- નશાની હાલતમાં લથડીયા ખાતો એક શખ્સ ખુલ્લી છરી સાથે પહેલા એક્ટિવા બાઈકને પાટુ મારીને પછાડે છે
- વાહનની મામુલી ટક્કરનાં કારણે આ શખ્સે આતંક મચાવ્યો
- આતંક મચાવનાર શખ્સની શોધખોળ શરૂ કરતા તે બસ સ્ટેન્ડ પાસેથી નશો કરેલી હાલતમાં મળી આવતા તેને સકંજામાં લીધો
WatchGujarat. શહેરમાં રાજ્યના મુખ્યમંત્રી રોડ શો પૂર્વેની સંધ્યાએ લુખ્ખાએ છરી સાથે રોડ શો કર્યો હતો. જેમાં લોકોની તેમજ વાહનોની સતત અવરજવર ધરાવતા નવા બસ સ્ટેન્ડ રોડ પર એક શખ્સે ખુલ્લી છરી સાથે રીતસર આતંક મચાવ્યો હતો. જો કે રોડ પરનો વીડિયો સામે આવતા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં તેને સકંજામાં લેવાયો હતો. અને પોલીસે નશામાં ધૂત એવા આ આરોપીને ઠંડીમાં ગરમીનો અહેસાસ કરાવ્યો હતો.
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, નશાની હાલતમાં લથડીયા ખાતો એક શખ્સ ખુલ્લી છરી સાથે પહેલા એક્ટિવા બાઈકને પાટુ મારીને પછાડે છે. અને બાદમાં છરીનાં ઘા મારીને બાઈકના બંને ટાયરની હવાઓ કાઢી નાખે છે. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, વાહનની મામુલી ટક્કરનાં કારણે આ શખ્સે આતંક મચાવ્યો હતો. જે ઘટનાને કોઈએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લેતા તેનો વિડીયો મિનિટોમાં વાયરલ થયો હતો.
પોલીસે વીડિયોના આધારે તેમજ બસ સ્ટેન્ડ નજીક લોકોની પૂછપરછ કરતા સરાજાહેર આતંક મચાવનાર સોરઠિયાવાડી પાસે આવેલી કોઠારિયા કોલોનીમાં રહેતો પાર્થ પીયૂષ મહેતા હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન આતંક મચાવનાર શખ્સની શોધખોળ શરૂ કરતા તે બસ સ્ટેન્ડ પાસેથી નશો કરેલી હાલતમાં મળી આવતા તેને સકંજામાં લીધો હતો. રાજમાર્ગ પર છરી સાથે ભયનો માહોલ ફેલાવનાર પાર્થને સકંજામાં લીધા બાદ પોલીસે તેને ભરઠંડીમાં જ ગરમીનો અહેસાસ કરાવ્યો હતો.