મને એક ભાઈનો ફોન આવ્યો. ફોન પર કહે, “જીતુભાઈ, આપઘાત કરવાનું દિલ થઈ ગયું છે, હવે જીવવા જેવું નથી લાગતું. ઉઘરાણીવાળા જીવ લેવા બેઠા છે. ઘરમાં આવીને બૈરા-છોકરાના દેખતાં ગાળો દે છે. ના બોલવાનું બોલે છે. કાલે તો એક જણ પોળમાં ઊભો-ઊભો બૂમો પાડીને ઉઘરાણી કરતો હતો. મારી શી આબરૂ રહી. મને થાય છે કે મરી જઉં.”

મેં એમને કહ્યું કે, “કાલે હું ટીવી પર તમારા માટે જ સીધી વાત કરીશ, એટલે મારી સીધી વાત સાંભળ્યા વગર આપઘાત ના કરી લેતા. પછી શાંત ચિત્તે નિર્ણય લેજો.”

મેં બીજે દિવસે આવા લેણિયાતોથી ત્રસ્ત દેવાદાર લોકો માટે આવી સીધી વાત કરી.

જે લોકોને માથે માથાના વાળ જેટલું દેવું થઈ ગયું છે, અને ચૂકવાતું નથી, તેમને જીવવાનું બહુ અઘરું લાગે છે. કેટલાક લોકો વિચારે છે, કે મેં લોકો પાસેથી રૂપિયા ઉધાર લઈ બહુ ખોટું કર્યું છે. રૂપિયા પાછા ચૂકવાતા નથી. એ વગર મરી ગયો તો પણ આ પાપમાંથી ક્યારે છૂટીશ.

તો જે ભાઈઓને આવો વસવસો થાય છે, પાપના ભારથી જીવ વલોવાય છે, તેમના આત્માની શાંતિ માટે મારે એટલું જ કહેવાનું છે, કે તમે લોકોના લાખો રૂપિયા ઉધાર લઈ પાછા ચૂકવી શકતાં નથી, તે બની શકે કે પાપનું નહીં ખૂબ જ મોટા પુણ્યનું કામ હોય! બન્યું એવું હોય કે, પાછલાં જન્મમાં તમારી પાસેથી મોહનભાઈએ ૫૦ લાખ રૂપિયા લઈ ગયા હોય અને તે રૂપિયા પરત કર્યા પહેલાં મોહનભાઈ ગુજરી ગયા હોય, એટલે આ જન્મે તમે મોહનભાઈ પાસેથી તમારા પાછલાં જન્મના બાકી નીકળતા પચ્ચાસ લાખ રૂપિયા ઉધાર લીધા હોય, જે હવે તમે પાછા ચૂકવી શકતા નથી. જો આવું થયું હોય તો તમે મોહનભાઈ પર ખરેખર તો ઉપકાર જ કર્યો છે. તેમને પાપના ભારમાંથી મુક્ત કરાવ્યા છે, તેમને કર્મનાં બંધનમાંથી મુક્ત કરાવ્યા છે. હવે તમે જ કહો, કે તમે આ સ્થિતિમાં પાપ કર્યું કે પુણ્ય કર્યું?

હવે આપ જો કહો, માનો કે મોહનભાઈ એ મારી પાસેથી ૫૦ લાખ લીધા ના હોય તો શું?

તમારી વાત સાચી હોય કે, મોહનભાઈએ પાછલાં જન્મમાં તમારી પાસેથી આ રીતે ૫૦ લાખ નથી લીધા. તો પછી આપ કહેશો કે હવે તો મેં પાપ કર્યું કહેવાય કે નહીં?

ભાઈ, આપણે હિંદુ છીએ, આપણને ખ્રિસ્તી કે મુસલમાનની જેમ એક જ જન્મ નથી હોતો. આપણે તો લાખો યોનીમાં ફરી-ફરી આજે આ જન્મમાં આવ્યા છીએ, અને તમારા અને મોહનભાઈના હજુ કરોડો જન્મ બાકી છે.

આ જન્મે ૫૦ લાખ પરત ના થાય તો કોઈ વાંધો નહીં, આવતાં કોઈ જન્મમાં આપણે મોહનભાઈને ચૂકવી દઈશું, નહીં તો આવતાં કોઈ જનમમાં મોહનભાઈ આપણી પાસેથી ૫૦ લાખ ઉધાર લઈ જઈને આપણને પાછા નહીં આપીને હિસાબ સરભર કરી નાખશે.

તો પહેલી વાત કે કોઈના ઉધાર લીધેલા પૈસા પરત ના કરી શકીએ તો કોઈ પાપ પણ નથી કે પુણ્ય પણ નથી. ચોપડે-ચોપડે ખેંચાતો હિસાબ છે. એ તો ચાલ્યા કરે.

હવે હું વાત કરવા માંગું છું તે એ કે, ગઈકાલે જે કહેતા હતા કે આખો દિવસ માંગનારાઓની ઉઘરાણીથી કંટાળી ગયો છું. આપઘાત કરવાનું મન થાય છે, એ ભાઈને મારે આશ્વાસન આપવાનું કે ભઈલા, તારે ભાઈબંધ, દોસ્તાર કે ધીરધાર કરનારાઓ પાસેથી ઉછીના લીધેલા પૈસાની તારી પાસે દિવસભર ઉઘરાણી થાય છે તેનું તું આટલું બધું મન પર ના લે.

સાચું કહું તો તારી અને મુકેશ અંબાણીની દશા એક સરખી છે.

જો ભાઈ, મુકેશ અંબાણી ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ છે. એણે કમાવા તો જવાનું નથી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ્માં વાઈસ પ્રેસિડન્ટ અને ડાયરેક્ટરોની એક મોટી ફોજ રાત-દિવસ મુકેશ અંબાણી માટે કમાઈ રહી છે. અને દિન દુગુની અને રાત ચોગુની મુકેશ અંબાણીની  આવકમાં વધારો કરતી રહે છે. કેમ કમાવું એ મુકેશ અંબાણીની  ચિંતા છે જ નહીં. રોજ કરોડો રૂપિયા મુકેશ અંબાણીના ખાતામાં જમા થતા જ રહે છે, તો પછી રોજ મુકેશ અંબાણી ઓફિસમાં જઈને શું કરે છે તે જોઈએ.

મુકેશ અંબાણી સવારે ૧૧ વાગે ઓફિસમાં પહોચે છે કે તેમના પર્સનલ સેક્રેટરી સાહેબને એક લાંબુ લીસ્ટ આપે છે કે, સાહેબ સવારથી આ મહાનુભાવોના ફોન આવી ગયા છે. (૧) મુલાયમસિંહ યાદવ (૨) અહેમદભાઈ પટેલ (૩) અમિતભાઈ શાહ (૪) મધ્યપ્રદેશના નાણાપ્રધાનશ્રી (૫) હરિયાણાના ઉદ્યોગપ્રધાનશ્રી (૬) આનંદીબેન પટેલ મેડમ વગેરે-વગેરે. નામ ગમે તે હોય. મુકેશ અંબાણી લીસ્ટ લઈને કામે લાગે છે અને સામેથી એક પછી મહાનુભાવોને ફોન કરીને તેમની સાથે વાત કરતા રહે છે અનિલભાઈ એક કાગળ પર આંકડા પાડતા રહે છે ૨૫૦ કરોડ, ૪૦૦ કરોડ, ૨૨ કરોડ, ૭૮૧ કરોડ આ બધા મહાનુભાવો મુકેશ અંબાણી પાસેથી કડક ઉઘરાણી કરી રહ્યા છે. યાદ રહે કે, તમે તો ઉધાર લઈ આવ્યા છો અને એટલે જ તમારી પાસે ઉઘરાણી થાય છે, જ્યારે મુકેશ અંબાણીએ તો વગર ઉધાર લીધે ચૂકવણાં કરવાનાં છે.

વચ્ચે એક ફોન આવ્યો. સીધી જ વાતઃ “જો મુકેશ, તને મેં કહ્યું હતું કે આ વખતે તારે ૭૫૦ કરોડ તો આપવાના જ છે. તું જાણે છે કે મેડમને વાયદા પસંદ નથી, તેમ છતાં તું રકઝક કરે છે. મને ફાઇનલ જવાબ જોઈએ છે, હમણાં ને હમણાં. તું ૭૫૦ કરોડ આપવાનો છે કે હું મેડમને ના કહી દઉં. પછી તું મને કશું કહેતો નહીં. જો મુકેશ, આમાં કશું જ ઓછું થવાનું નથી. કાં હા કહે, કાં ના કહે. હું સાંજના ચાર વાગે તારા ફોનની રાહ જોઈશ ” કહી સામાવાળેએ ફોન કટ કરી નાંખ્યો.

ભઈલા, મુકેશ અંબાણી સવારથી ઓફિસમાં બેઠા-બેઠા ઉઘરાણી કરવાવાળાને જ નિપટાવતા હોય છે. ધીરુભાઈના શિક્ષકની છોકરીની છોકરીનાં લગ્ન માટે કોઈ પાંચ લાખ લેવા આવ્યું છે, તો કોઈ ફેડરેશનવાળા કલકતામાં ભારતના નાણાપ્રધાનનાં પ્રવચન માટે ફાળો લેવા આવ્યા છે.

આ બધાં વચ્ચે ચાર વાગે મુકેશ અંબાણીના  પી.એ. ફોન પર કહે, “સાહેબ, દુબઈથી ભાઈનો ફોન છે. મુકેશ અંબાણી મનમાં ગણતરી મૂકે છે કે, ભાઈને ૫૦૦ કરોડ તો આપવા જ પડશે. ત્યાં સામેથી ભાઈ કહે છે મુકેશ કૈસે હો? દેખ મુકેશ, એક છોટા સા કામ પડા હૈ. મેરે પાસ ૫ કરોડ ડોલર પડે હૈ. કોઈ ધંધે મેં લગા દેના. સાલમેં ૧૫ પરસેન્ટ છૂટેગા તો ભી ચલેગા. મેં મુસ્તુફા કો ભેજતા હું. પૈસા કૈસે ભેજું, સમઝા દેના.”

મુકેશ અંબાણીને પસીના છૂટી જાય છે દુબઈવાળા ભાઈના ૫ કરોડ ડોલર. ભાઈ કો ૧૫% વ્યાજ દેનેકા. હા બોલું, સરકાર પકડેગી. ના બોલું, ભાઈ છોડેગા નહીં.

સમજી ગયા ભાઈ? તમે ઉઘરાણીવાળાથી એકલા પરેશાન નથી. અનિલ, ગોદરેજ, તાતા, બિરલા, દલસુખભાઈ પ્રજાપતિ, મણીભાઈ વાસણવાળા બધા જ ઉઘરાણીવાળાથી પરેશાન છે.

તને ગલીના ટપોરિઓ પજવે છે, અને આ બધાને મોટા ભાઈઓ, પ્રેસવાળા, મીડિયાવાળા, રાજકારણીઓ, બધા પજવે છે.

તું જ કહે, કોણ વધારે દુઃખી છે? તું કે મુકેશ અંબાણી?

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud