અહીં એક એવી માન્યતા પ્રવર્તે છે કે, અગર ‘નાગબંધમ’ને સિધ્ધ ગરૂડમંત્રની મદદ વગર ખોલવાનો પ્રયાસ થયો તો ભારત દેશ આકરી તબાહીનો ભોગ બનશે!

                        કેરેલાનાં તિરૂવનંતપુરમ ખાતે સ્થિત શ્રી પદ્મનાભસ્વામી મંદિર છેલ્લા થોડા વર્ષોથી ઘણું ચર્ચામાં આવી ગયું છે. મંદિરની અંદર આવેલા કુલ આઠ તયખાનાઓ ભૂસ્તરશાસ્ત્રી માટે મંથનનો વિષય બન્યા છે. કેરેલિયન-દ્રવિડિયન શૈલીની બાંધણી ધરાવતાં આ મંદિરનું ‘ગોપુરમ’ સોળમી સદીમાં આકાર પામ્યું છે. પરંતુ મૂળ મંદિરનું નિર્માણ ક્યારે અને કોના હસ્તકે થયું એ બાબતે હજુ પણ ઘણા મતમતાંતર છે. શ્રીમદ ભગવદગીતામાં શ્રીકૃષ્ણનાં ભાઈ બલરામે અહીં સ્નાન કર્યુ હોવાનું વર્ણન મળી આવે છે. એવું પણ મનાય છે કે શ્રી પદ્મનાભસ્વામી મંદિર કન્યાકુમારીમાં આવેલા ‘આદિકેશવ પેરૂમલ’ મંદિરનું પ્રતિરૂપ છે! ગર્ભગૃહમાં આવેલી ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ ‘અનંત શયનમ’ અવસ્થામાં મળી આવી હતી. ૨.૫ ફૂટની જાડાઈ અને ૨૦ ફૂટનાં ચોરસ માર્બલ પર શેષનાગનું છત્ર ધરાવતાં ભગવાન શ્રીહરિ યોગનિદ્રામાં પોઢેલા છે. તેમનો જમણો હાથ શિવલિંગ પર જોવા મળી રહ્યો છે. મહાદેવી લક્ષ્મી અને ભૂદેવી પણ તેમની બાજુ પર દૈદિપ્યમાન છે. તેમની નાભિમાંથી ઉત્સર્જિત થયેલા વિશ્વરચયિતા બ્રહ્માજી કમળનાં આસન પર બિરાજમાન છે. શ્રી પદ્મનાભસ્વામીની આ વિશાળ મૂર્તિ કુલ ૧૨,૦૦૮ શાલીગ્રામમાંથી બનાવવામાં આવી છે, જે ફક્ત નેપાળની ગંડકી નદીમાંથી પ્રાપ્ય છે.

                   

ત્રવણકોર રોયલ ફેમિલી

                         શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં મોટા ફેરફાર ઈ.સ. ૧૭૩૧માં રાજા માર્તડ વર્મા દ્વારા કરવામાં આવ્યા હતાં. ૧૭ જાન્યુઆરી, ૧૭૫૦નાં રોજ તેમણે પોતાના સમગ્ર રાજપરિવારને ભગવાન શ્રીહરિની સેવામાં સમર્પિત કરી દીધો. એ જ વખતે તેમણે જાહેર કરી દીધું કે ભવિષ્યમાં આવનારા દરેક ગાદીપતિ, હવેથી ‘શ્રીપદ્મનાભ દાસ’ તરીકે ઓળખાશે અને રાજઘરાનાની સ્ત્રીઓને ‘શ્રીપદ્મનાભ સેવિની’ તરીકે લોકો આદર આપશે. રાજા માર્તંડ વર્મા પોતાની રાજગાદી તેમનાં ભત્રીજા રામ વર્માને સોંપી ૫૩ વર્ષની વયે અવસાન પામ્યા. વર્મા રાજ-પરિવાર ઘણા લાંબા સમય સુધી શ્રી પદ્મનાભ સ્વામી મંદિરની સેવામાં ઉપસ્થિત રહ્યો. પરંતુ બાદમાં, મંદિર પરિસરની ભૌગોલિક છાનબીન માટે સુપ્રીમકોર્ટે તેઓને ટ્રસ્ટમાંથી બાકાત કરી નાંખ્યા.

રહસ્યમય તયખાનાઓ

                        જુન, ૨૦૧૧માં સુપ્રીમ કોર્ટે ઈન્ડિયન આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ (પુરાતત્વ ખાતા)ને મંદિરમાંના ૬ તયખાનાઓને ખોલી તેમાંની કિંમતી વસ્તુ બહાર લાવવા માટેનો આદેશ આપ્યો. પુરાતત્વશાસ્ત્રીઓએ આ વોલ્ટ્સને એ, બી, સી, ડી, ઈ અને એફ નામ આપ્યા. ‘બી’ વોલ્ટ સિવાયનાં તમામ તયખાનાઓની છાનબીન કરવામાં તેઓ સફળ રહ્યા. પરંતુ વોલ્ટ ‘બી’નાં દરવાજાની બહાર ચાવી-કૂંજીનું કોઈ નિશાન ન મળ્યું. તદુપરાંત, તેને ખોલવા માટે કોઈ પ્રકારની તિરાડ કે મિજાગરાઓ પણ દેખાતાં નહોતાં.

                ન્યુયોર્ક મેગેઝીનનાં એક જર્નલિસ્ટ જેક હેલપર્ને ૨૦૧૪ની સાલમાં આ પુરાતત્વશાસ્ત્રીઓનો ઇન્ટરવ્યુ કર્યો. તેમણે શ્રી પદ્મનાભસ્વામીનાં આ તમામ તયખાનાઓમાં મળેલા અમૂલ્ય ભંડાર વિશે વિસ્તારપૂર્વક વાત કરતાં જણાવ્યું કે, વોલ્ટ ‘એ’ અને ‘બી’ને સૌથી વધુ સુરક્ષિત રાખવામાં આવ્યા હતાં. બંનેને ખોલીને ભોંયરામાં અંદર પ્રવેશવા માટે ઘણા બધા દરવાજાઓમાંથી પસાર થવું પડે એમ હતું. જેની ચાવીઓ રાજપરિવારનાં વંશજો પાસેથી મળી આવી. બી વોલ્ટનાં દરવાજાને ચાવી વડે ખોલતાં તેની અંદર લાકડાંનું બીજું દ્વાર દેખાયું. તેને પાર કરીને આગળ વધતાં સામે લોખંડનો મસમોટો દરવાજો દેખાયો, જેમાં બે નાગચિહ્નો કોતરેલા હતાં. આ દરવાજાને ભેદવાની તમામ કોશિશોમાં નિષ્ફળતા પ્રાપ્ત થઈ.

                        આથી સાતે-સાત પુરાતત્વશાસ્ત્રીઓ વોલ્ટ ‘એ’ તરફ આગળ વધ્યા. ત્યાં પણ આ જ રીતે, લોખંડ અને લાકડાનાં એક-એક દરવાજા વટાવ્યા બાદ તેઓ આગળ, એક સાવ નાના અંધારા કમરામાં પહોંચ્યા. જેમાં સૂર્યપ્રકાશનું નાનકડું કિરણ પણ પ્રવેશી શકવા સક્ષમ નહોતું. સૌએ પોતપોતાની ટોર્ચ ચાલુ કરીને આજુબાજુ નજર ફેરવી. ત્યાં તેમને જમીન પર એક લંબચોરસ સ્લેબ દેખાયો. જેને ખસેડવા માટે પાંચ લોકોએ લગભગ ત્રીસ મિનિટ સુધી મથામણ કરી. આખરે તેમની મહેનત રંગ લાવી. સ્લેબ પોતાની જગ્યાએથી ખસી ગયો તો ખરો, પરંતુ તેની નીચે વળી પાછું એક અંધકારમય ભોંયરું મળી આવ્યું, જેમાં નીચે ઉતરવા માટે પથ્થરોમાંથી સીડી કોતરવામાં આવેલી હતી. ટોર્ચનો પ્રકાશ ભોંયરાની જમીન પર પહોંચતાંની સાથે જ એકીસાથે જાણે સો-બસો લાઈટ-બલ્બ ચાલુ કરી દીધા હોય એવો અનુભવ થયો. એ ચળકાટ હતો સોનાનો! સદીઓ પહેલા પટારામાં બંધ કરીને મૂકવામાં આવેલા હીરા-ઝવેરાત જમીન પર આમથી તેમ વીખરાયેલા પડ્યા હતાં. કાળક્રમે લાકડું સડી જવાને લીધે તેનાં પર ધૂળની થર જામી ચૂકી હતી. અબજોની કિંમતનાં હીરા, સોનાનો ૧૮ ફૂટનો નેકલેસ, ૫૦૦ કિલોગ્રામની સોનાની પૂળી, સોનાનાં સિક્કા, નક્કર સોનાનું સિંહાસન, ઝર-ઝવેરાત, રૂબી, સોનાનાં બખ્તર, શરીરે પહેરી શકાય તેવી ‘આંગી’, ઇસવીસન પૂર્વે ૨૦૦ની સાલનાં પ્રાચીન સિક્કાઓ, રોમન-મુગલ-ડચ જાતિનાં લોકોની અમૂલ્ય ધરોહર જેવી કંઈ-કેટલીય મહામૂલી ચીજોથી એ કમરો છલોછલ ભરાયેલો હતો.

                        તમામ પ્રાચીન વસ્તુઓનું મૂલ્ય ત્રણ કરોડ ડોલરથી પણ વધારે હતું. વોલ્ટ ‘બી’ સિવાયનાં અન્ય ભોંયરાઓને ખોલતાં તેમાંથી પણ હજારોની સંખ્યામાં રત્નો, સોનાની મૂર્તિ તેમજ આભૂષણો મળી આવ્યા. જેની કુલ કિંમત આજે ૧ ટ્રિલિયન ડોલરથી પણ વધુ છે! એપ્રિલ ૨૦૧૪માં પુરાતત્વશાસ્ત્રીઓએ બીજા બે નવા ભોંયરા શોધી કાઢ્યા, જેને ‘જી’ અને ‘એચ’ નામ અપાયું છે. અત્યારસુધીમાં મળી આવેલા આઠ વૉલ્ટ્સમાંથી પાંચ ખૂલી ગયા છે અને ત્રણ હજુ પણ બાકી છે. રાજપરિવારનાં વૉલ્ટ ‘બી’ ન ખોલવાનાં ખાસ આગ્રહને માન આપીને સરકારે પણ હવે પોતાનાં પોતાનાં પ્રયાસને વિરામ આપ્યો છે. સ્થાનિક લોકોની માન્યતા છે કે આ તયખાનાને સોળમી સદીમાં રાજા માર્તંડ વર્માનાં કહેવાથી, સિધ્ધપુરુષો દ્વારા ‘નાગબંધમ’નાં અતિશક્તિશાળી મંત્રો વડે બંધ કરવામાં આવ્યા છે. આપણા વેદ-પુરાણોમાં નાગબંધમને તોડવા માટે ખાસ પ્રકારનાં ગરૂડ મંત્રનો ઉલ્લેખ થયો છે. જેનાં ઉચ્ચારણ થકી આ દરવાજો ખૂલી શકે તેમ છે, પરંતુ તેનાં માટે અમુક પ્રકારની સિધ્ધિઓ હોવી આવશ્યક છે!

                        ઇ.સ. ૧૯૦૧ અને ૧૯૩૦માં કેટલાક લોકોએ વૉલ્ટ ‘બી’ ખોલવાની કોશિશ કરી હતી પરંતુ જેવો તેમણે મંદિરમાં પગ મૂક્યો કે તરત જ કેટલાક કાળોતરા સાપ તેમનાં રસ્તા વચ્ચે આવી ગયા. જેનાં લીધે તમામ ઘુષણખોરો પોતાનો જીવ બચાવવા નાસી ગયા અને ફરી ક્યારેય પાછા પરિસરમાં દેખાયા નહી! શ્રધ્ધાળુઓ એ ભોંયરાને અત્યંત પવિત્ર માને છે. તેઓને ભય છે કે ગ્રેનેડ અથવા અન્ય કોઈ વિસ્ફોટક વડે અગર આ દરવાજાને તોડવાનો પ્રયાસ થયો તો ભારત પર ભયાનક વિપદા આવશે!

                        મંદિરની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં હવે ત્યાં ૨૦૦થી વધુ શસ્ત્રધારી સૈનિકોને તૈનાત કરી દેવાયા છે. આવન-જાવન કરી રહેલા તમામ શ્રધ્ધાળુઓ પર સિક્યોરિટી કેમેરા અને મેટલ ડિટેક્ટર્સ વડે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં પ્રવેશવા માટે પહેલી શરત એવી છે કે ભક્ત હિંદુ હોવો જોઈએ અને બીજું, તેણે મંદિર દ્વારા નક્કી કરાયેલા કપડાં પહેરેલા હોવા જોઈએ!

                        આટલી સાવધાની રાખવા છતાં મંદિરમાંથી કરોડો રૂપિયાનાં સોનાની ચોરી થઈ છે. ૭૬૯ જેટલા સોનાનાં ઘડા અને ચાંદીની પ્લેટો ગાયબ છે. ૧૧ નવેમ્બર, ૨૦૧૫નાં રોજ આ બાબતની જાણ કરતો ૫૦૦ પાનાંનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરવામાં આવ્યો હતો! દરેક ભોંયરાની અંદર બીજા અનેક છુપા રસ્તાઓ આવેલા છે, જેનાં લીધે આ લૂંટ સંભવ બની હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. શહેરનાં વિવિધ ભાગોને જોડતી આ સુરંગોને જોકે, પુરાતત્વશાસ્ત્રી દ્વારા બ્લોક કરી દેવાઈ છે! આમ છતાં, મંદિરનો વહીવટી વિભાગ પણ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે તેવા આરોપ લગાવવામાં આવ્યા છે.

                        શ્રી પદ્મનાભસ્વામી મંદિરને આજે વિશ્વનું સૌથી ધનિક મંદિર માનવામાં આવી રહ્યું છે. વણખૂલેલા ત્રણ વૉલ્ટ્સ (બી, જી, એચ)ની અંદર ધરબાયેલા રહસ્યો વિશે પુરાતત્વશાસ્ત્રીઓ અત્યારે સાવ અજાણ છે. વૉલ્ટ ‘બી’ અત્યારસુધીનું સૌથી મોટું ભોંયરું ગણાય છે. પુરાતત્વશાસ્ત્રીઓનાં મત મુજબ, તેની અંદર અમાપ સંપત્તિનો ભંડાર છુપાયેલો છે. ફક્ત પાંચ વૉલ્ટ્સમાં પ્રાપ્ત થયેલી સંપત્તિ એટલી વિશાળ માત્રામાં છે કે જેનાથી ભારતનું દેવું ભરપાઈ થઈ શકે, ઉપરાંત દેશનો એકપણ વ્યક્તિ ગરીબ ન રહે!

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ (9726525772)

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud