મા-બાપને ભૂલશો નહીં -  જીતુભાઈ પંડ્યાની #સીધીવાત

(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)

સીધીવાત : આજે એક બહુ મહત્ત્વની અને અગત્યની વાત કહેવી છે. યાદ રાખજો. તમારાં બાળકો, તમે શું કહો છો તે પ્રમાણે જિંદગી નથી જીવવાનાં, તે પ્રમાણે જિંદગીમાં નથી કરવાનાં, પણ તમે તમારી જિંદગીમાં જે કરો છો તે જોઈને જ તેઓ શીખશે અને તે પ્રમાણે જ કરવાનાં છે.

આ વાક્યો તમારાં ઘરની દીવાલો પર લખી રાખો. આ માનસશાસ્ત્રનો અફર નિયમ છે. જુઓ, તમે તમારાં ઘરમાં જે ભાષા બોલો છો, તે ભાષા બાળકને કોઈ સ્કૂલમાં મોકલીને શીખવવી નથી પડતી. એ પોતાની જાતે જ શીખી જાય છે. એ તમારું અનુકરણ કરે છે, તમને ફોલો કરે છે.

હવે મોટાભાગનાં ઘરોમાં આજકાલ એક જ હૈયાહોળી ચાલે છે. ઘર છે સાંકડું અને ઘરડાં મા-બાપ કે વિધવા મા વચ્ચે અટવાયા કરે છે. પતિ-પત્ની રહે છે બાપનાં બનાવેલાં ઘરમાં, પણ હવે એમના માટે આ ડોસા-ડોસી ગળાની ફાંસ બની ગયાં છે. થાય છે, કે આ ડોસી મરે, તો એમના રૂમમાં બાળકો માટે સ્ટડી રૂમ બનાવું.

ઘરમાં પોતાનાં ઘરડાં માતા-પિતા માટે જ હવે જગ્યા નથી રહી, દિલમાં આદર નથી રહ્યો. છોકરીઓનાં મા-બાપ અને ખાસ તો મા, તેને બરાબરની તૈયાર કરીને સાસરે મોકલે છે કે, બધું કબજે કરી લેજે! ડોસીના દાગીના પણ તારી પાસે રાખજે! ડોસીને પહેલેથી જ દબાયેલી રાખજે!

જે પતિ-પત્ની ખુબ કમાય છે, તેઓ ઘરડાં મા-બાપને તેમનાં ઘરમાં છોડીને પોતે નવા ફ્લેટ-બંગલામાં ગોઠવાઈ જાય છે. બહુ હોશિયાર છોકરો હોય તો તે ધીમે રહીને પોતાની ઓફિસમાંથી જ એવું ગોઠવે છે કે, બહારગામની બ્રાન્ચમાં બદલી થઈ જાય. એટલે કોઈ પણ જાતના હૃદયબોજ વગર, સમાજમાં ખરાબ દેખાયા વગર, એ માતા-પિતાથી દૂર નવું ઘર વસાવી લે છે. #સીધીવાત

હવે જે છોકરા સાથે માતા-પિતા રહે છે અને છોકરો-વહુ મા-બાપની ઇચ્છાનું માન રાખે છે, માનથી બોલાવે છે, રોજ સવારે મા-બાપને પગે લાગીને ઓફીસ જાય છે, એનાં છોકરા-છોકરીને કહેવું નથી પડતું કે, તમે દાદા-દાદીને પગે લાગીને સ્કૂલે જાવ. અરે થોડા જ વખતમાં એ પોતાનાં માતા-પિતાને પણ પગે લાગવા લાગે છે!

ઘરમાં ઘરડાં સાસુ-સસરા કે વડીલ હોય તો તમે કેટલાં નિશ્ચિંત રહી શકો છો. તમારાં સંતાનોને તમારે આયાઓના હાથમાં મૂકી નથી જવાં પડતાં. દાદા-દાદીઓની વાતો અને દેખરેખમાં ઉછરેલાં બાળકોમાં એક ખાસ પ્રકારની નજાકત જોવા મળે છે.

આ બધાં કરતાં પણ તમને એક ખાસ વાત કહેવા માંગું છું કે, તમારે તમારી જિંદગીમાં બહુ તરક્કી કરવી છે, બહુ પૈસા બનાવવા છે, બહુ પ્રગતિ કરવી છે, તમે બહુ જ સ્વાર્થી પ્રકારના માણસ છો! અને તમારે તમારી જિંદગીમાં ખૂબ જ સ્વાર્થ સાધવો છે, ઓછી મહેનતે આગળ નીકળી જવું છે, તો તમારાં મા-બાપની ખૂબ સેવા કરો. #સીધીવાત

મારી વાત તદ્દન ઊલટી છે. જેમને જિંદગીમાં ફકીરની જેમ રહેવું છે, કશું જ મેળવવું નથી, તેઓ પોતાનાં માતા-પિતાની સેવા નહીં કરે તો ચાલશે. પણ જે લોકો મહાસ્વાર્થી છે, તેમણે પોતાના સ્વાર્થ સાધવા પણ મા-બાપની ખૂબ સેવા કરવી જોઈએ.

હું આ વાત આપણાં શાસ્ત્રોની મદદથી તમને સમજવું. તમે તમારાં મા-બાપની જીવ તે જીવ બહુ સેવા કરી છે અને સામાન્ય રીતે તો મા-બાપ વહેલાં મરતાં હોય છે. મર્યા બાદ તમારા પિતા કાં તો દેવયોનીમાં જશે, ક્યાં પ્રેતયોનીમાં જશે, ક્યાં પિતૃલોકમાં જશે.

હવે જીવ તે જીવ તો તમારાં માતા-પિતા બહુ સામાન્ય માણસો હતાં. મીડલ ક્લાસનાં ઓર્ડિનરી માણસો. પણ મર્યા પછી એ પ્રેતયોનીમાં જશે, તો પણ એમની આ મૃત્યુલોકની શક્તિ કરતાં તેમની પાસે  પચાસ-સો ગણી તાકાત હશે. જો તમે જીવતેજીવ એમને રાજી કર્યાં હશે, તો એ પ્રેતયોનીમાંથી પણ તમને જેટલો ફાયદો કરવી શકતાં હશે તેટલો ફાયદો કરાવશે. એ યોનિમાંથી જેટલું થઈ શકતું હશે એટલું તમારું ભલું કરશે, કારણ કે એ તમારાં માતા-પિતા છે પણ તમે જો જીવ તે જીવ મા-બાપને પજવ્યાં છે, હેરાન કર્યા છે, ત્રાસ આપ્યો છે, તો તે તમારું ખરાબ કરવામાં પાછું વાળીને જોશે નહીં. #સીધીવાત

(જો તમે હસતાં હો કે ભૂત-પ્રેત જેવું કશું નથી, તો આચાર્ય રજનીશને વાંચજો. એ કહે છે કે પ્રેતયોની છે.)

હવે જો તેમનાં પુણ્યને કારણે તેમનો દેવલોકમાં વાસ થયો તો તેમની સારું કે ખરાબ ફળ આપવાની તાકાત ૫૦૦-૧૦૦૦ ગણી વધી જાય છે.

ચાલો, તમે પ્રેતલોક કે દેવલોકમાં માનતાં નથી તો કઈ નહીં પણ પુનર્જન્મમાં તો માનો છો ને? તમે જો મા-બાપને ખૂબ ત્રાસ આપ્યો હશે તો એ મા-બાપ બીજે જન્મે તમારે ઘેર જન્મી તમને યેન-કેન પ્રકારે ત્રાસ આપ્યા વગર નહીં રહે. લકવામાં પથારીવશ થઈ ગયેલી સાસુની તમે સેવા નહીં કરો તો બીજે જન્મે એ અપંગ છોકરો થઈ તમારી કૂખે જન્મશે. સાસુની સેવા તો ૨-૫ વર્ષ કરવાની હતી જે તમે ના કરી તો હવે છોકરની સેવા તમે જીવશો ત્યાં સુધી કરવી પડશે. #સીધીવાત

ઘણા મા-બાપ કહેતાં હોય છે કે આ છોકરો કયા જન્મનું માંગતું લેવા આવ્યો છે, જિંદગી ઝેર કરી નાંખી છે. ત્યારે તેમણે સમજવું જોઈએ કે ગયા જનમમાં તમારા મા-બાપને તમે ઠરવા દીધા નથી, દુઃખી-દુઃખી કરી નાખ્યા હતાં તો આ જન્મે એ તમને દુઃખી કરવા આવ્યાં છે.

એટલે, જીવતાં મા-બાપની સેવા કરીને શું મળશે તેમ વિચારીને જેમણે એમને ત્રાસ આપ્યો છે, તે કદી સુખી થવાનાં નથી. #સીધીવાત

મારા જીવનની વાત કરું. અમારા કુટુંબે મારી લકવાગ્રસ્ત માની, દિલ દઈ ખૂબ સેવા કરેલી. મેં ન્યુઝ પ્લસ ચેનલ શરૂ કરી ત્યારે મારી પાસે માત્ર રૂપિયા ૧૫૬ હતા જેમાં તે સમયે ટીવીનું નવું રીમોટ માંડ આવતું. અને અનેક મુશ્કેલીઓ વચ્ચે મારી આ ચેનલ ચાલી છે તે મારી માના આશીર્વાદથી જ ચાલી છે.

More #સીધીવાત #Jitubhai Pandya #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud