(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)

“જો બેટા, હવે તું સાસરીમાં જઈ રહી છે એટલે સાસુ-સસરાના કહ્યામાં રહેજે, પતિનો પડ્યો બોલ ઉપાડજે. તો જ સુખી થઈશ.”

૫૦-૧૦૦ વરસ પહેલાં સાસરીએ વિદાય લેતી પુત્રીને માતા આ શિખામણ આપતી હતી, અને મને લાગે છે કે આ શિખામણ આજના જમાનામાં પણ એટલી જ કારગત છે.

સાવ સ્વભાવિક વાત છે કે પતિ-પત્નીના સંસારને સુખરૂપ ચલાવવા એક કેપ્ટન હોવો જોઈએ અને બીજાએ સામાન્ય ખેલાડી બની રમવું પડે. એક સાથે બંને જણ તો કેપ્ટન ના થઈ શકે ને.

તો મારી સૌ બહેનોને આ જ સલાહ છે કે, બેટા સાસરિયાંના કહ્યામાં રહીએ અને જિંદગીમાં સુખ-શાંતિ લાવીએ.

મારા લગ્ન થયાં. પ્રેમલગ્ન હતાં. મારી પત્ની રોજ સવારના રસોઈ બનાવવા તપેલીમાં દાળ કાઢે અને પછી એક પ્યાલામાં થોડી દાળ લઈને મારી મા જે રૂમમાં બેઠી હોય ત્યાં જાય અને કહે, “બા, આટલી દાળ લઉં?” એટલે મારી બા કાં તો તપેલીમાંથી થોડી દાળ પ્યાલામાં પાછી નાખે અથવા પવાલામાંથી થોડી દાળ લઈ તપેલીમાં નાખે.

ચોખા-શાકભાજી દરેક વસ્તુ મારી માની મંજૂરીથી જ લેવાય. મારી પત્નીની આ વાત મને સમજાય નહીં. મને થાય કે રોજ તું જ રસોઈ બનાવે છે તો તને આટલી ખબર ના પડે કે કેટલી દાળ-ચોખા લઈએ? હું એની પર આ બાબતે ગુસ્સે થાઉં તો એ મને કહે, ‘તને હમણાં નહીં સમજાય.’ અને થોડા મહિના પછી મને આ વાત સમજાઈ ગઈ. અમારે કોઈ વાત પર ઝગડો થયો અને હું મોટેથી બૂમો પાડી અને લડવા માંડ્યો તો મારી માં કહે, ‘તારે એને લડવાનું નહીં, તને એની જોડે ફાવતું ના હોય તો ઘર છોડીને જતો રહે. હર્ષા તો મારી સાથે જ રહેશે. હવે મને સમજાયું કે હર્ષા તો મારી માંની કહ્યાગરી દીકરી હતી એટલે મા તો એનો જ પક્ષ લે ને!

મારી પણ બધી પત્નીઓને સલાહ છે કે બહાર જવાનું હોય તો તૈયાર થતાં પહેલાં તમારે શું પહેરવાનું તે પણ પતિને નક્કી કરવા દેજો, તમારે પતિને પૂછીને જ બહાર જવાના કપડાં નક્કી કરવાનાં છે પણ તે કેવી રીતે નક્કી કરવાનાં તે સમજી લો. પત્નીએ પતિને પૂછ્યું કે ‘હું શું પહેરું?’ એટલે પતિએ કહ્યું, ‘પેલું મુંબઈથી જે નવો ડ્રેસ લાવ્યા છે તે.’ પત્ની કહે, ‘એ ડ્રેસ તો બહુજ સરસ છે પણ આપણે નાતનાં ફંક્શનમાં જઈએ છીએ અને બા પણ જોડે આવે છે ત્યારે સાડી પહેરી તો સારું લાગે પછી તમે કહો તેમ.’ પત્ની કહે, ‘કઈ સાડી પહેરું?’ પતિએ કહ્યું, ‘ભૂરી સાડી પહેર.’ પત્નીએ કહ્યું કે, ‘રાતના જવાનું છે એટલે એ ભૂરી સાડી બહુ જામશે નહીં.’ પતિએ કહ્યું, ‘પીળી પહેર.’ પત્નીએ કહ્યું, ‘એનો બ્લાઉઝ મળતો નથી.’ પતિ કહે ગ્રીન તો કેહવાનું એનો ચણિયો લાવવાનો બાકી છે, પતિ કહે મરૂન તો કેહવાનું કે, બહેન પણ એવોજ કલર પેહરવાના છે, અને જ્યારે પતિ કહે ગુલાબી તો આપણે કેહવાનું બસ તમે કહ્યું તો ગુલાબી જ પહેરીશ.

 સવારના પતિદેવ છાપું વાંચતાં બેઠા હોય તો તમારે પૂછવાનું કે શું ખાવાનું બનવું ? પતિદેવ કહે કે, “ ચણા અને ભાખરી બનાવ” તો કહેવાનું કે,”ચણા શનિવારે બનાવશું”. કહે,”મગ ભાખરી તો કહેવાનું કે,”બુધવારે બનાવીએ તો?” પતિ કહે, “કઢી ભાત બનાવ” તો કહેવાનું કે “જાઓ છાસ લઈ આવો” પતિ કહેશે કે “સારું દાળ ભાત શાક બનાવ” તમારે કહેવાનું કે,”સારું આપ કહો છો તો દાળ-ભાત બસ”

આમ કોઈ પણ બાબત હોય પતિ કે સાસુની રજા લીધા સિવાય તમારે કશું કરવાનું નહીં. જ્યાં સુધી તમે નક્કી કર્યું હોય તે જવાબ ના આવે તમારે બહાના કાઢતા જવાના અને આખરે ધાર્યું તો તમારું જ કરવાનું પણ પતિ કે સાસુને સધિયારો આપતા રહેવાનો કે ઘરમાં બધુ તમને પૂછીને જ કરું છુ. સરવાળે સાસરિયાં પણ ખુશ કે વહુ બહુ કહ્યાગરી. અને તમે પણ ખુશ !

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud