બોસ, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહે જવાબદારી સોંપ્યાના બારમાં દિવસે જ ચુંટાયેલા હોદ્દેદારોએ સ્મશાનમાં રઝળતી અસ્થિઓનું વિસર્જન કરવાનું સેવા કાર્ય સંપન્ન કરી નાંખ્યું. આવા સેવાના કાર્યના પ્રારંભે અસ્થિ કુંભનાં ફૂલહાર કરવા ટાણે ભાજપી અગ્રણીઓ દ્વારા ફોટોગ્રાફ્સ પડાવવામાં આવ્યાં. અને કેટલાંક લોકોના દિવા જેવા પેટમાં તેલ રેડાયું. આ બાબત આપણને સ્હેજપણ ગમી નહીં. આવું થોડું હોય?

ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માન ખાતર “જનતા કર્ફ્યુ” ટાણે થાળીઓ ખખડાવનારા લોકો પૈકી ઘણાં લોકો આજે કોરોનાને કારણે રાખમાં ફેરવાઈ ગયાં હશે. એ સિવાય પણ સેંકડો લોકોને કોરોનાએ સ્વર્ગવાસી બનાવી દીધા છે અને સત્તાધારી પક્ષના ખંતીલા કાર્યકરોની માફક જ કોરોના પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યો છે. ત્યારે ઘણાં અભક્તોને દરેક વાતે વાંધો પડી રહ્યો છે. જે ખરેખર નિંદનિય અને વખોડવા લાયક છે.

નાગરીકોના દુઃખ દૂર કરવાનો મૂળ મંત્ર ધરાવતી ભારતીય જનતા પાર્ટીના વડોદરા એકમ દ્વારા સેવાના કેટકેટલાં કામો કરાય છે? પણ, કોઈને જોવા જ નથી. ચૂંટણી ટાણે એક પણ ભાજપી અગ્રણી કે ઉમેદવારે લોકોને ટોળે વળવાં જણાવ્યું નહોતું. એ કોઈએ જોયું? માસ્ક ના પહેર્યું હોય એ મત ના આપે – એવું ઘણાં પ્રચારકો મનમાં બોલ્યાં… કોઈએ સાંભળ્યું? મિશન 76 પાર ના પડ્યું તોય ભાજપાનું કોઈ કંઈ બોલ્યું? આટલું મોટું મન રાખતાં ભાજપી અગ્રણીઓની સામે કેટલાંક ચોક્કસ તત્વોને ખબર નહીં કેમ વાંધો જ પડ્યાં કરે છે.

વાંકદેખુઓ એવી અફવા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે, કોર્પોરેશન તંત્ર પાસેથી રેમડેસિવિર ઇન્જેક્શન જોઈતું હોય તો અમુક – તમુક માથાંને કોલ કરો તો ગોઠવણ કરી આપે છે. હોસ્પિટલના ખાટલાંથી માંડી ઓક્સિજનના બાટલાં સુધીની ગોઠવણ માટે અમુક – તમુક – ચમુક નો સંપર્ક મહત્વનો બની રહે છે. મને તો આ અફવાખોરો પર બહુ ગુસ્સો આવે છે, જનમત મેળવીને સત્તાપર આવેલાં લોકોને કેટલીક બાબતોનું ધ્યાન તો રાખવું જ પડે. એને સેવા કરીને મેવા ખાધા એવું થોડું કહેવાય? એ તો એમનો હક્ક કહેવાય.

હવે મૂળ વાત પર આવીએ… શહેરના સ્મશાનોમાં મૃતકોના અસ્થિ રઝળતાં હોવાની વિગતો જાણીને ભાજપા પ્રમુખ ડૉ. વિજય શાહ સહિતના અગ્રણીઓના હૃદય હચમચી ગયાં. કોરોનાને કારણે જીવન બગડ્યાં બાદ મૃત્યુ પણ બગડે એ તો કેવી દુર્દશા કહેવાય? પરગજુ – જનહિત ચિંતન એવાં ભાજપાના પ્રતિક સમા કમળ પર પણ સંવેદનાના ટીપાં બાઝી આવ્યા… અસ્થિઓની આવી સ્થિતિ અંગે જાણીને… અને અસ્થિ વિસર્જનનું સેવામય પુણ્ય કાર્ય કરવાનો નિર્ણય લેવાયો.

ડૉ. વિજય શાહે કામગીરી સોંપી અને માત્ર 12 દિવસમાં જ… હા 12 દિવસમાં જ અસ્થિ વિસર્જનનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું. વિવિધ સ્મશાનોમાંથી રઝળતાં અસ્થિઓના કુંભને ચાંણોદ ખાતે શાસ્ત્રોક્ત વિધી અનુસાર વિસર્જત કરી દેવામાં આવી.

હવે આટલાં ભગીરથ કાર્યનો પ્રારંભ કરવાનો હોય ત્યારે ભાજપા અગ્રણીઓ થોડા ફોટોગ્રાફ્સ ના પડાવી શકે? ભાજપીઓને ફોટો પડાવવાનો કોઈ ચસકો નથી, આ તો મીડીયાવાળાઓને લીધે એમને ફોટા પડાવવા પડે છે. બાકી, ભાજપીઓ એવાં અનેક કાર્યો કરે છે જેનો તેઓ જાહેરમાં ઉલ્લેખ પણ નથી કરતાં કે ના તો એનો ફોટો – વિડીયો પડવા દેતાં… આ એમની મહાનતા નહીં તો બીજું શું છે?

આજે એક ‘અભક્ત’ ભાજપાના ભગીરથ કાર્યની મજાક કરતાં બોલ્યો કે, શાસ્ત્રોક્ત વિધીથી અસ્થિ વિસર્જન કર્યા પછી ભાજપાવાળાએ માથે ટકો પણ કરાવવો જ જોઈએ. મેં તો ચોખ્ખુ કહી દીધું, ટકો કરાવવો એ શાસ્ત્રોક્ત નહીં લૌકિક ક્રિયા કહેવાય… અને પ્રખર હિન્દુત્વમાં માનનારા ભાજપાવાળા કંઈ એમ કોઈ કામ અધુરું ના છોડે… ટકો થવાના હકદારો ટકા મુંડા તો પહેલાં જ થઈ ચૂક્યાં છે…

અભક્ત સાથે વધારે ચર્ચા કરવાનો શું અર્થ? એટલે જવા દીધો… સોરી એટલે હું જતો રહ્યો… મારો એક નિયમ છે કે, અભક્ત અને અંધભક્ત સાથે વધારે ચર્ચા કરવી નહીં. પણ, તોય એટલું તો જરૂર કહીશ… ‘અસ્થિ વિસર્જન’નું સેવા કાર્ય કરતાં પહેલાં ફોટો પડાવવો એ કોઈ ગુનો નથી. માટે, દરેક વાતે વાંક જોનારા આંખો બદલે… બાકી, જે થઈ રહ્યું છે એ જોવા ટેવાઈ જાય. આંખો બદલો ક્યાંક તો આખ્ખેઆખા બદલાઈ જાવ.. બાકી થાય એટલો કકળાટ કરી લો.

(ખાસ નોંધઃ- વડોદરા શહેરમાં શિવરાત્રિ પર્વે કોરોના કાળમાં નિકળેલી શિવજી કી સવારીમાં મોટી સંખ્યામાં ટોળાં જામ્યાં હતાં. જેને પગલે કોરોના સંક્રમણ વકરે તો જવાબદાર કોણ? એવાં પ્રશ્નના ઉત્તરમાં શિવજી કી સવારીના આયોજક એવાં મંત્રી યોગેશ પટેલે ભગવાનને જવાબદાર ગણાવ્યા હતાં. બાદમાં કોરોના સંક્રમણ વધ્યું પણ તંત્ર દ્વારા ભગવાનની સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતાં. તેવી જ રીતે આ લેખ મેં લખ્યો નથી, ભગવાને સુઝાડેલી બુદ્ધિ પ્રમાણે લખાયો છે. તેથી કોઈને લેખ સામે વાંધો હોય તો 33 કરોડ દેવી – દેવતાં પૈકીના કોઈપણ એક ભગવાનને જવાબદાર ગણી. એમની સમક્ષ રોષ વ્યક્ત કરવો. ધન્યવાદ)

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud