જો તમે અંગ્રેજી નવલકથા વાંચવાના શોખીન હો તો સ્ટીફન કિંગને વાંચ્યા વગર તો રહી નહી શક્યા હોય. હોરર ફિક્શનનાં બાદશાહ અને ઈન્ટરનેશનલ બુક સેલર લિસ્ટમાં હંમેશા ટોચ પર રહેનારા સ્ટીફન કિંગે ‘ઇટ’ નામની એક ૧૩૯૨ પાનાની મસ્ત-મજાની રૂંવાડા ઉભા કરી દે તેવી નોવેલ લખી છે. જેનાં પરથી ૨૦૧૭ની સાલમાં ‘ઇટ’ નામની ફિલ્મ પણ સિને’માં’ પર ત્રાટકી. કમનસીબે, જે સમયે આ ફિલ્મ થિયેટરમાં રીલિઝ થઈ, ત્યારે સિને’મા’ અમુક કારણોસર તેને નિહાળી નહોતી શકી. પરંતુ થોડા દિવસો પહેલાં જ નેટફ્લિક્સ પર ‘ઇટ’ ધ્યાનમાં આવી અને આપણે જોઈ કાઢી. ખેર, દેર આયે દુરુસ્ત આયે. (લેખ લખતાં પહેલા આ લેખકએ આવડી મસમોટી નવલકથા પણ પૂરી કરી હતી હોં કે!! આ તો ખાલી.. એમ જ કીધું તમને!)

વાર્તાની વાત કરીએ તો ફિલ્મની સ્ટોરીલાઈનને મૂળ નવલકથા પ્રમાણે જ ન્યાય અપાયો છે. એક ગામમાં રહેતાં સાત બાળકોનું જૂથ એમની સ્કૂલમાં ’લુઝર’ તરીકે જાણીતું હોય છે. એમાંનો એક મેમ્બર અચાનક ગાયબ થઈ જતાં ગ્રુપનાં બાકીનાં બાળકો તેને પોતાનાં ગામમાં વારંવાર બની રહેલી આ ઘટનાઓને અટકાવવા માટેનું બીડું ઝડપે છે. સમય આવતાં તેમને એવી ખબર પડે છે કે આ તમામ ઘટનાઓ માટે એક જોકર જવાબદાર હોય છે, જે શ્રાપિત હોય છે. નાના બાળકોને ભયભીત કરીને તેમાંથી પોતાની ઉર્જા મેળવનારો આ જોકર, ફિલ્મમાં અત્યંત બિહામણો દેખાડવામાં આવ્યો છે. આવા ખૂંખાર દરિંદા સામે લડવા માટે બાળકોની ટોળકી કયો ઉપાય અજમાવે છે?

એકે-એક સીનને અહીંયા દિગ્દર્શકે એ પ્રકારે શુટ કર્યો છે કે જેવા તેવાનાં તો હાંજા ગગડી જાય! (ચેતવણી– નબળા હ્રદયવાળાઓએ ભૂલે-ચૂકેય આ ફિલ્મનાં દર્શન ન કરવા). છેલ્લે આટલી જ મજા ‘એનાબેલ’ વખતે આવેલી. પરંતુ ભારતીય પ્રેક્ષકોની સમસ્યા શું છે ખબર છે? હોરર ફિલ્મોને હવે આપણે કોમેડી જોનરમાં નાંખી દીધી છે. દરેક થિયેટરમાં તમને એકાદ જણ તો એવો જોવા મળશે જ કે જેની ફાલતુ કોમેન્ટોનાં લીધે હોરર સીનની મજા મરી જાય. પણ ‘ઇટ’ ફિલ્મ બાબતે આ શક્યતા નહીવત છે.

ફિલમનો ફર્સ્ટ હાફ ઘણો સારો બનાવવામાં આવ્યો છે. પરંતુ સેકન્ડ હાફમાં એવું લાગે છે જાણે ફિલ્મ બનાવવાની પ્રક્રિયામાં દિગ્દર્શક થાકી ન ગયો હોય! છતાંય આમ જોવા જઈએ તો, નાની-મોટી ભૂલો તો દરેક ફિલ્મોમાં જોવા મળતી જ હોય છે. આ વર્ષની મસ્ટ વોચ ફિલ્મોમાંની એક ફિલ્મ છે-ઇટ!

bhattparakh@yahoo.com

ક્લાયમેક્સ :- ‘ઇટ’ ફિલ્મ જોઈને સિને’માં’ આજે તો એટલું બધું ફૂટડું અંગ્રેજી બોલવા લાગી છે કે આ લેખમાં પણ તમને એનો પ્રભાવ દેખાણો હશે!

સાંજ સ્ટાર :- સાડા ત્રણ ચોકલેટ

કેમ જોવી? – નેટફ્લિક્સ ઓરિજીનલ ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ની યાદોને તાજી કરવી હોય તો!

કેમ ન જોવી? – પોચા દિલના હો તો!

This Week on OTT

(૧) નેટફ્લિક્સ: ધ બિગ ડે

(૨) ઝી-ફાઇવ: લવ-સ્કેન્ડલ એન્ડ ડૉક્ટર્સ, ધ પાવર, ક્રેશ

(૩) સોની લિવ: કૉલેજ રોમાન્સ (સિઝન-૨)

Next Week on OTT

(૧) ઝી-ફાઇવ: દેવ ડીડી (સિઝન-૨)

(૨) સોની લિવ: ગર્લ્સ હૉસ્ટેલ (સિઝન-૨)

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud