• મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય
  • તારીખ 26 જુલાઈ 2021- સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ
  • 50 ટકા ક્ષમતા સાથે વર્ગો શરૂ કરવામાં આવશે, જોકે વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત

WatchGujarat. કોરોના મહામારીને કારણે છેલ્લાં દોઢ વર્ષથી શિક્ષણ કાર્ય ખોરવાયું હતું. પરંતુ રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો ઘટતા સરકાર દ્વારા ધોરણ 12 અને કોલેજ શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના કારણે વાલીઓ અને શાળા સંચાલકો દ્વારા ધોરણ 9થી 11ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. અનેક રજૂઆતોને પગલે સરકારે રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021- સોમવારથી ઓફલાઈન શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

મળતી વિગતો અનુસાર મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કોર કમિટીના આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈને અનેક મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં શાળા વર્ગો રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

કોર કમિટીની આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર સમગ્ર રાજ્યમાં આગામી 26 તારીખ જુલાઈ 2021 થી શાળાઓમાં ધોરણ 9 થી 11 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવશે. જોકે આ વર્ગો વિદ્યાર્થીઓની કુલ સંખ્યાના 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરી શકાશે. ઉપરાંત તેમાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઓફલાઈન શિક્ષણ માટે શાળા વર્ગોમાં અભ્યાસ મેળવવા આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક પણ લાવવાનું રહેશે.

મહત્વનું છે કે ઓફલાઈન શિક્ષણ સાથે શાળાઓએ ધોરણ 9થી 11ના વર્ગોનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવાનું રહેશે. આ સાથે મુખ્યમંત્રીએ નિર્ણયમાં જણાવ્યું હતું કે, ઓફલાઈન શિક્ષણ શરૂ થાય ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન્સ- SOPનું પાલન કરાવવાનું ફરજીયાત રહેશે.

કોર કમિટીના આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત અન્ય સચિવો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ અગાઉ તારીખ 9 જુલાઈથી ધોરણ 12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરવા રાજ્ય સરકારે પરવાનગી આપી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud