હૈદરાબાદના ૨૧ વર્ષના યુવાન નીલકાંત ભાનુ પ્રકાશે લંડન ખાતે યોજાયેલી ‘માઇન્ડ સ્પૉર્ટ્સ ઓલિમ્પિયાડ’ની ‘મેન્ટલ કેલ્ક્યુલેશન વર્લ્ડ ચેમ્પિયનશીપ’માં નવો કીર્તિમાન પ્રસ્થાપિત કર્યો છે. યુનાઇટેડ કિંગ્ડમ, જર્મની, યુનાઇટેડ આરબ એમિરાટ્સ, ફ્રાન્સ, ગ્રીસ અને લેબેનોન સહિતના ૧૩ દેશોમાંથી આવેલા ૨૯ સ્પર્ધકોને હરાવ્યા બાદ ભાનુ પ્રકાશે ગોલ્ડ મેડલ મેળવયો છે. તેના નામે ૪ વર્લ્ડ રેકૉર્ડ્સ અને ૫૦ જેટલા લિમ્કા બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સ દર્જ થયેલા છે!

પાંચ વર્ષની ઉંમરમાં થયેલા એક રોડ અકસ્માતે ભાનુ પ્રકાશને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યો છે. પોતાના નાનકડા બાઇક પર સવારી કરતી વખતે તે એક બસ સાથે અથડાયો અને પુષ્કળ ખૂન વહી જતાં આઇ.સી.યુ.માં ઑપરેશન માટે લઈ જવામાં આવ્યો, જ્યાં તેના માથામાં કુલ ૭૦ ટાંકા લેવામાં આવ્યા. ભાનુ પ્રકાશનો ચહેરો એટલી હદ્દે વિકૃત થઈ ગયો હતો કે તેના પરિવારજનોએ ઘરના તમામ અરીસાઓ પર પડદા ઢાંકી દીધા હતાં, જેથી ભાનુ પ્રકાશ પોતાનો કદરૂપો ચહેરો જોઈને હતપ્રભ ન થઈ જાય! સતત એક વર્ષ સુધી તેની સારવાર ચાલી. ડૉક્ટર્સ દ્વારા તેના મગજને કાર્યરત રાખવા માટે ગાણિતીક સમીકરણો અને એબેકસ પર ભાર મૂકવામાં આવ્યો, અને એ અકસ્માતના બરાબર ૧૫ વર્ષ પછી તેણે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતનું નામ રોશન કર્યુ.

થોડા સમય પહેલાં જ એમેઝોન પ્રાઇમ પર વિદ્યા બાલન સ્ટારર ‘શકુંતલા દેવી’ ફિલ્મ રીલિઝ થઈ હતી, જેમાં નેવુંના દાયકાના હ્યુમન કેલ્ક્યુલેટરની વાત કરવામાં આવી હતી. એક એવી વ્યક્તિ, જે કમ્પ્યુટર અને કેલ્ક્યુલેટર કરતા પણ વધુ ઝડપથી ગાણિતીક સમીકરણોના ઉકેલ લાવી શકે છે. ૧૯૯૮ની સાલમાં લંડન ખાતેની ‘માઇન્ડ સ્પૉર્ટ્સ ઑલિમ્પિયાડ’માં શરૂ કરવામાં આવેલી ‘મેન્ટલ કેલ્ક્યુલેશન વર્લ્ડ ચેમ્પિયનશીપ’ની વૈશ્વિક સ્તરની સ્પર્ધામાં નીલકાંત ભાનુ પ્રકાશે ગોલ્ડ મેડલ જીતીને ભારતને ફરી વિશ્વનકશા પર મૂકવાનું કામ કર્યુ છે. ભારતમાં રામાનુજમ, શકુંતલા દેવી જેવા ધુરંધર ગણિતજ્ઞો થઈ ગયા. પરંતુ નવી પેઢીમાં આ પ્રકારે ગર્વ લઈ શકાય એવી કોઈ પ્રતિભા હમણા સુધી આપણી પાસે નહોતી. આ માન્યતાનું ખંડન ભાનુ પ્રકાશે કર્યુ છે.

પાંચ વર્ષની ઉંમરમાં થયેલા રોડ એક્સિડેન્ટને કારણે ડોક્ટર્સની સલાહ મુજબ ભાનુ પ્રકાશના મગજને પ્રવૃત રાખવા માટે અલગ અલગ પ્રકારની મેન્ટલ એક્સરસાઇઝ જરૂરી હતી. આથી તેના પરિવારજનોએ તેને પઝલની દુનિયા સાથે પરિચય કરાવ્યો. ધીરે ધીરે તેણે એબેકસ શીખવાનું શરૂ કર્યુ. એરિથમેટિક મેથ્સ શીખતાં પહેલા જ એબેકસ શીખી લીધું હોવાથી ભાનુ પ્રકાશને ગણિત માટે પ્રેમ હતો. એ પછી તો તેણે દિલ્હીની સેન્ટ સ્ટિફન કૉલેજમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યુ અને સાથે સાથે લંડન ખાતે યોજાયેલી ગણિત સ્પર્ધામાં પણ ભાગ લીધો.

કૉમ્પિટિશનમાં જ્યારે તે વિજેતા બન્યો ત્યારે ત્યાં બેઠેલા નિર્ણાયકોને ભરોસો નહોતો બેસી રહ્યો કે એક ૨૧ વર્ષનો છોકરો ગણિતમાં આટલો મોટો કમાલ દેખાડી શકે. સ્પર્ધામાં ભાગ લેનારા ઘણા સ્પર્ધકો સીનિયર હતાં. કેટલાકની ઉંમર તો ૫૦-૫૫ થી પણ વધુ હતી. આથી નિર્ણાયકોએ તેને ઘણા અઘરા સમીકરણો અને ગણતરીઓ કરાવીને વારંવાર પરીક્ષા લીધી, પરંતુ ભાનુ પ્રકાશ દરેકમાં ખરો ઉતર્યો.

પોતાની જીત પાછળ તે દરરોજની ગણિતની પ્રેક્ટિસને જવાબદાર ઠેરવે છે. તે કહે છે કે, ‘જેમ કોઈ પણ સ્પૉર્ટ્સમાં કૌશલ્ય, નિરીક્ષણ, તાલીમ અગત્યના છે.. એવી જ રીતે આ પ્રકારના મેન્ટલ સ્પૉર્ટ્સમાં પણ તાલીમ જરૂરી છે.’ થોડા વર્ષો પહેલા સુધી તે દરરોજની ચાર-પાંચ કલાક ગણિતની પ્રેક્ટિસ કરતો, જેણે તેના મગજને શાર્પ બનાવવાનું કામ કર્યુ. આજકાલ ભાનુ પ્રકાશ માટે હવે દરરોજ એક કલાકની પ્રેક્ટિસ કાફી છે.

અને એવું નથી કે ભાનુ પ્રકાશ હંમેશાથી સ્પર્ધાઓમાં ભાગ લેતો આવ્યો છે. આજથી ચાર વર્ષ પહેલાં તેણે ગણિતમાંથી એક લાંબો બ્રેક લીધો હતો અને ભવિષ્યમાં પોતે શું બનવા માંગે છે એના પર વિચાર કર્યો હતો. હૈદરાબાદમાં તે એક મેથ્સ સ્ટાર્ટ-અપ ચલાવે છે, જે યુવાનો અને બાળકોને ગણિત પ્રત્યે પ્રેમ કરતા શીખવે છે.

સામાન્યતઃ ગણિત વિષય ભારતના મોટાભાગના બાળકો માટે માથાનો દુઃખાવો છે. પરંતુ ભાનુ પ્રકાશ માને છે કે, ગણિતથી વધારે સુંદર બાબત બીજી કોઈ નથી. શાળામાં નાનપણથી એરિથમેટિક ગણિત શીખવવામાં આવતું હોવાથી બાળકને ધીરે ધીરે ગણિત એક પ્રકારનું ભારણ લાગવા માંડે છે. પરંતુ તેને અલગ અલગ વિઝ્યુઅલ ટેક્નિક્સ અને મેથડ સાથે શીખવવામાં આવે તો ગણિત ખરેખર બાળકોનો ગમતીલો વિષય બની શકે છે.

ભાનુ પ્રકાશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તેના સ્ટાર્ટ-અપ ‘વિઝન મેથ્સ’ને ભારતના કરોડો બાળકો સુધી પહોંચાડવા માટે તેને સપૉર્ટ મળવો અત્યંત જરૂરી છે. બાળકોમાંથી મેથ્સ માટેનો ફોબિયા કાઢવા માટે અભ્યાસક્રમોમાં ધરમૂળથી બદલાવ આવે તે જરૂરી છે. અંગ્રેજોના સમયથી ચાલ્યા આવતાં પાઠ્યપુસ્તકોમાં રૂઢિગત ગણિતને કારણે બાળક એક હદ્દથી વધારે શીખી શકતું નથી.

ભારતના મા-બાપ પોતાના સંતાનને વિદેશમાં ભણાવવાનો આગ્રહ રાખે છે, તેની પાછળ પણ આ જ કારણ જવાબદાર છે. પ્રાયોગિક ભણતરને બદલે ચોપડિયું જ્ઞાન આપવામાં અહીંની શિક્ષણ પદ્ધતિ અવ્વલ છે. શિક્ષણમાં રોકવામાં આવતાં નાણા(બજેટ)માં સતત વધારો થતો હોવા છતાં આપણાં દેશની ૩૫% વસ્તી હજુ પણ અક્ષરજ્ઞાનથી વંચિત છે. માત્ર ૧૫% વિદ્યાર્થીઓ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. વળી, ભણતરની ગુણવત્તામાં પણ દરેક જગ્યાએ વિવિધતા જોવા મળે છે. તાજેતરમાં થયેલાં એક સર્વે પ્રમાણે, બિહારમાં મહિલાશિક્ષણ ૩૪% છે.. જ્યારે કેરેલામાં એ જ મહિલાશિક્ષણને ૮૮% જેટલું પ્રાધાન્ય આપવામાં આવે છે. તો બીજી બાજુ, બિહારમાં શિક્ષિત પુરૂષવર્ગની ટકાવારી ૫૦% જેટલી છે જ્યારે કેરેલામાં ૯૪% જેટલી (અધધ!) છે…

નવી સરકારો તો સત્તામાં આવ્યા કરે છે અને જૂની ચાલી જાય છે. દરેક વખતે શિક્ષણ પર GDP(ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ)નાં ૬% ખર્ચ કરવાની શપથ લેવાય છે. પરંતુ ખરેખર વપરાશ તો લગભગ ૪% જેટલો જ થાય છે. આ ફેક્ટરની બહુ મોટી અસર ગ્રામ્યવિસ્તારો પર પડી રહી છે… અમીર વ્યક્તિ વધુ અમીર બની રહ્યો છે અને નિર્ધન, લાચાર માણસ વધુ ગરીબ! ’ભાર વગરનું ભણતર’નાં નારા લગાવવાથી કશું નહીં થાય… એ માટે દેશની સરકારે કશાંક નક્કર પગલાં તો ઉઠાવવા જ રહ્યાં.

‘મારું મગજ કેલ્ક્યુલેટર કરતા પણ વધુ ઝડપે કામ કરે છે. ગણિતના માંધાતા ગણાતા શકુંતલા દેવી અને સ્કૉટ્ટ ફ્લાન્સબર્ગ જેવા દિગ્ગજોના વર્લ્ડ રેકૉર્ડ્સ તોડીને એક નવો રેકોર્ડ બનાવવો એ ખરેખર સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવની બાબત છે. ભારતની છબીને વૈશ્વિક સ્તર પર રોશન કરવા માટે મારા તરફથી હું જે કંઈ નાનુ અમથું યોગદાન આપી શક્યો છું એ માટે મને ગર્વ છે.’

– નીલકાંત ભાનુ પ્રકાશ (વર્લ્ડ-રેકૉર્ડ હૉલ્ડર ગણિતજ્ઞ)

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ (9726525772)

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud