• ચારેક માસુમ બાળકોને ઝેરી મધમાખીઓનાં હુમલાથી બચાવી લીધા
  • ખેડૂતે પોતાની જાનની પરવા કર્યા વગર માસુમ બાળકોને ગોડાઉનમાં ધકેલી ગોડાઉનનો દરવાજો બંધ કર્યો
  • અસંખ્ય મધમાખીઓએ ખેડૂત પર હુમલો કરતા વૃદ્ધ ખેડૂતનું મોત નીપજ્યું હતું

WatchGujarat.ગોંડલ તાલુકાના વાછારા ગામે એક અનોખી ઘટના સામે આવી છે. જેમાં એક ખેડૂતે તેની સતર્કતાથી ચારેક માસુમ બાળકોને ઝેરી મધમાખીઓનાં હુમલાથી બચાવી લીધા હતા. પરંતુ આ દરમિયાન જ અસંખ્ય મધમાખીઓ તેમને ચોંટી ગઈ હતી. અને મધમાખીઓ દ્વારા મારવામાં આવેલા ડંખને કારણે ઝેરી અસર થઈ જતા ખેડૂતે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ખેડૂતે પોતાની જાનની પરવા કર્યા વગર માસુમ બાળકોને ગોડાઉનમાં ધકેલી ગોડાઉનનો દરવાજો બંધ કર્યો હતો. અને આ દરમિયાન અસંખ્ય મધમાખીઓએ ખેડૂત પર હુમલો કરતા વૃદ્ધ ખેડૂતનું મોત નીપજ્યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ તાલુકાના વાછરા ગામે રહેતા અને ખેતીકામ કરતા 69 વર્ષીય દામજીભાઈ બેચરભાઈ સોરઠીયા પોતાના ખેતરે હતા. બરાબર આ સમયે આકાશમાંથી એક બાજ પક્ષીએ આવીને ઝેરી મધમાખીઓના મધપૂડાને છંછેડતા મધમાખીઓ વિફરી હતી. અને ખેતરના ગોડાઉન પાસે રમી રહેલા દોઢથી 6 વર્ષના શ્રમિક પરિવારના માસૂમ બાળકો ઉપર હુમલો કર્યો હતો. જો કે આ પહેલા દામજીભાઈ જોઈ જતા બાળકો પાસે દોડી ગયા હતા. અને બાળકોને તુરંત જ ગોડાઉનમાં ધકેલી દરવાજો બંધ કરી દીધો હતો. પરંતુ ઝેરી મધમાખીના ઝુંડે દામજીભાઈને અસંખ્ય ડંખ મારી દેતા સારવાર માટે ગોંડલની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન જ તેમનું મોત નિપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વૃદ્ધ ખેડૂત દામજીભાઈએ પોતાની જાનની પરવા કર્યા વગર શ્રમિક પરિવારના ચાર માસૂમ બાળકોની જિંદગી બચાવી હતી. તેઓને સંતાનમાં બે દીકરા અરવિંદભાઈ અને સંજયભાઈ છે. જેઓ ખેતી કામ સાથે સંકળાયેલા છે. દામજીભાઈ સેવાભાવી સ્વભાવના હોવાથી વાછરામાં લેઉવા પટેલ સમાજના ઉપપ્રમુખ તરીકે સમાજની અનેક સેવાઓ પણ કરી હતી. જેને લઈને તેઓના નિધનથી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud