(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)

ભારતમાં દલિતોના નેતાની વાત આવે ત્યારે એ બાબાસાહેબ આંબેડકરથી શરૂ થતી હોય છે અને બીજાં ત્રણ ચાર નામો સાથે પૂર્ણ થઈ જતી હોય છે. મારા વિચાર પ્રમાણે ભારતમાં દલિતોના સૌથી પહેલા મસીહા કોઈ થયા હોય તો તે છે મહર્ષિ વિશ્વામિત્ર.

ભારતવર્ષમાં એમ તો અનેક મહાન મહર્ષિઓ થઈ ગયા. પરંતુ ભારતીય સંસ્કૃતિમાં જે બે મહાન ઋષિઓનાં નામ દરેક યુગ અને દરેક સમયે નજરે પડે છે તો તે છે એક વસિષ્ઠ અને બીજા વિશ્વામિત્ર. ભારતમાં બીજા તો અનેક સમર્થ ઋષિઓ થયા, પણ ભારતવર્ષના ઇતિહાસમાં આ બે ઋષિઓ જેટલું યોગદાન ભાગ્યે કોઈ અન્ય ઋષિનું હશે.

વસિષ્ઠ અને વિશ્વામિત્રનો ઉલ્લેખ રામાયણમાં પણ આવે છે અને મહાભારતમાં પણ છે, એટલે કોઈક એવી દલીલ પણ કરે કે, કોઈનું પણ આટલું બધું આયુષ્ય હોઈ શકે નહીં. વાસ્તવમાં આ બંને પરંપરાઓ છે. આ પરંપરામાં જે કોઈ ઋષિ થતા એ વસિષ્ઠ અને વિશ્વામિત્રનાં નામે જ ઓળખાતા. જેમ આજે પણ જગતગુરુ શંકરાચાર્યની પરંપરામાં દરેક નવા આચાર્યને શંકરાચાર્ય તરીકે જ ઓળખવામાં આવે છે.

આર્યો ક્યાંથી ભારત આવ્યા એ અંગે મત-મતાંતરો છે. કેટલાંક તો એવું માને છે કે આર્યો મૂળથી જ ભારત વર્ષના જ રહેવાસી હતા, આર્યો ભારત બહારથી આવ્યા જ નથી. પરંતુ મારો મત એવો છે કે આર્યો હજારો વર્ષ પહેલાં અફઘાનિસ્તાન થઈ ભારત આવ્યા. આર્યો પાસે અશ્વ હતા, આર્યો ખૂબ ઉમદા અશ્વસવાર હતા, અશ્વ પર બેસી યુદ્ધ કરવામાં નિપુણ હતા. તેમનાં શસ્ત્રો પણ વધુ સચોટ હતાં. એમનાં ધનુષબાણ પણ અત્યંત આધુનિક હતાં એટલે ભારતવર્ષની મૂળ પ્રજા દ્રવિડિયનો આર્યો સામે ટકી શક્યા નહીં એટલે આર્યોએ હાલનું પાકિસ્તાન, કાશ્મીર, પંજાબ અને ઉત્તર ભારતમાંથી દ્રવિડ પ્રજાને દક્ષિણમાં ધકેલી દીધી. ગોરા, રૂપાળા, ખૂબ ઊંચા, ભૂરી આંખવાળા આર્યોને નીચા, પાતળા, દુબળા, કાળા અને અશિક્ષિત દ્રવિડો માટે કોઈ માન તો હતું જ નહીં પણ ભારો-ભાર તિરસ્કાર હતો.

એ સમયે નર્મદા નદીથી ઉપરના ભાગે આવેલો પ્રદેશ આર્યાવર્ત કહેવાયો જ્યારે નર્મદાની દક્ષિણે આવેલ પ્રદેશ દ્રવિડ સ્થાન કહેવાયું. ખૂબ મોટી સંખ્યામાં દ્રવિડો આ આર્યવ્રતમાં રહેતા હતા પણ તેમનું સમાજમાં સ્થાન ગુલામોથી સહેજ જ સારું હતું. પશ્ચિમના દેશોની જેમ ગુલામનાં છોકરાં ગુલામ અને ગુલામને મારી નાખવાનો હક્ક પણ માલિકને ખરો એવી વાત તો અહીં દેખાતી નથી પણ દ્રવિડોને આર્યોએ સમાજના ચોથા વર્ણ તરીકે ક્ષુદ્ર સમાજમાં સ્થાન આપ્યું. આ ક્ષુદ્રો સાથે રોટી અને બેટીનો વ્યવહાર સંપૂર્ણ નિષેધ હતો. એમને આર્યોની કોઈ વિદ્યા શીખવા સામે પણ નિષેધ હતો. આજે આપણે જેને નાગરિક હક્કો કહીએ છે તેવા કોઈ નાગરિક હક્કો આ દ્રવિડો કે ક્ષુદ્રોને નહીં.

બીજી બાજુ દક્ષિણમાં આ દ્રવિડોએ મોટાં રાજ્યો ઊભાં કર્યાં, સંપૂર્ણ સમાજ વ્યવસ્થા ઊભી કરી અને અનેકવાર આર્યો અને દ્રવિડો વચ્ચે નાનાં મોટાં યુદ્ધો પણ થતાં રહ્યાં. આ સમયે બે વિચારસારણી ઊભી થવા માંડી જેમાં અગ્રેસર હતા બ્રહ્મર્ષિ વશિષ્ઠ, તેઓ બ્રાહ્મણ હતા અને તે સમયના શક્તિશાળી રાજાના તેઓ કુલગુરુ હતા. બ્રહ્મર્ષિ વશિષ્ઠનો મત હતો કે આર્યોએ શુદ્ધતમ અને શક્તિશાળી સમાજ વ્યવસ્થા ઊભી કરવી હોય તો અનાર્યો સાથે કોઈ પણ જાતનો સામાજિક વ્યવહાર રાખી શકાય નહીં. બ્રહ્મર્ષિ વશિષ્ઠે આદેશ બહાર પાડ્યા કે જો કોઈ આર્ય સ્ત્રી અનાર્ય સાથે લગ્ન કરે તો તે બંનેને તત્કાળ સિરચ્છેદ કરવો અને જો કોઈ આર્ય પુત્ર અનાર્ય કન્યા સાથે લગ્ન કરે તો અનાર્ય કન્યાનું વધ કરવો.

સામાપક્ષે એક ઉદારતમ વિચારસરણી આકાર લઈ રહી હતી. એ વિચારસરણી માનવતાવાદી હતી અને એ વિચારસરણી હતી વિશ્વામિત્રની. વિશ્વામિત્ર જન્મે ક્ષત્રિય હતા. ખૂબ કઠિન તપસ્યા પછી તેઓ બ્રહ્મર્ષિ પદને પામ્યા. તે સમયે વિશ્વામિત્રનો મત હતો કે આ દબાયેલા, કચડાયેલા દ્રવિડોને આર્ય સમાજમાં સમાવી લેવા જોઈએ એટલે કે અનાર્યો સાથે રોટી-બેટીનો વ્યવહાર થવા દેવો જોઈએ. અનાર્યોને પણ આર્ય વિદ્યા ભણાવવી જોઈએ, એમને પણ સુસંસ્કૃત કરવા જોઈએ. અનાર્યોને પણ સમાનતાનો અધિકાર છે, નાગરિક હક્કોનો અધિકાર છે. વિશ્વામિત્ર તે સમયે ૧૦ રાજ્યોના કુલગુરુ હતા પરંતુ આ ૧૦ રાજાઓ પણ વશિષ્ઠના અનુયાયી પુરૂ રાજાની સરખામણીમાં શક્તિશાળી નહીં. વિશ્વામિત્રના મતને માનનારા રાજાઓએ વિશ્વામિત્રને ઉદારચિત્ત, માનવતાવાદી અને સમાનતાના સિદ્ધાંત પર ઊભેલા સુધારાવાદી વિચારોનો અમલ શરૂ કર્યો. વશિષ્ઠ ઋષિએ આ સુધારણા અમલ કરવા સામે આ રાજાઓને અને વિશ્વામિત્રને મનાઈ ફરમાવી અને જો આ સુધારા લાગુ પાડવામાં આવશે તો મહાયુદ્ધની ધમકી પણ આપી.

વિશ્વામિત્ર અને તેમના સાથીદાર ૧૦ રાજાએ સુધારાવાદી વિચારો પર અડગ રહ્યા. વરિષ્ઠ અને પુરુની ધમકીને વશ થયા વગર અનાર્ય સાથે સમાનતાનાં ધોરણે સંબંધો બાંધવાની શરૂઆત કરી. વશિષ્ઠે પુરૂને આ દશે રાજાઓ ઉપર આક્રમણ કરવા આદેશ આપ્યો અને ભારતવર્ષના સૌથી પહેલા મહાયુદ્ધની શરૂઆત થઈ. પુરૂ રાજાની સેના મહાશક્તિશાળી હતી તેણે દશે રાજાઓને હરાવ્યા તેમના પ્રદેશો જીતી લીધા. આ યુદ્ધમાં વિશ્વામિત્રનાં ખૂબ નજીકનાં સગાં સંબંધીઓને પણ મારી નાખવામાં આવ્યાં. યુદ્ધની હારથી વ્યથિત વિશ્વામિત્ર આર્યવ્રતના મધ્ય ભાગમાંથી ખસી સાવ છેવાડાના ભાગે એટલે કે નર્મદા કિનારા તરફ ચાલ્યા ગયા. અહીં એમણે પાવાગઢ, વડોદરાની મધ્યમાં આવેલ આટકોટ (અકોટા) અને કાયા અવરોહણ એટલે હાલનું કારવણ આ પ્રદેશમાં સ્થાયી થયા.

આમ વિચારસરણીના આ મેદાની યુદ્ધમાં વિશ્વામિત્ર બહુ ભૂંડી રીતે પરાજિત થયા એમનું સર્વ ઐશ્વર્ય લૂંટાઈ ગયું અને એકલા અટૂલા આ વડોદરાની પાવન ભૂમિ પર વિચરણ કરતા રહ્યા. હવે કુદરતનો ખેલ જુઓ યુદ્ધ તો વશિષ્ઠ જીત્યા, થોડાક સમય માટે વિશ્વામિત્રની દલિત ઉદ્ધારક વિચારસરણી પાછળ ધકેલાઈ ગઈ. પણ છેવટે તો વિશ્વામિત્રની સર્વેસમાવીસ વિચારસરણી આખા સમાજે સ્વીકારી. આજે દ્રવિડો અને આર્યોની એકતામાંથી ભારતવર્ષ ઊભું થયું છે. નથી હવે એ આર્યાવર્ત કે નથી દ્રવિડ સ્થાન, માં નર્મદા તો આજે પણ વહે છે પણ હવે એ સરહદ તરીકે નહીં પણ બે મહાન પ્રજાને જોડતી પાવન માતા તરીકે વહી રહી છે.

દસ રાજાનાં આ યુદ્ધને પરિણામે મહર્ષિ વિશ્વામિત્રએ આર્યવ્રતનાં કેન્દ્રને છોડી સાવ છેવાડાના વડોદરામાં આવી નિવાસ કર્યો અને મહર્ષિએ આધ્યાત્મિક જગતમાં કેવાં સાહસો કર્યાં, વિજય પામ્યા, સ્રુષ્ટિ રચયિતા બ્રહ્માને પડકાર આપી નવા સ્વર્ગની રચના કરી, દેવોને પરાજિત કર્યા અને નવી જીવસૃષ્ટિની ઉત્પતિ કરી, તેનું વડોદરા સાક્ષી બન્યું તેની વાત બીજી કોઈવાર.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud