(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)

તાજેતરમાં અમદાવાદની એક શાળામાં એક વિદ્યાર્થી મોડો આવ્યો. પીટીનો પિરીયડ હતો. પીટી શિક્ષકે આ વિદ્યાર્થીને ગ્રાઉન્ડના ત્રણ રાઉન્ડ લગાવવાનું કહ્યું. બીજા રાઉન્ડમાં એ વિદ્યાર્થી પડી ગયો અને દવાખાનામાં લઈ જતાં તે મૃત્યુ પામ્યો. શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ અને શિક્ષક જેલમાં છે.

શાળામાં વિદ્યાર્થીઓને મારવા સામે પ્રતિબંધ આવી ગયો છે અને વિદ્યાર્થીઓને નાની-મોટી શિક્ષા કરનાર શિક્ષકો જેલ ભેગા થાય છે. શિક્ષકો બાળકો પર ત્રાસ ન ગુજારે તે સમજાય એવી વાત છે, પણ શિક્ષકે વિદ્યાર્થીને ટપલી પણ નહીં મારવાની, એ વાત અમને તો સમજાતી નથી.

અમારી વખતે તો શિક્ષકો આંકણી લઈ મારે, ફૂટપટ્ટીથી મારે, છુટ્ટાં ડસ્ટર મારે, ભીંતમાં માથાં પછાડે, બેંચ ઉપર ઊભા કરી દે અને આખો દિવસ બેંચ પર ઊભા-ઊભા ભણવાનું.

હું વડોદરાની ન્યુ ઈરા હાઇસ્કૂલમાં ધો. ૫-૬-૭ ભણેલો. સ્કૂલમાં પેસીએ ત્યારથી જ માનસિક તૈયારી હોય માર ખાવાની.

પ્રિન્સિપાલ વહિયાસાહેબ તો ભગવાનના માણસ, પણ વાઈસ પ્રિન્સિપાલ દવે સાહેબ. આ દવે સાહેબ રોજ પ્રવેશદ્વાર પાસે જ ઊભા રહે, અંદર આવતાં વિદ્યાર્થીઓનું માથું એ પસંદ કરતા જાય, દવે સાહેબ આપણને બાજુ પર કાઢે એટલે સમજવાનું કે માર પડવાનો છે. પછી મારવાનું શરૂ કરે. બે-ત્રણ-ચાર ઝાપટો પડે, પણ ખબર ના હોય કે કેમ મારે છે, પછી કહે, ‘સાલા, બાંયો ચડાવીને ફરે છે, તે ગુંડો થઈ ગયો છે?’ પ્રાર્થના પૂરી થઈ જાય પછી શાળાએ પહોંચીએ એટલે બે-ત્રણ શિક્ષકો ઊભા હોય, તેમના હાથનો માર ખાઈને જ ક્લાસમાં જવાનું.

હોમવર્ક ન કર્યું હોય એટલે માર પડે, અક્ષર ગંદા હોય તો માર પડે, દાખલા ખોટા કરીએ તો માર પડે, કોઈ ક્લાસમાંથી આપણા વિરુદ્ધ ફરિયાદ કરે એટલે માર પડે, આગલા દિવસે રજા પાડી હોય તો પણ માર પડે.

ન્યુ ઈરા હાઇસ્કૂલનાં અગિયારમા ધોરણના વિદ્યાર્થીને આઠમા ધોરણથી લઈને બારમા ધોરણ સુધીના બત્રીસે-બત્રીસ પ્રમય મોઢે જ હોય, કારણ કે એક પણ પ્રમેયમાં ભૂલ પડે, કે તરત જ છુટ્ટું ડસ્ટર આવીને માથે વાગે. ઘણીવાર તો બીજા છોકરાને પણ વાગી જાય.

સૌથી ખરાબ શિક્ષા હતી વર્ગ બહાર ઊભા રહેવાની. વિદ્યાર્થીને વર્ગની બહાર ઊભેલો જોઈને આવતાં-જતાં દરેક શિક્ષક મારતા જાય. પોતાના ક્લાસમાં ભણાવતાં-ભણાવતાં પણ શિક્ષક વર્ગની બહાર આવીને જોઈ લે કે, બીજા કોઈ શિક્ષકે કોઈ વિદ્યાર્થીને વર્ગની બહાર તો કાઢ્યો નથી ને? આવો વિદ્યાર્થી નજરે પડે એટલે એ શિક્ષક ઇશારો કરી તે વિદ્યાર્થીને પોતાના ક્લાસ પાસે બોલાવે અને આપણે ચુપચાપ દાદરા ઊતરીએ શિક્ષક પાસે જઈને માર ખાઈ આવવાનો. મજાની વાત તો એ કે આ શિક્ષક તમને કદી પણ પૂછે નહીં કે કેમ બહાર કાઢ્યો છે? તારો વાંક ગુનો શું?

શાળામાં મને સૌથી વધારે મારનાર ધોરણ ૫ અને ૬ના અમારા વર્ગશિક્ષક રામચંદ્ર રાનડે, જે આજે મારા સૌથી પ્રિય ગુરુ છે. મારા જીવન ઘડતર માટે હું મારા મા-બાપ કરતાં રાનડે સરને વધુ શ્રેય આપું છું.

ધોરણ ૫માં વર્ગશિક્ષક રાનડે સર અને તેઓ આખી સ્કૂલમાં સૌથી મારકણા શિક્ષક. હું વેકેશનમાં જ બધાં પુસ્તકો મોઢે કરી નાખું અને ગણિત પણ મોટાભાઈઓ પાસે શીખી લઉં. મને એવી ટેવ કે હું કોઈ દિવસ કોઈ પણ વિષયનું લેશન કરું જ નહીં. હું શિક્ષકને કહું કે આપ મને જે સવાલ પૂછવો હોય તે પૂછો કે જે દાખલો ગણાવવો હોય તે ગણાવી લો પણ હું લેશન નહીં કરું. બીજા શિક્ષકોએ તો મારી હોશિયારી જોઈ લેશન કરવામાંથી મુક્તિ આપી દીધી પણ રાનડે સર કહે, ‘લેશન તો કરવું પડે. ક્લાસમાં આવતાંની વારમાં જ લેશન નહીં લાવેલાઓને ઊભા થવાની સૂચના આપે અને જેટલાં ઊભાં થાય તે બધાંને ઝૂડી નાખે. સૌથી વધારે મને માર પડે કારણ કે લેશન નહીં લાવવાનું હું કોઈ કારણ આપી શકું નહીં.

ધોરણ ૫માંનો એ છેલ્લો દિવસ હતો. બધા મિત્રોએ મને વિદાય ભાષણ આપવાનું કહ્યું. હું ટેબલ પર ચઢી ગયો અને નાનકડા ભાષણમાં મેં કહ્યું, “આવતી સાલ બીજા જે સર આવે તે, આ હિટલરથી તો છૂટ્યા.” વેકેશન પછી સ્કૂલ ખુલી સ્કૂલમાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે રાનડે સરને પ્રમોશન આપી છઠ્ઠા ધોરણના વર્ગશિક્ષક બનાવવામાં આવેલા. સર ક્લાસમાં આવ્યા અને મને કહે, “જીતુ, ૫માં ધોરણમાં જે વિદાય ભાષણ આપ્યું હતું તે મને તો સંભળાવ.” એટલે કોઈ વિદ્યાર્થીએ રાનડે સરના વહાલા થવા ચાડી ખાધેલી તે વાત નક્કી થઈ. મેં ઊભા થઈ વિદાય ભાષણ શરૂ કર્યું તો મને કહે, “ટેબલ પર ઊભા થઈને.” મને ખાતરી હતી કે આજે પહેલા જ દિવસે બહુ માર પડવાનો, છતાં મેં સરની હાજરીમાં કહ્યું કે બીજા જે કોઈ શિક્ષક આવશે તે આ હિટલરથી તો છુટકારો થયો.

રાનડે સર હાથમાં ફૂટપટ્ટી લઈને ઊભા હતા અને હું પણ માર ખાવા બિલકુલ તૈયાર ઊભો હતો પણ રાનડે સરે કહ્યું નીચે ઉતર અને તારી જગ્યા પર જઈને બેસ. મને જ નહીં આખા ક્લાસને આશ્ચર્ય થયું કે રાનડે સરે માર્યા વગર જવા દીધો. મારા બેસી ગયા પછી રાનડે સર કહે, “ખરેખર હું તમને બધાંને બહુ મારુ છું? ભલે તમને ગમે કે ના ગમે હું તો આ વર્ષે પણ તમને મારવાનો. ભલે રાનડે સરે મારવાનું તો ના છોડ્યું પણ એમનો હાથ પહેલા કરતાં નરમ ચોક્કસ પડી ગયો. આ જ રાનડે સર જીવ્યા ત્યાં સુધી હું નિયમિત એમને ઘેર જતો. અવાર નવાર સાથે જમતો અને સાચે જ એમણે મને આખી જિંદગી ખૂબ પ્રેમ આપ્યો.

પહેલાં શાળામાં માર પડવો એ સામાન્ય ગણાતું. વળી, સ્કૂલમાં માર્યાની ફરિયાદ લઈને કોઈ ઘેર ન આવે કે, કેમ માર્યો. પણ ભૂલેચૂકે ઘરે ખબર પડે કે શાળામાં માર પડ્યો હતો, તો ઘરે પણ ખૂબ માર પડે.

હું જ્યારે કોલેજમાં આવ્યો અને પોલીસ જોડે અથડામણો શરૂ થઈ, પકડા-પકડી શરૂ થઈ ત્યારે મને ન્યુ ઈરા હાઇસ્કૂલના શિક્ષકોની તાકાતનો અંદાજ આવ્યો કે, તેમના જેટલું તો પોલીસો પણ નથી મારી શકતા. તે સાથે જ પોલીસનો ડર મારા મગજમાંથી નીકળી ગયો.

હવે વિશ્વભરમાં વિદ્યાર્થીઓને મારવા સામે પ્રતિબંધો લગાડી દેવાયા છે. મા-બાપો ખુશ છે કે હવે મારા બાળકોને સ્કૂલમાં મારવામાં નહીં આવે.

હું વાલીઓને ચેતવવા માગું છું. આ કાયદાઓ તમારાં બાળકોનાં હિતમાં નથી લાવવામાં આવ્યા. દુનિયાભરની સરકારોએ અબજો રૂપિયા ખર્ચીને સંશોધનો ચલાવ્યાં, પછી તેમને ખબર પડી કે તમારે નાગરિકોને કહ્યાગરા, માયકાંગલા અને ડરપોક બનાવવા હોય તો શાળાઓમાં તેમને મારવાનું બંધ કરાવો. શાળાઓમાં શિક્ષકોનો માર ખાઈ-ખાઈને વિદ્યાર્થીઓ ખડતલ અને લડાયક બની જાય છે. એમને મારનો અને સરકારનો ડર જતો રહે છે. પોલીસથી તે ડરશે નહીં. જે નાગરિક પોલીસથી નહીં ડરે તે સરકારથી શાથી ડરે?

શાળામાં બાળકોને નહીં મારવા માટે શિક્ષણવિદ મોન્ટેસરીનું તો નામ આગળ કરાયું છે, પણ ટોટલ પ્લાનિંગ અમેરિકા અને યુરોપિયન દેશોનું છે. તમામ નાગરિકોને નિર્માલ્ય બનાવી દેવાનું આ કાવતરું છે.

હવે ધીમે-ધીમે એવા કાયદા આપણા દેશમાં આવી રહ્યા છે જે અત્યારે પરદેશમાં છે. બાળકોને ઘરમાં પણ મારવા-વઢવાનું નહીં. બાળક ફોન કરી પોલીસને કહે કે મને માર્યો કે શિક્ષા કરી, તો બાળકને સરકાર લઈ જાય, તમને વોર્નિંગ આપે. બીજી વાર આમ થાય તો જામીન આપો, અને પછી જાવ જેલમાં.

પહેલાંના જમાનામાં ભારતમાં વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં ભણવા જતા હતા. ગુરુ એની પાસે અઘરામાં અઘરું કામ કરાવે. રાજાનો રાજકુમાર હોય કે ગરીબ બ્રાહ્મણનો છોકરો, બધા માટે એક જ નિયમ. લાકડાં કાપવાં, પાણી ભરવું, દળણાં દળવાં, આશ્રમમાં રસોઈ કરવી, ખેતી કરવી, ગાયો ચરાવવી, જે મળે તે ખાઈ લેવું અને હાથનું ઓશીકું કરીને જમીન પર સૂઈ જવું. જિંદગીનાં શરૂઆતનાં પચ્ચીસ-પચ્ચીસ વરસ સુધી આકરામાં આકરું જીવવાનું. આ રાજકુમાર જ્યારે રાજા બનતો ત્યારે ગરીબ માણસોનાં દુઃખ સમજી શકતો એટલું જ નહીં રાજપાઠ હારી એકલો અટૂલો જંગલમાં અટવાતો ત્યારે પણ તે દુઃખી થતો નહીં. કારણ કે એ પહેલા ૨૫ વર્ષ હાડમારીમાં જ જીવ્યો છે.

અને હવે આપણે આપણાં ભણતાં બાળકોને રાજકુમાર બનાવી દીધાં છે. બાપ બેંકમાં પટાવાળો હશે, તો પણ કોલેજમાં જતા છોકરાને મોટરસાઇકલ અપાવી દેશે. મધ્યમ વર્ગનો બાપ પણ ભણતાં છોકરા-છોકરી માટે એ.સી. રૂમ બનાવી આપશે. કોમ્પુટર-લેપટોપ-મોબાઇલ અને ખાસ્સી મોટી ખિસ્સાખર્ચી.

આજે તમે સામાન્ય પરિવારના વિદ્યાર્થીને રાજા-મહારાજની જેમ ઉછેરો છો, પછી જિંદગીમાં જ્યારે એને મુશ્કેલીઓ અને ત્રાસ પડે છે ત્યારે એ તૂટી જાય છે. એને જીવન અકારું લાગે છે. બોર્ડની પરીક્ષામાં ઓછા માર્કસ આવશે તેની બીકે તે આત્મહત્યા કરી લે છે. સ્કૂલમાં એક છોકરી એની સામે છેડતીની ફરિયાદ કરે, તો મારું શું થશે, તેની બીકે તળાવમાં પડતું મૂકે છે.

નાગરિક પોતાની સામે અવાજ ના ઉઠાવે, ગુલામ થઈને જીવે તે માટે આપણી સરકારો બાળકોના હક્કનાં નામે તેમને મારવા સામે કાયદાઓ લાવી રહી છે. આ કાયદા બાળકોના, વાલીઓના કે સમાજના હિત માટે નથી લવાતા. તાનાશાહ સરકારોને બચાવવા માટે લવાય છે.

આ કાયદાઓથી તમારાં બાળકોને રક્ષણ તો નથી મળવાનું. ઊલટાનાં એ નક્કામાં, બાપડાં અને કરોડરજ્જુ વગરનાં થઈ જવાનાં છે.

રોમમાં બાળકો સાત વર્ષનાં થાય એટલે એક નક્કી કરેલી પહાડી પરથી નીચે ફેંકી દેવામાં આવતાં. જે જીવતો રહેતો, તે જ નાગરિક બનતો. જે ગુજરી જતો, તેને મા-બાપ રોમન સમાજ માટે ભારરૂપ હોવાનું માની ભૂલી જતાં. આવા મજબૂત નાગરિકોને કારણે જ રોમ વર્ષો સુધી વિશ્વનું એક શક્તિશાળી રાજ બની ઊભું રહયું.

મારી તો સરકારને વિનંતી છે કે દરેક ગામ અને શહેરમાં થોડીક એવી સ્કૂલો પણ રાખો કે જે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને મારવાની છૂટ હોય મારા જેવા ઘણાં મા-બાપ એમનાં છોકરાંઓને આવી સ્કૂલમાં જરૂર દાખલ કરશે.

આવો ફરીથી વાત કરીએ પેલા, અમદાવાદમાં ગ્રાઉન્ડના ત્રણ ચક્કર મારતાં મરી ગયેલા વિદ્યાર્થીની. સારું થયું આ ૧૬ વર્ષનો વિદ્યાર્થી ગ્રાઉન્ડનાં ત્રણ ચક્કર મારતાં હાર્ટએટેકથી મૃત્યુ પામ્યો, જો તેને આવી સજા ના કરી હોત તો તે કદાચ સુહાગરાતે જ એ તેની પત્નીની છાતી પર ગુજરી ગયો હોત.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud