(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)

ભારતનું ન્યાયતંત્ર તદ્દન ખાડે ગયું છે. સામાન્ય માણસ માટે કોર્ટમાં જવું એના કરતાં નરકમાં જવું સારું એવી હાલત પ્રર્વતે છે.

ભારતમાં એક નાનકડો કેસ ચાલી જતાં વરસો થાય છે. ફોજદારી કેસમાં પહેલી ટ્રાયલ ચાલતાં  જ ૧૮-૨૦ વર્ષ લાગતાં હોય અને પછી હાઇકોર્ટ – સુપ્રીમકોર્ટ તો બાકી જ હોય છે.

જયલલિતાના કેસમાં ચુકાદો આવતાં ૧૫ વર્ષ થયાં લાલુપ્રસાદનો ચુકાદો આવતાં ૨૨ વર્ષ થયાં. ગુજરાતનાં એન્કાઉન્ટરના કેસ દસ-દસ વર્ષથી ચાલુ નથી થયા

૧૯૯૨માં નર્મદા બચાવો આંદોલનના નેતા મેઘા પાટકરે સુપ્રીમ કોર્ટમાં કેટલાક હજાર પીડિતોને પૂરી રાહત નથી અપાઈ તે મુદ્દે સુપ્રીમ કોર્ટમાં રીટ કરી.

આ નર્મદા યોજનામાં ગુજરાત, મહારાષ્ટ, રાજસ્થાન અને મધ્યપ્રદેશની જનતા એટલે કે ૨૦ કરોડની જનતાનું હિત સમાયેલું છે. ૨૦ કરોડ જનતા એટલે કે દેશની કુલ વસ્તીના ૧૫% લોકોનું હિત. ભારત સરકાર અને અન્ય સરકારોના આ યોજનામાં અબજો રૂપિયા લાગેલા હતા તેમ છતાં સુપ્રિમ કોર્ટને આ કેસ સાંભળવા માટે દસ વર્ષે સમય મળ્યો. ૨૦૦૨માં કહે હવે ડેમની ઊંચાઈ વધારવી હોય તો વધારો. આ દસ વર્ષમાં આ નર્મદા યોજનાના ખર્ચમાં અજબો રૂપિયાનો વધારો થઈ ગયો એ જુદો.

(watch gujaratની YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવા નીચેની તસવીર પર ક્લિક કરો)

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

આ દેશમાં હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં જ સેંકડો જજોની જગ્યા પૂરતી નથી. ટ્રાયલ જજો અને મેજીસ્ટ્રેટોની સંખ્યા તો હજારોમાં ઓછી પડે છે.

તો મને કહેવા દો કે, આપણા દેશમાં જજોને નિવૃત જ શા માટે કરાય છે? ઇંગ્લેન્ડમાં જજોની નિવૃતિની ઉંમર જ નથી. જજ ઇચ્છે ત્યાં સુધી કામ કરે. સિવાય કે માનસિક-શારીરિક રોગથી પીડાતા હોય તો જ રાજીનામું આપે. ૮૦-૮૦ વર્ષના જજો ફરજ બજાવે છે.

આ દેશમાં વરસે દહાડે ૪૦૦ આઈ.એ.એસ. અને આઈ.પી.એસ.ની જરૂર પડે છે તો તેની ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ છે તો હાઇકોર્ટ-સુપ્રિમકોર્ટના જજો માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ ના ખોલી શકાય? જેમાં H.S.C. પાસ થયેલા બ્રાઈટ વિધાર્થીઓને ૫-૭ વર્ષની તાલીમ આપી જજ તરીકે કેમ ના નીમી શકાય?

ભારતનાં ન્યાયતંત્ર સામે મારી એક મોટી ફરિયાદ છે, શા માટે આટલા મોટા ઉપખંડ જેવડા દેશમાં માત્ર દિલ્હીમાં જ સુપ્રિમકોર્ટના જજો બેસે?, શા માટે દરેક મોટાં રાજ્યોને સુપ્રિમકોર્ટની બેંચ ના આપી શકાય?, દરેક હાઈકોર્ટનાં બિલ્ડિંગમાં જ સુપ્રિમ કોર્ટની બે જજોની બેંચ બેસે. રાજ્યમાંથી આવતી તમામ અપીલો આ બેંચ જ સાંભળે. બંધારણીય કેસો ભલે દિલ્હી ચાલે.

પણ કહે છે કે સુપ્રિમ કોર્ટ જ દેશમાં બીજી બેંચ બેસાડવા રાજી નથી. સુપ્રીમકોર્ટના જજોને હાઇકોર્ટ જજો સાથે બેસતા કે દિલ્હીની બહાર બેસતાં નાનમ લાગે છે એમની ડિગ્નિટિ ઓછી થઈ જતી હોય એમ લાગે છે.

તો મને કહેવા દો કે સુપ્રિમકોર્ટમાં બેસતાં પહેલા જે તે જજો હાઇકોર્ટમાં જ ફરજ બજાવતાં હતા કે નહિ? તો આગલે દિવસે મુંબઈ, અમદાવાદ, લખનઉમાં બેસવા સામે વાંધો ન હતો પણ હવે સુપ્રિમકોર્ટમાં પ્રમોશન થયું એટલે મુંબઈ, અમદાવાદ, લખનઉમાં બેસવું ગમતું નથી?

તો પછી હવે પછી જે હાઇકોર્ટ જજોને પ્રમોશન મળે તેને પહેલાં દિલ્હી બેસાડો જ નહીં, તેમને સુપ્રિમ કોર્ટમાં લો ત્યારે ૨-૫ વર્ષ સુપ્રિમકોર્ટની સ્ટેટ બ્રાંચમાં જ બેસાડો.

અરે! આ શું વાત થઈ સુપ્રિમ અને હાઇ કોર્ટના ૪૫૦ જજોની ડિગ્નિટિ એટલી મોટી છે કે દેશના ૧૨૫ કરોડ નાગરિકો હાલાકી અને અસહ્ય નાણકીય ભાર ઉઠાવે.

સુપ્રિમ કોર્ટ માત્ર દિલ્હીમાં બેસતી હોવાથી દીલ્હીના ૧૦-૧૨ હજાર વકીલોની સુપ્રીમ કોર્ટમાં મોનોપોલી થઈ ગઈ છે જે હવે લાખો કરોડોમાં ફી લેતા થઇ ગયા છે.

આજ ધારાધોરણ હાઇકોર્ટ માટે લાગુ પાડો. શા માટે હાઇકોર્ટ જજો દરેક જીલ્લા કોર્ટમાં બેસી જીલ્લાની અપીલોનો નીકાલ ના લાવે?

સુપ્રિમ અને હાઇકોર્ટના જજોના સન્માન-ડિગ્નિટિનાં નામે દેશની ૧૨૫ કરોડની વસ્તીને તો બાનમાં ન લઈ શકાય.

મારું તો સુચન છે કે સુપ્રિમ કોર્ટના જે જજો સ્ટેટ લેવલે બેસે એ જજોને એક હેલીકોપ્ટર આપી દો, જેથી રોજ રાત્રે એ દિલ્હી જતા રહે તો એ સસ્તું પડશે. કારણ કે, સુપ્રિમ કોર્ટમાં રોજ સેંકડો લોકો ભારતભરમાંથી આવે એના કરતા આ થોડા જજો રોજ દિલ્હી આવે તો કશું ખોટું નથી.

અદાલતોમાં મુદત પાડવા પર કોઈ મર્યાદા લાવી દો. દરેક પ્રકારના કેસો કેટલા સમય મર્યાદામાં ચલાવી લેવા તેના નિયમ બનાવી દો.

સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટમાં જ્યારે લાખ્ખો કેસ પેન્ડિગ હોય ત્યારે આ જજો મહિનાઓનાં વેકેશનો ભોગવે તે પણ હવે બંધ કરવું જોઈએ. પહેલાં અંગ્રેજ જજો ઈંગ્લેન્ડથી  ભારત આવતા એટલે એમને મહિનાઓ લાંબા વેકેશનો જોઈતાં હતાં. હવે ભારતીય જજો પણ વર્ષમાં ૧૮૦ દિવસ કામ કરે તો તેમણે પણ વધુ દિવસ કામ કરવું જોઈએ તેવી માંગણી જનતા કરે તો કશું ખોટું નથી!

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud