‘સ્લમડોગ મિલિયોનર’ જોયા બાદ જેવી ફીલિંગ આવી હતી, એવી અત્યારે આવી રહી છે. ઑસ્કર અવૉર્ડ-વિનીંગ ફિલ્મ ‘પેરેસાઇટ’ અને રમીન બહરાનીની ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’ વચ્ચે ઝાઝું અંતર નથી. એકબીજાથી સાવ છેવાડાના બે અંતિમો પર ધબકતી જિંદગીઓનું અહીં નિરૂપણ છે.

લક્ષ્મણગઢ નામના સાવ અંતરિયાળ ગામડાંમાં રહેતો એક સંયુક્ત પરિવાર. બલરામ હલવાઈ (આદર્શ ગૌરવ) એનું એજ એક ફરજંદ, જેના સપના પોતાની આસપાસનું ગુલામીનું પિંજરું તોડીને આકાશમાં ઉડવાના છે. એક દિવસ ધનબાદ આવીને તે પોતાના ગામના જમીનદાર (મહેશ માંજરેકર)ને ત્યાં ડ્રાઇવર તરીકેની નોકરી સ્વીકારે છે. જમીનદારનો દીકરો અશોક (રાજકુમાર રાવ) અને ત્રવધુ પિન્કી (પ્રિયંકા ચોપરા) અમેરિકાથી થોડા જ મહિના પહેલાં ભારત આવ્યા છે. એમની લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ ધીરે ધીરે બલરામ માટે હાઇ-પ્રોફાઇલ લાઇફના આકર્ષણ માટેનું કારણ બને છે.

અંગ્રેજીમાં ‘રેગ્સ ટુ રીચિસ’ નામની એક ટર્મ છે. ‘ધ વ્હાઇટ ટાઇગર’ આ અંગ્રેજી ટર્મને ગુનાહિત માનસિકતા સાથે સાંકળીને યથાર્થ પૂરવાર કરે છે. ૨૦૦૮ની સાલમાં અરવિંદ અડિગા નામના લેખકે અંગ્રેજીમાં લખેલી નવલકથા ‘ધ વ્હાઇટ ટાઇગર’નું આ સ્ક્રીન એડેપ્શન છે, જે રમીન બહરાનીએ કર્યુ છે. પ્રિયંકા ચોપરા જોનસ પિન્કીનું પાત્ર નિભાવવા ઉપરાંત અહીં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસરની ભૂમિકામાં પણ છે. પ્રિયંકાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘ધ વ્હાઇટ ટાઇગર’ નવલકથાને (૨૦૦૮ની સાલમાં) ૪૦મું ‘મેન બુકર પ્રાઇઝ’ અનાયત થયું ત્યારથી તેના મગજમાં આ વાર્તા પરથી ફિલ્મ બનાવવાનો વિચાર ઘૂમી રહ્યો હતો. પરંતુ છેક ૧૨ વર્ષના અંતરાલ બાદ તે પ્રોડ્યુસ થઈ શકી.

મૂળ નવલકથા તો મેં વાંચી નથી, એટલે તેનું સ્ક્રીન-એડેપ્શન વધારે પ્રભાવશાળી છે કે પછી પુસ્તકનું લખાણ, એ કહી શકવું મુશ્કેલ છે. પરંતુ એટલું નક્કી છે કે ‘ધ વ્હાઇટ ટાઇગર’ પ્રેક્ષકના મગજમાં ગજબનાક છાપ છોડવામાં કામયાબ નીવડે તેવી ફિલ્મ છે. સાઉથ કોરિયાની ‘પેરેસાઇટ’ ફિલ્મમાં જેમ સેલારમાં રહેતો એક ગરીબ પરિવાર અને બીજી બાજુ આલિશાન બંગલામાં રહેતાં અમીર પરિવારની વાત છે, એમ અહીં પણ વિષયવસ્તુનું કેન્દ્ર તો મહત્વાકાંક્ષા જ છે!

લક્ષ્મણગઢ છોડીને નવોસવો ધનબાદ આવેલા બલરામની આંખોમાં હાઇપ્રોફાઇલ જિંદગીને જોઈ શકવાની કૃતજ્ઞતા સાફ ઝળકતી જોવા મળે. એની અભિભૂત આંખો, દિલ્હીની ઊંચી ઊંચી ઇમારતો જોયા બાદ તેના હાવભાવ, બોડી લેંગ્વેજ અંદરથી હચમચાવી મૂકે. ટૂથપેસ્ટ, શૂઝ, વૉશરૂમ-સ્પ્રે, પાણીનો નળ, જીવનમાં પહેલી વખત જોયેલી વિદેશી દારૂ… આ બધું જ તેના માટે પારલૌકિક દુનિયાનું છે! તે જે સમાજમાંથી આવ્યો છે, જે માનસિકતા વચ્ચે ઉછર્યો છે, જે ગુલામીભરી જિંદગી જીવ્યો છે ત્યાં આ બધી ચીજો સાવ અદ્રશ્ય છે. પૃથ્વી પર રહેતો માણસ મંગળ ગ્રહ પર કોલોની બનાવવાના વિચારો કરતી વેળા જે ખુશી અનુભવતો હોય, એટલી જ ખુશી બલરામને પાક્કી છત ધરાવતાં ઓરડામાં રહેવાથી અનુભવાય છે.

રમીન બહરાનીના ડિરેક્શનમાં કમાલ છે કે, જીવનમાં સાવ બેઝિક લાગતી ચીજો પ્રેક્ષકને એકાએક વરદાનરૂપ લાગવા માંડે છે. આપણે કેટલા નસીબવાન છીએ, એનો અનુભવ ‘ધ વ્હાઇટ ટાઇગર’ પોતાના પ્રેક્ષકને શરૂઆતની એક કલાકમાં કરાવી દે છે. અને પછી તો, આપણામાં પેલી કહેવત છે ને, વાઘ લોહી ચાખી ગયો’! બિલકુલ એવી જ રીતે, બલરામ પણ ગુલામી અને ગરીબીનું પાંજરું તોડીને મુક્ત-સ્વાભિમાની જિંદગી જીવવા માંગે છે. પરંતુ કઈ કિંમતે, એ નક્કી કરવાનું ચૂકી જવાય છે. ધીરે ધીરે અત્યંત ડાર્ક ગ્રે ઝોનમાં લઈ જતી ફિલ્મમાં એક સમયે પ્રેક્ષકને માસૂમ લાગતાં બલરામથી ભય લાગવા માંડે છે. તેની વિચારધારા અને મનસુબામાં આવેલા પલ્ટાથી પ્રેક્ષક ગભરાટ અનુભવે છે.

પહેલી વખત કદાચ એવું બન્યું છે કે, રાજકુમાર રાવ અને પ્રિયંકા ચોપરા જેવા જબરદસ્ત કલાકારો હોવા છતાં આદર્શ ગૌરવ સ્ક્રીન પર છવાઈ ગયો છે. ભૂતકાળમાં તમે તેને દીપા મહેતાની ’લૈલા’ વેબસીરિઝ અને દિવંગત શ્રીદેવી કપૂર અભિનિત ’મોમ’ ફિલ્મમાં જોઈ ચૂક્યા છે. શું અદ્ભુત અભિનય કર્યો છે આ છોકરાએ! મહેશ માજરેકર, પ્રિયંકા ચોપરા અને રાજકુમાર રાવ સાથેના સંયુક્ત દ્રશ્યોમાં પણ તે બાજી મારી જાય છે, રાજકુમાર રાવ અમેરિકન-એક્સેન્ટ ધરાવતાં પાત્રમાં ગૂંચવાઈ ગયો છે. તેના પર્ફોમન્સમાં કોઈ ખોટ નથી, પરંતુ આજ વખતે તે જોઈએ એટલી અસરકારકતા પેદા નથી કરી શક્યો. પ્રિયંકા ચોપરા જોનસનો કિરદાર ભલે નાનો રહ્યો, પણ તે સ્ક્રીન પર સ્વતંત્ર વિચારધારા ધરાવતી સ્ત્રીનું કેરેક્ટર નિભાવવામાં સફળ નીવડી છે. સૌથી મહત્વનું છે, આદર્શ ગૌરવના પાત્રનું ટ્રાન્સફોર્મેશન. એક ગરીબડાં, બિચારા, દુઃખિયારા લાગતાં બલરામના પાત્રને તેણે બે કલાકની ફિલ્મમાં જે રીતે ક્રમશઃ ઊંચક્યું છે, ઊંચાઈ આપી છે તે કાબિલેદાદ-અફલાતુન-લાજવાબ-બેનમૂન-જબરદસ્ત છે!

નેટફ્લિક્સ પર ગયા અઠવાડિયે ‘ત્રિભંગ’ બાદ આ અઠવાડિયે રીલિઝ થયેલી ‘વ્હાઇટ ટાઇગર’ એ ખરેખર બીજો સુખદ આંચકો ગણી શકાય.

bhattparakh@yahoo.com

ક્લાયમેક્સ: આખી વાર્તા પ્રથમ પુરૂષ એકવચનમાં ચીનથી ભારતની મુલાકાતે આવી રહેલાં પ્રાઇમ મિનિસ્ટરને કહેવાઈ રહી છે, અને તેનો સૂત્રધાર છે… બલરામ પોતે!

સાંજ સ્ટાર: સાડા ત્રણ ચોકલેટ

કેમ જોવી?: પ્રિયંકા ચોપરાની પ્રોડક્શન-સેન્સ પર વિશ્વાસ હોય તો!

કેમ ન જોવી?: ભારતની ગરીબી, બેકારી અને ગંદકી જોઈને સૂગ ચડતી હોય તો!

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud