મુંબઈ પોલીસ કમિશ્નર પરમવીર સિંહે પ્રેસ કૉન્ફરન્સમાં દાવો કર્યો હતો કે અર્ણબ ગોસ્વામીની ન્યુઝ ટીવી ચેનલ ‘રિપબ્લિક ભારત’ અને અન્ય બે મરાઠી ચેનલ ટીઆરપી ખરીદવાની અનૈતિક પ્રવૃત્તિમાં સક્રિય હોવાનું માલૂમ પડ્યું છે! મુંબઈ પોલીસે તો બે મરાઠી ચેનલના માલિકો સહિત કુલ ૪ લોકોની ધરપકડ પણ કરી. અર્ણબ ગોસ્વામીએ પોતાના પર લાગેલા આરોપો સામે નમી જવાને બદલે કૉર્ટમાં જવાનું નક્કી કર્યુ.

ટીઆરપી શબ્દ સાથે ટેલિવિઝન ચેનલોનો નાતો દાયકાઓથી અત્યંત ગાઢ છે. ધારાવાહિક બાબતે એકતા કપૂરને ‘ટીઆરપી ક્વિન’નું બિરૂદ આપવામાં આવ્યું છે. ન્યુઝ બાબતે પણ ટોચની ચેનલો બ્રેકિંગ ન્યુઝ માટે સતત અને સખત બાખડતી જોવા મળે છે. સુશાંતસિંહ રાજપૂતનો મુદ્દો હોય કે પછી ડ્રગ્સ મામલે બોલિવૂડ હસ્તીઓના સમાચાર, દરેક મામલે ન્યુઝ ચેનલ પોતાની જાતે જ ‘મીડિયા ટ્રાયલ’ ચલાવે છે, જેના કારણે ઘણી વખત સત્ય બહાર આવવાની સાથોસાથ નિર્દોષ વ્યક્તિ પણ દંડાઈ જતી હોય છે!

ટેલિવિઝન ઉર્ફે ઇડિયટ બોક્સની દુનિયામાં ટીઆરપીથી વધારે અગત્યનો શબ્દ બીજો કોઈ નથી. દર ગુરૂવારે આવતી ટીઆરપી રેટિંગના આધારે ટીવી ચેનલો પોતાનો નેક્સ્ટ વીક પ્લાન બનાવતી હોય છે. અગર ટીઆરપી ઓછા આવ્યા, તો મરી-મસાલાનો વઘાર કરીને ચેનલને વધુ સ્પાઇસી બનાવવા પર જોર મૂકવામાં આવે છે. અને ટીઆરપી વધારે આવ્યા તો તેને જાળવી કેમ રાખવા એ માટેના પ્રયાસો થતાં રહે છે. રિપબ્લિક ટીવી અને અર્ણબ ભારતના તાજા વિવાદ વચ્ચે આજે ‘ટીઆરપી’ શબ્દને જરાક નજીકથી સમજવાનો પ્રયત્ન કરીએ.

સ્ટાર નેટવર્કે ‘લાઈફ ઓકે’ ચેનલ પર પડદો પાડીને ‘સ્ટાર ભારત’ નામની નવી ચેનલ શરૂ કરી. તમને યાદ ન હોય તો જણાવી દઈએ કે ૧૮ ડિસેમ્બર, ૨૦૧૧ નાં સાંજે 8 વાગ્યે ‘દેવો કે દેવ મહાદેવ’ નામનાં પોપ્યુલર ટીવી શોથી પોતાની શરૂઆત કરનાર લાઈફ ઓકે ચેનલે ‘સ્ટાર વન’ ચેનલને રિપ્લેસ કરી હતી. આમ જોવા જઈએ તો સ્ટાર નેટવર્કનો આ ચેનલ માટેનો અનુભવ પહેલેથી કડવો રહ્યો છે. સવાલ એ છે કે ટેલિવિઝન પર પાંચ વર્ષ સુધી રાજ કરનાર લાઈફ ઓકે ચેનલ પર એવી તે કઈ આપદા આવી ચડી કે આખેઆખી ચેનલને જ બંધ કરી દેવાઈ!?

ટીવી ચેનલોનો આખો ખેલ ’ટીઆરપી’ નામનાં આ ટચૂકડાં શબ્દ પર નિર્ભર કરે છે. જેનું આખું નામ છે-’ટાર્ગેટ રેટિંગ પોઈન્ટ’!  તમે ઘણીવાર સાંભળ્યું હશે કે એકતા કપૂરની ‘નાગિન’ કે પછી ‘બિગ-બોસ’ની સિઝન હાલ ટીઆરપી રેસમાં આગળ છે. કોઈ પણ ચેનલ કે સીરિયલની સફળતાનો આધાર ટીઆરપી પર રહેલો છે. એક ચોક્ક્સ ચેનલ કે સીરિયલને દેશ-દુનિયામાં કેટલા પ્રેક્ષકો નિહાળી રહ્યાં છે તે માપવા માટે ટીઆરપીનો ઉપયોગ થાય છે. જેટલા વધુ ટીઆરપી એટલી પોતાની સીરિયલને વધુ લાંબુ ખેંચવા માટે પ્રોડ્યુસર-ડિરેક્ટરને છૂટો દૌર! એમાંય હવે તો પાછો સીરિયલોની બબ્બે ત્રણ-ત્રણ સિઝન પણ બનવા લાગી છે. નાગિનની પાંચમી સિઝન ચાલી રહી છે. તદુપરાંત, કૌન બનેગા કરોડપતિ. બિગ-બોસ, ખતરોં કે ખિલાડી આનાં પ્રત્યક્ષ ઉદાહરણો છે.

ઘણી બધી ન્યુઝ ચેનલો પોતાનાં બે કે અઢી વાગ્યાનાં શો માં દર અઠવાડિયાની ટોપ ટેન સીરિયલોનું લિસ્ટ જાહેર કરે છે. દર અઠવાડિયે નામો આગળ-પાછળ થતાં રહે છે. દરેક ડિરેક્ટર-પ્રોડ્યુસર-રાઈટરની ઈચ્છા એવી જ હોય છે કે પોતાનો શો ટીઆરપી રેસમાં સૌથી આગળ દોડે! પરંતુ સવાલ એ છે કે આ ટીઆરપીની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે? કેવી રીતે ખબર પડી શકે કે આખો દેશ અત્યારે ફલાણી કે ઢીંકણી સીરિયલને સૌથી વધુ જોઈ રહ્યો છે?

ટીઆરપી ગણવા માટે બે પધ્ધતિનો ઉપયોગ થાય છે

(૧) ફ્રિકવન્સી મોનિટરીંગ ટેકનિક : આ પધ્ધતિમાં દેશભરનાં અલગ-અલગ પ્રદેશોમાંથી ૫૫૦૦ ઘરોની પસંદગી કરવામાં આવે છે, જ્યાં ‘પીપલ મીટર’ નામનું એક ઈલેક્ટ્રોનિક ઉપકરણ બેસાડવામાં આવે છે. આ સાધન થકી દર્શક ટીવી પર કઈ ચેનલ અને સીરિયલ જોઈ રહ્યો છે તેની માહિતી મેળવી શકાય છે. આ ટચૂકડાં ઉપકરણને ટીવી પર લગાડી, જે ચેનલ જોવાઈ રહી હોય તેની ફ્રિકવન્સી નોંધવામાં આવે છે. સ્વાભાવિક રીતે સવાલ ઉઠે કે ટીવી સાથે જોડાયેલા ડિવાઇસ થકી ટીઆરપીની ગણતરી કઈ રીતે થઈ શકતી હશે! ‘પીપલ મીટર’ ડિવાઇસ એ એક પ્રકારનું બોક્સ છે, જેમાં અમુક બટન આપવામાં આવ્યા છે. ઘરનો કોઇ સભ્ય જ્યારે ટીવી જોવા બેસે છે ત્યારે તેમને ડિવાઇસનું બટન દબાવી તેને ઓન કરવાની સૂચના આપી દેવામાં આવે છે. સતત ચોવીસ કલાક સુધી એ ચાલુ રહીને ટીવી પર કઈ ચેનલ વધુ જોવાઈ રહી છે એનો ડેટા એકઠો કરી શકે છે.  બાદમાં આ ડેટાને ‘ઈન્ટેમ’ (ઈન્ડિયન ટેલિવિઝન ઓડિયન્સ મેઝરમેન્ટ) ખાતે મોકલવામાં આવે છે. આ કંપની ભારતભરમાંથી મંગાવાયેલા ડેટાનું પૃથ્થકરણ કરી ટીઆરપી લિસ્ટ તૈયાર કરે છે. હાલમાં, આ ટેકનિકનો ઉપયોગ ખૂબ ઓછા પ્રમાણમાં થઈ રહ્યો છે કારણકે ‘પીપલ મીટર’ ડિવાઈસ વિદેશમાંથી મંગાવવામાં આવતું હોવાથી તેનો ખર્ચ ઘણો વધી જાય છે.

(૨) પિક્ચર મોનિટરીંગ ટેકનિક : આ ટેકનિકમાં સેટેલાઈટ ચેનલની સાથોસાથ એક અન્ય સિગ્નલને ટ્રાન્સમીટ કરવામાં આવે છે. જે સમય-સમય પર ઈન્ટેમ સ્ટેશન પર ડિકોડ થઈને જોવાઈ રહેલી ચેનલોની યાદી બનાવી ટીઆરપી લિસ્ટ તૈયાર કરે છે. આ પધ્ધતિનો ઈસ્તેમાલ હાલ વધુ માત્રામાં થઈ રહ્યો છે

વિશ્વમાં ટીઆરપી કાઉન્ટ માટે ત્રણ કંપનીઓ હાલ અગ્રેસર છે : એસી નેલ્સન, એજીબી ગ્રુપ અને ગેલ્લપ! જ્યારે ભારતમાં એસી નેલ્સન અને ધ ઇન્ડિયન ટેલિવિઝન ઓડિયન્સ મેઝરમેન્ટ (INTAM)ની બોલબાલા છે. જોકે, એનાં લીધે ટીવી-જગતમાં વાદવિવાદો પણ ઘણા ઉઠ્યા. દૂરદર્શને નેલ્સનની કામગીરી સામે બહુ મોટો વાંધો છે. ભૂતકાળમાં ઘણી વખત દૂરદર્શન ‘કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા’ સમક્ષ પોતાની સમસ્યા જણાવી ચૂક્યું છે. જેનાં લીધે ટીઆરપી રેટિંગનો સમગ્ર ખેલ માર્ચ, ૨૦૧૪થી બાર્ક (BARK – બ્રોડકાસ્ટિંગ ઓડિયન્સ રીસર્ચ કાઉન્સિલ)નાં હસ્તક સોંપી દેવાયો છે. ઉપરોક્ત બંને પધ્ધતિઓથી નાખુશ દૂરદર્શન પોતાની અલગ ટીઆરપી ટેકનિકનો ઉપયોગ કરે છે જેનું નામ છે- ‘ડાર્ટ’ (દૂરદર્શન ઓડિયન્સ રેટિંગ)! જેમાં એક્ઝિક્યુટીવ પોતે, દર અઠવાડિયે ઘરોમાંથી મોટા પ્રમાણમાં ડેટા કલેક્શનની કામગીરી સંભાળે છે.

ટીઆરપી પર જ કોઇપણ ચેનલની સફળતાનો આધાર રહેલો છે. જે ચેનલ-સીરિયલની ટીઆરપી વધુ, એમને અલગ-અલગ બ્રાન્ડ્સની એડવર્ટાઇઝમેન્ટ મળવાની સંભાવના પણ વધારે! સીરિયલો કે ટીવી રિઆલિટી શોની વચ્ચે વચ્ચે આવતાં બ્રેક પર સામાન્યતઃ આપણે ધ્યાન નથી આપતાં હોતાં! નાગિન કે બિગ-બોસનાં બ્રેકમાં આવતી એડવર્ટાઇઝમેન્ટ પર એકવાર નજર ફેરવી જોજો! મોટી-મોટી કંપનીઓ (એપ્પી ફિઝ, ફિલિપ્સ, સોની, ગોદરેજ, ટાટા વગેરે)ની જાહેરાતો વધુ જોવા મળશે. એવી જ રીતે, ઓછી ટીઆરપી ધરાવતી સીરિયલોની બ્રેકમાં આવતી જાહેરાતો પ્રમાણમાં વધુ સાદી અને લોકલ (ગુજરાત-બેઝ્ડ અથવા ઇન્ડિયા-બેઝ્ડ) હોય છે! મલ્ટી-નેશનલ કંપનીઓ તરફથી મળતાં જાહેરાતોનાં (અબજો રૂપિયાનાં) કોન્ટ્રાક્ટ તો વળી કઈ ચેનલ જતાં કરી શકે!? તો આ છે, ટીઆરપી મેળવવા માટેની અંધાધૂંધ રેસ પાછળનું અસલી કારણ!

હાં, તો હવે શરૂઆત કરી હતી ત્યાં પાછા ફરીએ. લાઈફ ઓકે પર ત્રણ વર્ષ સુધી ‘દેવો કે દેવ મહાદેવ’ સીરિયલે પ્રેક્ષકોનાં ટીવી પર રાજ કર્યુ પરંતુ તેનો અંત આવતાં ચેનલ પાસે ‘સાવધાન ઈન્ડિયા’ સિવાય બીજો કોઈ એવો શો નહોતો બચ્યો જેનાં દમ પર તેઓ લખલૂટ ટીઆરપી કમાઈ શકે. કલર્સ, સોની, ઝી ટીવીની સામે સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે લાઈફ ઓકે ચેનલને એક નવાં કન્ટેન્ટની તલાશ હતી. આથી જ લાઈફ ઓકેનાં તમામ શો ને બંધ કરી ‘સ્ટાર ભારત’ શરૂ કરવામાં આવી.

ન્યુઝ ચેનલો પણ આમાંથી બાકાત નથી. એમનું ગુજરાન પણ મસમોટી કંપનીઓની જાહેરાતથી જ ચાલતું હોય છે. એવામાં ટીઆરપી વધારવા માટે ઘર દીઠ કે વ્યક્તિ દીઠ ૫૦૦-૫૦૦ રૂપિયા આપવાની શક્યતાને નકારી શકાય એમ નથી. પરંતુ પ્રેક્ટિકલી, આ તદ્દન અશક્ય અને અતિશય ખર્ચાળ લાગતી બાબત છે. અલબત્ત, હવે આ મુદ્દો ઉઠ્યો છે એટલે સત્ય તો બહાર આવશે જ!

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ (9726525772)

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

Facebook Comments

Our Partners

Allianz Cloud
error: Share the News !