(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)

 

 

ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મ સામે એક આક્ષેપ છે અને તે આક્ષેપ બીજી સંસ્કૃતિ કે બીજા ધર્મના અનુયાયીઓ મારફતે થાય છે તેના કરતાં પણ વધુ ખુદ આપણાં જ દેશના કહેવાતા સુધારાવાદીઓ અને સ્ત્રી સશક્તિકરણના હિમાયતીઓ કરી રહ્યા છે અને તે આક્ષેપ છે કે આપણા સમાજમાં વેદકાલીન સમયને બાદ કરીએ તો સ્ત્રીઓને નામ માત્રની સ્વતંત્રતા હતી નહીં, સ્ત્રીઓને ગુલામની જેમ રાખવામાં આવતી અને સ્ત્રીઓનું શોષણ કરવામાં આવતું હતું. સ્ત્રીઓ દિવસના અઢાર-અઢાર કલાક કામ કરતી હોવા છતાં અને ખેતીવાડી અને પશુ ઉછેરમાં બરાબરની કામગીરી સંભાળી કુટુંબને આર્થિક રીતે પણ મદદરૂપ થતી હોવા છતાં, ઘરમાં-સમાજમાં તેનો કોઈ અવાજ ન હતો, તેને બોલવાની જ છૂટ નહીં, ઘરમાં જે કોઈ નિર્ણય લેવાય તેમાં તેમને કશું પૂછવામાં આવતું ન હતું. એટલી હદે કે, એમની જિંદગીનાં લગ્ન જેવા અગત્યના નિર્ણય પણ ઘરના પુરુષ સભ્યો જ લેતા હતા. સાવ નાનકડી ઉંમરે એને પરણાવી દેવાતી અને શાસ્ત્રોના નિયમો ટાંકી, સ્ત્રીઓને કહેવામા આવતું કે એણે પિતા, ભાઈઓ, પતિ અને છેવટે ખુદના સંતાનોનાં કહ્યામાં રહેવાનું.

પશ્ચિમી દેશોની આધુનિક વિચારસરણી પ્રમાણે પોતાનાં અગંત જીવનનો દરેક નિર્ણય જાતે લેવાનો અધિકાર દરેક વ્યક્તિને હોવો જ જોઈએ. સમાજ અને દેશના નિર્ણયમાં પણ દરેક વ્યક્તિનો અવાજ હોવો જ જોઈએ. પશ્ચિમની આ વિચારસરણીનો અંગ્રેજોનાં શાસન દરમિયાન આપણાં દેશમાં પ્રચાર-પ્રસાર થતાં આપણાં દેશની સ્ત્રીઓ પણ પોતાને કચડાયેલી-દબાયેલી અને શોષિત માનવા લાગી. અને દેશમાં સ્ત્રી-સ્વતંત્રતા અને સ્ત્રી-પુરુષ સમાનતાની એક લહેરનો પ્રારંભ થઈ ગયો છે.

હજારો વરસો સુધી આ દેશમાં સ્ત્રીઓ મૌન રહી. એણે શું પહેરવું-ઓઢવું, ખાવું-પીવું, વગેરે જેવા પ્રશ્નો પર પણ પુરુષો જ નિર્ણય લેતા. તેથી આજની વિચારસરણીના સંદર્ભે જોતાં તો સદીઓ સુધી ભારતમાં સ્ત્રીઓનું ભારે શોષણ થતું હોવાના આ આક્ષેપમાં ભારોભાર સત્ય લાગે છે.

પણ મારે આ બાબતમાં કેટલીક વાત કરવી છે. મારું તો માનવું એમ છે કે, ભારતમાં સ્ત્રીઓનું કોઈ શોષણ થયું જ નથી, અને આજની સ્ત્રી-સ્વતંત્રતા કરતાં એ સમયની કહેવાતી ગુલામી સ્ત્રીઓનાં અને સમાજનાં વિશાળ હિતમાં હતી. વાસ્તવમાં સ્ત્રીઓની એ કહેવાતી ગુલામીથી સ્ત્રીને અને સમાજને ફાયદો થતો હતો, તેમ કહું તો મારી, તે વાત કોણ માનશે? પણ સત્ય એ જ છે. વાસ્તવમાં તો એનાથી સ્ત્રીને અને સમાજને બહુ જ ફાયદો હતો તેમ મારું માનવું છે.

હિંદુ તત્ત્વચિંતનનો એક પાયાનો સિદ્ધાંત છે કર્મનો સિદ્ધાંત. કર્મનો સિદ્ધાંત કહે છે કે તમે સારું-નરસું જે કાંઈ પણ કામ કરશો તેનું ફળ ભવિષ્યમાં તમે જરૂરથી પામશો. એટલે ભૂતકાળમાં તમે કરેલાં તમામ કર્મો, તમારો આજનો વર્તમાન નક્કી કરે છે, અને વર્તમાનનાં કર્મો જ તમારું ભવિષ્ય બનાવે છે.

 આપણા ઋષિઓએ તો ત્યાં સુધી કહ્યું કે ખરાબ કર્મો તો કરશો જ નહીં પણ શુભ કર્મોનો અતિરેક પણ ના કરશો, કારણ કે તમારે આગલી જિંદગીમાં બૂરાં કર્મોનું જ ફળ ભોગવવાનું નથી પણ શુભ કર્મોનું ફળ પણ ભોગવવાનું છે. એટલે શુભ કર્મો પણ મોક્ષના માર્ગમાં આંતરાયરૂપ છે. શુભ કર્મોનું ફળ ભોગવ્યા વગર મોક્ષ પામી શકશો નહીં.

આ પ્રમાણે આજનાં શુભ કે અશુભ કર્મોનું ફળ તમને કર્મનાં બંધનમાં નાખી આ જનમનું કે આવતા જનમનું ભવિષ્ય ઊભું કરશે અને એ ભવિષ્યમાં આ શુભ અશુભ કર્મનાં ફળ ભોગવતાં ભોગવતાં તમે નવાં કર્મો કરશો. જે નવાં કર્મો તમને નવાં કર્મનાં બંધનમાં નાખશે અને નવું ભવિષ્ય ઊભું થશે આમ કર્મ તે પછી કર્મનું બંધન, પછી કર્મનું ફળ એટલે કે ભવિષ્ય અને ભવિષ્યમાં થનાર કર્મો તેનું કર્મ બંધન અને વળી નવું ભવિષ્ય. આમ તો કર્મ – કર્મફળ – ભવિષ્ય – નવું કર્મ – નવું કર્મફળ – નવું ભવિષ્ય, જેવા ગોળ ચક્કરમાં એટલે કે જન્મો-જન્મના ફેરામાં દરેક આત્મા અટવાતો જ રહે. ટૂંકમાં દરેક આત્માએ શરીર ટકાવી રાખવા અનિચ્છાએ પણ કર્મ તો કરતાં જ રહેવું પડશે અને એ કર્મો જન્મો-જન્મ નવા – નવાં કર્મોને ઊભા કરતાં રહેવાનાં આનો અર્થ તો એ થાય કે આત્મા જન્મો-જન્મ સુખ અને દુ:ખ ભોગવતા જ રહે અને ક્યારેય મોક્ષને પ્રાપ્ત કરી શકે નહીં.

ભારતના મહાન ઋષિમુનિઓએ કર્મનો સિદ્ધાંત આપ્યો કર્મ કેવી રીતે કામ કરે છે તે પણ સમજાવ્યું અને આ મહાન ઋષિઓએ કર્મબંધનમાંથી છૂટવા માટે- મુક્ત થવા માટે એક અદભૂત વ્યવસ્થા કરી. આપણે ઋષિમુનિઓની આ વ્યવસ્થાને સમજીએ.

જ્યારે કોઈ એક માણસ એક વ્યક્તિની હત્યા કરી નાખે છે ત્યારે સમાજ એને ફાંસીની સજા આપે છે, પરંતુ લડાઈના મોરચે કોઈ સૈનિક ૨૦-૨૫ દુશ્મનોની હત્યા કરી નાખે છે ત્યારે સમાજ એની બહાદુરીને બિરદાવે છે અને એનું સન્માન કરે છે. એક વ્યક્તિની હત્યા કરનારનું કર્મ પાપ ગણવામાં આવે છે જ્યારે સૈનિકનું ૨૦-૨૫ વ્યક્તિઓને મારી નાખવાનું કૃત્ય પુણ્ય ગણવામાં આવે છે. એક વ્યક્તિના હત્યારાને ફાંસી આપનાર જલ્લાદે કોઈ પાપ કર્યું હોય તેમ માનવામાં આવતું નથી. ૨૦-૨૫ વ્યક્તિઓની હત્યા કરનાર સૈનિક પણ પાપી ગણાતો નથી કારણ ૨૦-૨૫ દુશ્મનોની હત્યા કરી નાખવાનો નિર્ણય તે સૈનિકનો નહોતો. હત્યારાને ફાંસી આપવાનો નિર્ણય પણ જલ્લાદનો નહોતો. તે નિર્ણય કોઈ ન્યાયાધીશનો હતો આમ કર્મના સિદ્ધાંતનો એક પેટા સિદ્ધાંત એમ કહે છે કે કર્મ કોઈ વ્યક્તિને ત્યારે જ બાંધે છે જ્યારે તે નિર્ણય તેણે કર્યો હોય.

હવે કર્મનો સિદ્ધાંત તેના આ પેટા નિયમને સાથે રાખી સમજીએ તો એવું પ્રતિપાદિત થાય છે કે સારું કે ખરાબ કર્મ ભવિષ્યમાં સારું કે ખરાબ ફળ આપ્યા વગર રહેતું નથી પણ જો કોઈ કર્મ કરવાનો નિર્ણય કર્મ કરનારનો નહીં પણ બીજી કોઈ વ્યક્તિનો છે અને કર્મ કરનાર વ્યક્તિ બીજા કોઈની આજ્ઞાનું પાલન કરી રહી છે તો કર્મનું બંધન તેવી વ્યક્તિને પકડતું નથી અને તેના સારા કે ખરાબ ફળ પણ તેણે ભોગવવા પડતાં નથી.

ભારતના ઋષિમુનિઓ જાણતા હતા કે પુરુષ થોડા જનમ પુરુષ દેહ ધારણ કરે છે અને તે પછી તે સ્ત્રીનો દેહ ધારણ કરે છે તે જ પ્રમાણે સ્ત્રીઓ પણ થોડા જનમ સુધી સ્ત્રી દેહ ધારણ કરી પછી પુરુષ દેહ ધારણ કરે છે. યાદ રહે કોઈ પણ પુરુષ પૂર્ણ પુરુષ હોતો નથી કે કોઈ સ્ત્રી પૂર્ણ સ્ત્રી હોતી નથી, એટલે ૫૧% પુરુષ અને ૪૯% સ્ત્રી હોય તેવા પુરુષ સ્ત્રૈણ એટલે કે સ્ત્રી જેવા નાજુક લાગે છે અને ૫૧% સ્ત્રી અને ૪૯% પુરુષ હોય તેવી સ્ત્રી ભાયડાછાપ લાગે છે અને આવું થવાનું કારણ એમણે આ જ જનમમાં સ્ત્રીમાંથી પુરુષ કે પુરુષમાંથી સ્ત્રીનું શરીર બદલેલું છે જેમ એમનામાં પુરુષત્વ કે સ્ત્રીઅત્વ વધતું જાય તેમ તે ડેશિંગમેન કે નાજુક નમણી સ્ત્રીમાં પરિવર્તન પામે છે અને ફરી પછી રિવર્સ સાઇકલ શરૂ થાય છે.

મહાભારતમાં આનું ઉદાહરણ મળે છે. કાશીરાજાની પુત્રી અંબાને ભીષ્મપિતામહ ઉપાડીને તો લાવ્યા પણ તેની સાથે ભીષ્મપિતામહે લગ્ન ના કરતાં તે અગ્નિમાં પ્રવેશી ગઈ અને બીજા જન્મે પુરુષ થઈ શિખંડી તરીકે જન્મી અને ભીષ્મપિતામહના વધમાં કારણરૂપ બની.

એટલે જ્યારે ઋષિમુનિઓ સમાજ માટે કોઈ કાયદા કે નિયમ બનાવતાં ત્યારે તેમને બરાબર સમજ હતી કે તેઓ પણ આગલા જન્મોમાં સ્ત્રી તરીકે જનમવાના છે. એટલે તેમના દ્વારા ઘડાયેલા કોઈ પણ કાયદા કે નિયમ સ્ત્રી કે પુરુષને અન્યાય કરતા હોય શકે નહીં.

કર્મનાં જટિલ અને વર્તુળાકાર બંધનમાંથી છૂટવા આ ઋષિમુનિઓએ એક બહુ સીધી સાદી પણ અદભૂત સમાજ વ્યવસ્થા ઊભી કરી જેમાં સ્ત્રીઓએ કોઈ જ નિર્ણય લેવાના નહીં એટલી હદે કે ઘરમાં શું ખાવા બનાવવાનું છે તે પણ ઘરમાં પૂછીને કરવાનું ઘરના નાના-મોટા કે જટિલ કોઈ પ્રશ્નમાં સ્ત્રીઓ નિર્ણય ના લે કદાચ ચર્ચામાં ભાગ લે એ પોતાનું મંતવ્ય કહી દે પણ નિર્ણય એનો ન હોય. મહાભારતનાં ભીષણ યુદ્ધ અંગે કુંતી, ગાંધારી, દુર્યોધનની પત્ની ભાનુમતી કશુંક બોલી હોય તેવો પણ ઉલ્લેખ નથી. દ્રૌપદીએ પાંડવોને યુદ્ધ માટે ઉશ્કેર્યા જરૂર પણ યુદ્ધનો નિર્ણય તો કૃષ્ણ અને પાંડવોનો જ હતો.

રામાયણમાં કૈકયી મહારાણી છે, રામને વનવાસ મોકલવાનું વચન માંગે છે. કૈકયીએ ઇચ્છ્યું હોત તો રામને જાતે જ વનવાસ જતાં રહેવાનું કહી શકી હોત પરંતુ જીદ કરીને પણ એ નિર્ણય તો રાજા દશરથ પાસે જ લેવડાવે છે. અહીં રામને વનવાસ મોકલવાની જીદ ભલે કૈકયીની છે પણ નિર્ણય કૈકયીનો નથી.

આટલા સંદર્ભ પછી હવે આગળની વાત જોઈએ. ભારતીય સમાજ રચનામાં સ્ત્રીઓ કોઈ નિર્ણય લેતી નહીં ચાહે તે સામાન્ય ખેડૂત પત્ની હોય કે મહારાણી હોય એટલે જે સ્ત્રીઓને સૈનિક કે જલ્લાદને લાગુ પડતો નિયમ લાગુ પડતો. જ્યારે નિર્ણય કરનાર બીજો હોય ત્યારે તે નિર્ણયના આધારે કર્મ કરનારને કર્મ બંધન બાંધતું નથી એટલે કે તેવાં કર્મ તેનું ફળ પણ આપતાં નથી. આમ તે સમયની સ્ત્રીઓ જે કોઈ સારાં-ખોટાં કર્મો કરે તેની જવાબદારી તે સ્ત્રીઓની રહેતી નહીં એટલે સ્ત્રી તરીકેનો આખો જન્મારો સ્ત્રીઓ પોતાનાં પાછલાં સંચિત કરેલાં કર્મો ભોગવે છે એટલે કે પુણ્યશાળી સ્ત્રી કોઈ રાજા – મહારાજા કે નગરશેઠને ત્યાં સોનાના હિંડોળે ઝૂલે છે જ્યારે પુણ્યહીન સ્ત્રી કોઈ ગરીબને ત્યાં દુઃખ ભરેલી જિંદગી જીવે છે. પુણ્યશાળી સ્ત્રી પોતાનાં પુણ્યનાં ફળો ભોગવી લે છે અને પુણ્યહીન સ્ત્રી પોતાનાં પાપ કર્મો ભોગવી લે છે પણ આ બંને સ્ત્રીઓ કોઈ નિર્ણય લેતી નથી એટલે પોત-પોતાનાં પાછલાં કર્મો ભોગવતી જાય છે પણ નવાં કોઈ કર્મ બાંધતી નથી. આમ આત્મા સ્ત્રી જન્મમાં નવાં કર્મો બાંધ્યા વગર પોતાનાં પાછલાં કર્મો ભોગવીને પાછલા જન્મોના કર્મનાં બંધનમાંથી મુક્તિ પામતો હતો.

આમ ઓછાં ને ઓછાં કર્મ બંધનો સાથે સ્ત્રી થોડા જન્મોમાં પુરુષના દેહમાં પરત જતી હતી અને અનેક કર્મનાં બંધનથી બંધાયેલ પુરુષ સ્ત્રી જન્મ લઈ કર્મ બંધનોમાથી મુક્ત થતો. આમ સમાજની અડધો – અડધ વસ્તી એટલે કે સ્ત્રીઓ કોઈ પણ નિર્ણય નહીં લઈ કર્મ બંધનમાંથી મુક્ત થતાં તે જ પ્રમાણે સમાજના દલિત અને ગરીબ પુરુષો પણ કોઈ નિર્ણય લઈ શકતો નહીં. તેથી તેઓ પણ કર્મ બંધનમાંથી મુક્ત થતાં ઉજળિયાત પુરુષો પણ ઘરમાં વડીલ પુરુષો હોય ત્યાં સુધી કોઈ નિર્ણય લઈ શકતા નહીં. આમ સમાજના માંડ ૮-૧૦% લોકો દરેક નિર્ણય લેતા અને બાકીના લોકો નિર્ણય નહીં લઈને કર્મમાંથી મુક્તિ મેળવતાં.

અહીં રામાયણનો એક પ્રસંગ જોઈએ. દશરથ રાજા રામને એમના ઉત્તરાધિકારી બનાવવા માંગતા હતા. આ પ્રસંગે દશરથ કુલગુરુ વશિષ્ઠજીને કહે છે કે જો આપ આજ્ઞા આપો તો મારી ઇચ્છા રામને રાજા બનાવવાની છે. અહીં દશરથ રાજા છે તેમ છતાં જાતે નિર્ણય લેતા નથી નિર્ણય લેવાની જવાબદારી કુલગુરુ વશિષ્ઠ પર છોડે છે. રાજવીઓ પણ કુલગુરુ, મંત્રીઓ અને મનુસ્મૃતિના આધારે રાજ ચલાવતા.

આમ જ્યારે સ્ત્રીઓને, ગરીબોને નિર્ણય લેવાની જ્યારે મનાઈ હતી ત્યારે સમાજમાં ઘર્ષણ ઓછું હતું. સમાજમાં ગરીબાઈ હોય તો પણ દરેક જાણ હલકું-ફૂલકું અને પ્રફુલ્લિત હતું. દરેકનો આત્મા પ્રફુલ્લિત હતો કારણકે આત્મા પર કર્મ બંધનનો બોજો ન હતો.

હવે નવો જમાનો છે. સાવ ૫ વર્ષનાં બાળકને પણ પોતાનું ધાર્યું કરવું છે. ઘરમાં બે કેપ્ટન કે બે સેનાપતિ છે. કોઈ રમતમાં એવું વિચારી પણ શકાય નહીં કે એક સાથે બે કેપ્ટન હોય! હા, એક કેપ્ટન હોય તો એની સાથે બીજો વાઇસ કેપ્ટન હોય શકે. વિચારો ક્રિકેટની રમતમાં એક ટીમમાં બે કેપ્ટનો છે અને બંને કેપ્ટનો એક સાથે અને એક સરખી સત્તા ધરાવે છે તો એવી ટીમ રમત જીતવાની વાત તો જવા દો, રમત રમી પણ નહીં શકે. એક કેપ્ટન એક બોલરને કહેશે કે આ છેડેથી તું બોલિંગ કર અને બીજો કેપ્ટન બીજા ખેલાડીને કહેશે કે તું બોલિંગ કર. એક કેપ્ટન કહેશે કે હવે તું બેટિંગ કરવા જા અને બીજો કહેશે કે ના એને નહીં, આને બેટિંગમાં મોકલો. જો એક ૭-૮ કલાકની મેચમાં પણ બે કેપ્ટન ના હોઈ શકે તો પછી ૨૪ કલાક ૩૬૫ દિવસની સામાજિક વ્યવસ્થામાં એક કુટુંબમાં બે મુખિયા કેવી રીતે હોઈ શકે?

હવે સંસારમાં સ્ત્રી અને પુરુષને બંનેને કેપ્ટન થવું છે પોતાનું ધાર્યું કરવું છે. એટલું જ નહીં, બંને જણાં એમ ઇચ્છે છે કે બીજું પાત્ર પણ મારું કહ્યું કરે. કુટુંબનો દરેક સભ્ય ઇચ્છે છે કે કુટુંબના બાકી બધા સભ્ય મારું જ કહ્યું કરે ત્યારે કુટુંબમાં કંકાસ થયા વગર રહેશે નહીં.

સ્ત્રીને પુરુષ સમોવડી થવું છે અને પુરુષ એને કઈ પણ કહે એ એનાથી સહન જ થઈ શકતું નથી તે સંજોગોમાં ઘર છે અને વાસણ ખખડે તેટલી હદે વાત સીમિત રહેતી નથી. ઘર સંસારો ભાંગે છે, કુટુંબ વિખેરાય છે. આમ નબળી પડેલી કુટુંબ વ્યવસ્થા સમાજ વ્યવસ્થાને અને છેલ્લે રાજ્ય વ્યવસ્થાને નબળી પાડે છે અને બધાનું પરિણામ એ આવે છે કે આખું રાષ્ટ્ર છિન્ન-ભિન્ન થાય છે. સ્ત્રીઓ કર્મનાં બંધનમાંથી મુક્ત થતી નથી એટલે એની માનસિક તાણ ઓછી થતી નથી. સામે પક્ષે નવો જન્મેલો પુરુષ પણ સખત તાણમાં જન્મે છે. આમ આખો સમાજ અઢળક સાધન-સામગ્રી અને સમૃદ્ધિ હોવા છતાં તણાવગ્રસ્ત રહે છે. પરિણામે માનસિક અશાંતિ, તણાવ, ડિપ્રેશન અને માનસિક બીમારીઓ વધતી જાય છે.

આપણે સ્ત્રી સ્વતંત્રતાનાં નામે અને સ્ત્રી અને પુરુષ સમાન છે બંને સમોવડિયાં છે એવા નવાં સામાજિક સમીકરણો ઊભાં કરી હજારો વર્ષ જૂની એક દક્ષ અને વૈજ્ઞાનિક – સામાજિક વ્યવસ્થા છિન્ન-ભિન્ન કરી નાખી છે. આપણે જ કર્મ બંધનમાંથી સહજ મુક્તિ આપતો રસ્તો તોડી પાડ્યો છે અને હવે પાછા ફરવાનો કોઈ માર્ગ રહ્યો નથી.

કોઈ સ્ત્રી મને એવો સવાલ પૂછી શકે કે કર્મ બંધનમાંથી મુક્તિ મેળવવા માટે સ્ત્રી કે પુરુષ બેમાંથી એકે નિર્ણય લેવાનો હક્ક જતો કરવાનો હોય તો શા માટે પુરુષ નિર્ણય લેવાનો હક્ક છોડતો નથી?

તો મને કહેવા દો કે સ્ત્રીની વાત સાચી છે. પુરુષો પણ નિર્ણય લેવાનો હક્ક જતો કરી સ્ત્રી સમક્ષ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી શકે પણ આવું થવામાં બે વાત નડતરરૂપ છે, એક સ્ત્રીઓ કરતાં પુરુષો વધારે અહંકારવાદી છે તેથી તે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી શકે નહીં, બે કુદરતે દરેક સ્ત્રીમાં એક આંતરિક ઇચ્છ મૂકી છે કે એ કોઈ પુરુષ સામે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે.

આમ પુરુષ સંપૂર્ણ શરણાગતિ માટે લાયક નથી તેથી જો પુરુષ શરણાગતિ સ્વીકારવાનો પ્રયાસ કરશે તો તે સફળ થશે નહીં અને કુદરતે સ્ત્રીમાં જે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવાનો ગુણ મૂક્યો છે તેવી શરણાગતિ સ્વીકાર્યા વગર સ્ત્રીનો આત્મા પણ પરિતૃપ્ત થશે નહીં.

એક આડ વાત કરી લઈએ આજના સમાજમાં સ્ત્રીઓને તેમની જિંદગીમાં એક ન પુરાય તેવો અસંતોષ રહ્યા કરે છે, કારણ કે એ પોતાના પ્રેમી કે પતિ સામે પૂર્ણ શરણાગતિ સ્વીકારી શકતી નથી. તેમાં એને નવા સમજે ઊભો કરેલો અહમ આડે આવે છે પરંતુ સામી બાજુ સંપૂર્ણ સમર્પણ વગર તેને શાંતિ પણ મળતી નથી એટલે એ એક પ્રેમીથી બીજા પ્રેમી કે એક પુરુષથી બીજો પુરુષ તરફ તે આકર્ષાતી જાય છે. સ્ત્રી નદી છે, જેમ નદી સાગરમાં પોતાની જાતને સંપૂર્ણપણે ઓગાળી દઈ પોતાની જાત મિટાવી દે ત્યારે જ આનંદિત થાય છે, તેમ સ્ત્રી પણ સર્વસ્વ ન્યોછાવર કર્યા સિવાય પરિતૃપ્ત થતી નથી. મજાની વાત એ છે કે આવી સ્ત્રી એમ માને છે કે આ પુરુષમાં મને પરિતૃપ્ત કરવાની તાકાત નથી માટે તે બીજા પુરુષ તરફ વળે છે. અહીં સ્ત્રી ભૂલ કરે છે એની પરિતૃપ્તિ નહીં થવાનું કારણ કોઈ પુરુષ નથી પણ આત્મ સમર્પણ નહીં કરી શકવાની તેની કમજોરી છે.

આજની સ્ત્રી એક ખૂબ મોટા સંઘર્ષમાં સંડોવાઈ છે. પુરુષ સમોવડી થવા માંગે છે તેથી એ પુરુષની બરોબર ઊભી રહેવા માંગે છે. તેણે જો સમાજને બતાવવું હોય કે એ પુરુષ સમોવડી છે તો તે પૂર્ણ આત્મ સમર્પણ કેવી રીતે કરી શકે? જ્યારે તેનામાં જે સ્ત્રી જીન્સ છે તે કોઈ પણ એક પુરુષને સમક્ષ આત્મ સમર્પણ કરી એ પુરુષની જાતમાં પોતાની જાત ઓગાળી દે તેવી માંગણી કરી રહ્યા છે. સમાજનો તકાદો છે કે તું સ્વતંત્ર નારી છું, કુદરતનો તકાદો છે કે તારે સમર્પિત થઈ જવાનું છે. બહારથી આધુનિક અને ખુશ-ખુશાલ લાગતી સ્ત્રી આ બે ઘંટીનાં પડ વચ્ચે પિસાઈ રહી છે અને કેરિયરમાં ઉચ્ચતમ સફળતા છતાં જીવનમાં એ ક્યાંયની રહી નથી.

આ સંજોગોમાં ઋષિમુનિઓએ સ્ત્રીઓમાં રહેલા સમર્પણ ભાવનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું અને એવી સમાજ વ્યવસ્થા સ્થાપી કે જેમાં સ્ત્રીઓ નિર્ણય ના લે.

આજના જમાનાની વાત કરીએ તો જુઓ જેમના નસીબમાં એવી પત્ની હોય કે જે નિર્ણય લેવાના પોતાના હક્કને જવા દેવા માંગતી ના હોય, તો કુટુંબ અને જીવનમાં શાંતિ માટે તે પુરુષે તેવી સ્ત્રીને આત્મ સમર્પણ કરી દઈ પોતાની જિંદગીમાં શાંતિ મેળવી લેવી જોઈએ. પરંતુ યાદ રહે કે પતિને નમાવી આત્મ સમર્પણ કરાવનારી સ્ત્રીને તે સંજોગોમાં પણ આનંદની પ્રાપ્તિ થશે નહીં.

એક અતિ વૈજ્ઞાનિક અને કુદરતી પરિબળો પ્રમાણે ઊભી થયેલી એક આખી સમાજ વ્યવસ્થાને, નવી સમાજ વ્યવસ્થા ઊભી કર્યા સિવાય છિન્ન-ભિન્ન કરી નાખવામાં આવી, જેને પરિણામે આખો સમાજ અને વિશેષ કરીને સ્ત્રીઓ નવી વ્યવસ્થામાં પણ સૌથી વધુ દુઃખી છે. કુદરતની ગતિ કેટલી ન્યારી છે જ્યાં બહારથી સ્ત્રીઓ ગુલામ દેખાતી હતી ત્યાં તે મુક્તિ તરફ જઈ રહી હતી અને અત્યારે સ્ત્રીઓ સ્વતંત્ર દેખાય છે પણ તે દુઃખ તરફ જઈ રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud