તેમના પરિવારે મૃતદેહ સ્વીકારીને તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. જોકે, સમગ્ર અંતિમ વિધિ પૂરી થઈ ત્યારે કેશુભાઈ મકવાણા ઘરે આવ્યા હતા. આ જોઈને પરિવાર ડધાઈ ગયો હતો. ત્યારે સમગ્ર મામલો ફરીથી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

દયાળજી રાઠોડના પરિવારે મૃતદેહની ઝીણવટથી ખરાઈ નહીં કરતાં મામલો સામે આવ્યો હતો. તેમણે દયાળજી રાઠોડ નામના વૃદ્ધને કેશુ મકવાણા સમજીને અંતિમ સંસ્કાર કર્યા હતા. પરંતુ કેશુ મકવાણા ઘરે જીવતા પરત આવતા પરિવાર આશ્ચર્યમાં મૂકાયો હતો.  જે વ્યકિતના અંતિમ સંસ્કાર કરી નખાયા તે કેશુભાઈ મકવાણા નહીં પણ કાલાવડ નાકા બહાર રહેતા દયાળજીભાઈ રાઠોડનો મૃતદેહ હતો.આમ, દયાળજીભાઈ પરત આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જીવિત વ્યક્તિને બદલે અન્ય ગુમ વ્યક્તિના મૃતદેહને અન્યના પરિવારજનોએ અંતિમ વિધિ કરી દીધી હતી. બંને પરિવારોએ લાશની ઓળખ યોગ્ય રીતે ના કરી તેમજ પોલીસે પણ જરૂરી આધારોની ચકાસણી યોગ્ય રીતે ન કરી. ત્યારે હવે પોલીસે ફરીથી અલગ કાર્યવાહી કરવી પડી હતી. ત્યારબાદ સ્મશાનમાં જઈ અને અસ્થીકુંભમાં પણ નામ ફેરફાર કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ કિસ્સામાં પોલીસ અને પરિવાર બંનેની બેદરકારી સામે આવી છે.બંને દ્વારા મૃતદેહની યોગ્ય રીતે ખરાઇ ન કરાતા આ ભેદ સર્જાયો હતો.ત્યારે એક સવાલ એ પણ ઉદભવે છે કે આ મૃતદેહ આખરે કોનો હતો ?

Facebook Comments Box

Videos

Our Partners