• ગત મોડીરાત્રે 2:30 વાગ્યા આસપાસ લીમડા ચોકમાં આવેલી સિલ્વર સેન્ડ હોટલમાં અચાનક ભીષણ આગ લાગી
  • આગની જાણ થતા પ્ર-નગર પોલીસ સહિતની શહેર પોલીસની ટીમો તેમજ ફાયર વિભાગની 6 ગાડી ઘટનાસ્થળે દોડી ગઈ
  • આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી
  • કેટલાક મહિનાઓ પહેલા શહેરનાં મવડી વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી

WatchGujarat. શહેરનાં લીમડા ચોક વિસ્તારમાં આવેલી એક હોટલમાં મોડીરાત્રે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગને કારણે ધુમાડાનાં ગોટેગોટા ઉડવા લાગતા નાસભાગ મચી ગઇ હતી. જો કે સ્થાનિકોએ જાણ કરતા તાત્કાલિક ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને બે કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી ભારે મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અને હોટલમાં ફંસાયેલા લોકોને ફાયર વિભાગની સીડી દ્વારા રેસ્ક્યુ કરાયા હતા. આ આગની ઘટના સીસીટીવીમાં કેદ થતા તેનો વિડીયો પણ સામે આવ્યો છે.  જેમાં ધુમાડાનાં ગોટેગોટા જોવા મળી રહ્યા છે. આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. જો કે સદનસીબે જાનહાની ટળી છે.

જાણવા મળતી વિગતો મુજબ, ગત મોડીરાત્રે 2:30 વાગ્યા આસપાસ લીમડા ચોકમાં આવેલી સિલ્વર સેન્ડ હોટલમાં અચાનક ભીષણ આગ લાગી હતી. ઘટનાને પગલે ધુમાડાનાં ગોટેગોટા નીકળતા આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. અને આગ અંગે પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગની જાણ થતા પ્ર-નગર પોલીસ સહિતની શહેર પોલીસની ટીમો તેમજ ફાયર વિભાગની 6 ગાડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગને પગલે મોટું નુકસાન થયાની સંભાવના છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. પરંતુ શોટ સર્કિટને લઈ આ આગ લાગ્યાની ચર્ચા ચાલી રહી છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, કેટલાક મહિનાઓ પહેલા શહેરનાં મવડી વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 5-5 લોકો જીવતા ભૂંજાયા હતા. અને આ ઘટનાને પગલે હોસ્પિટલો ઉપરાંત હોટલો અને શાળાઓમાં ફાયર સેફટીને લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે હાલ પણ શહેરની અનેક હોસ્પિટલો, હોટલો તેમજ શાળાઓમાં ફાયર સેફટીનાં સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે હોટલ સિલ્વર સેન્ડમાં ફાયર સેફટી માટેના સાધનો હતા કે નહીં તે તો તપાસ બાદ જાણી શકાશે. હાલ તો સિલ્વર સેન્ડ હોટલની આગમાં કોઈ જાનહાની નહીં થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud