ખળખળ વહેતાં ભાગીરથી નદીનાં ઝરણે કમઅક્કલ જોડે અલકમલકની વાતો. અત્યારે તો રહી ગઇ છે યાદો. ભૂસ્ખલને ગાંડીતૂર બનેલી એ નદીમાં તણાયેલી શાળાનાં અવશેષો જોતો એ કવિ ગમગીન બન્યો'તો ત્યારે કમઅક્કલે એની આંખોનાં ખૂણાં વાંચી લીધેલાં. એમની રચના સાદર.
ગીત
ના કોઈ પિચકારી લીધી, ના કોઈ રંગ ગુલાલ
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.
રંગ બ્હારનો હોય તો એને ભૂંસું હું પળભરમાં,
ફૂલગુલાબી પડ્યો શેરડો, ઊતરી ગ્યો અંતરમાં.
રુંવે રુંવે રંગ ફૂંવારા ઉડ્યા રે તત્કાલ.
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.
ઊંચાનીચા શ્વાસ અને ધબકારા પીટે ઢોલ,
સખીઓ પૂછે, ગામ વચાળે કોણ રંગી ગ્યું બોલ,
દોટ મૂકી હું દોડી પાછળ પગલાં રહી ગ્યા લાલ.
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.
- વિમલ અગ્રાવત
આ કવિની રચના વડોદરાનાં સુગમ સંગીતનાં નવલોહિયા યુવાન કમાલ ત્રિવેદીએ તારી સાથે નામક આલ્બમમાં સ્વરબધ્ધ કરી છે એ ઉપરાંત ફિરદોશ દેખૈયા ભાવનગરનાં સ્વરકારે ખારવણ ખારી ખારીનું સ્વરાંકન કર્યું છે એને પણ માણીએ ને આ સાથે કમઅક્કલ તરફથી રંગોત્સવની શુભેચ્છાઓ. link અધારીત બાબતની ઉદારતા કવિ હિમલ પંડ્યા.