(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)

એક દિવસ સમ્રાટ અકબરે દરબારમાં પોતાના રાજગવૈયા તાનસેનને કહ્યું, “તાનસેન, તું દુનિયાનો શ્રેષ્ઠ ગાયક છે. તારાથી સારું કોઈ ગાઈ જ ન શકે. સર્વશ્રેષ્ઠ, એમ.”

તાનસેનને કહ્યું, “ના જનાબ, એવું નથી. તમે મને સાંભળ્યો છે? હું સારું ગાઉં છું એ બરાબર, પણ દુનિયાનો સર્વશ્રેષ્ઠ ગાયક હું નથી.”

“તો તું કહે કોણ છે?”

“મારા ગુરુ છે, હરિદાસ સ્વામી. તમે એમને સાંભળો તો ખબર પડશે કે હું તો કંઈ ગાતો જ નથી.”

અકબરે કહ્યું, “બોલાવી લાવો હરિદાસ સ્વામીને, આપણે સાંભળીએ એમને. કોઈને મોકલો એમને તેડવા.’

તો તાનસેને કહ્યું, ‘એ તો નહીં આવે.’

‘તો આપણે હાથી લઈને દીવાનને મોકલીએ. તમે જઈ આવો એમને તેડવા.”

“હરિદાસ સ્વામી તો મારાથી પણ ન આવે, એમને સાંભળવા હોય તો આપણે ત્યાં જવું પડે.”

સમ્રાટ કબૂલ થઈ ગયા, “તારાથી સારું કોઈ ગાતું હોય, તો એ સાંભળવા તું કહીશ ત્યાં આવીશ.”

એટલે બેઉ જણ ગયા એક ગાઢ જંગલમાં.

એક જગ્યાએ તાનસેન રોકાયા, “મહારાજ, તમે અહીં જ રોકાવ. અહીં પાછળ જ મારા ગુરુનો એક નાનકડો આશ્રમ છે.”

અકબર કહે, “ચાલો આપણે આશ્રમમાં જઈએ.”

તાનસેન કહે, “ના. આપણાથી અંદર ન જવાય. તમારે તો એમનું ગાયન સાંભળવું છે ને?”

“હા”

“તો અહીં જ બેસો.”

રાત આખી બંને ત્યાં જ બેઠા. મચ્છરો કરડે, જંગલનો એટલો બધો ત્રાસ ને એમાં વળી ઠંડી કહે મારું કામ.

રાજા કહે, “પણ હવે ક્યારે? હવે તો સવાર પડી ગઈ. ચાલ, હવે તો અંદર જઈએ.”

તાનસેન કહે, “ના જવાય, ગાયન સાંભળવું છે ને? બેસો.”

“પણ ક્યારે ગાશે?”

“એમની મરજી હોય ત્યારે ગાય. એમને થોડા રાજ-દરબાર છે કે આટલા વાગ્યા એટલે ગાવાનું છે.”

બંને બે દિવસ બેસી રહ્યા. પછી અકબર ખિજાયા, “અરે તાનસેન, આવું થોડું ચાલે યાર. આપણે બે દિવસથી બેસી રહ્યા છીએ. તું જઈને કહે તો તારા કહેવાથી ના ગાઈ શકે?”

“ના ગાય.”

બીજે દિવસે સવારે ચાર વાગે એકદમ દિવ્ય સ્વરો ઊભરાયા.

સમ્રાટ અકબર હોશ ખોઈ બેઠા, કે આવું અદ્‌ભૂત કોઈ કઈ રીતે ગાઈ શકે, જેના વડે આખું જંગલ હલી જાય, આખું જંગલ નાચવા લાગે. આખી જીવન સૃષ્ટિ, ચેતન સૃષ્ટિ હલી જાય એવો નાદ થયો, એવું ગાયન થયું.

થોડીવાર પછી ગાયન બંધ થઈ ગયું, એટલે રાજાએ કીધું કે, ‘તું જા અને એમની પાસે ફરી ગવડાવ.”

તાનસેને જવાબ આપ્યો, “એ એમ ન ગાય, સમ્રાટ. આપણે હવે ચાલો.”

અકબર કહે, “આપણે પહેલાં એમનાં દર્શન તો કરી લઈએ.”

તાનસેન કહે, “ભલે, દર્શન કરવા જઈએ. પણ એમની પાસે ફરીથી ગાવાની કોઈ વાત કરતા નહીં. દર્શન કરીને પાછા આવતાં રહીએ પણ તમારે બોલવાનું નહીં.”

દર્શન કરી બંને પાછા ફરતા હતા, ત્યારે રસ્તામાં અકબરે તાનસેનને કહ્યું, “અલ્યા તાનસેન, તું તો શું ગાય છે? સાવ બેસૂરો છે તું તો.”

તાનસેને જવાબ આપ્યો, “હું તો પહેલેથી કહેતો હતો કે હું સારો ગવૈયો નથી, મારા કરતાં મહાન ગવૈયા તો આ જ છે.”

અકબરનું કુતૂહલ શમતું ન હતું. “તમારા બંનેમાં એવો ફેર શું છે કે એમનું ગાયન આટલું અદ્‍ભૂત, અને તું આટલું સામાન્ય ગાય છે.”

“મહારાજ, એક જ ફેર છે.”

“શું?”

“હું તમને ખુશ કરવા ગાઉં છું, અને એ એમના ભગવાનને ખુશ કરવા ગાય છે. એમને ક્યાં કોઈ બાદશાહ છે? હું તો બાદશાહ માટે ગાઉં છું અને બાદશાહ માટે જીવું છું, જ્યારે એ તો ખુદા માટે ગાય છે અને ખુદા માટે જીવે છે. તેઓ ખુદા માટે જે ગાય છે, એ ગાયકી તો હું ક્યાંથી લાવું મહારાજ? હું શીખ્યો છું એ જ અને ગાઉં છું પણ એ જ, જે એ ગાય છે. પણ એમને માટે ગાયન એ ખુદાની બંદગી છે, અને મારા માટે તો આપ જે કહો તે, અને જ્યારે કહો ત્યારે ગાવાનું છે. આટલો ફરક.”

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud